Bhavnagar

બજરંગદાસ બાપાની AI તસવીરો અને બનાવટી રીલ્સ શેર ન કરો, બગદાણા આશ્રમની ભક્તોને ખાસ અપીલ

By GS Team
6 Aug 20262 mins read
TukuTouch Logo
ભાવનગરના બગદાણા આશ્રમે સોશિયલ મીડિયા પર AI ટેકનોલોજીથી બજરંગદાસ બાપા વિશે ફેલાવાતી કાલ્પનિક વાતો અને બનાવટી તસવીરો સામે અપીલ કરી છે. આશ્રમે ભક્તોને બાપાના મૂળ પવિત્ર સ્વરૂપને જાળવી રાખવા અને AI નિર્મિત ફેક કન્ટેન્ટથી દૂર રહેવા વિનંતી કરી છે. વ્યૂઝ અને લાઈક્સ માટે બાપાના વાસ્તવિક સ્વરૂપ સાથે અન્યાય ન કરવા જણાવ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બજરંગદાસ બાપાની AI તસવીરો અને બનાવટી રીલ્સ શેર ન કરો, બગદાણા આશ્રમની ભક્તોને ખાસ અપીલ

Bhavnagar Bagdana Ashram: સોશિયલ મીડિયા પર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ટેકનોલોજીના વધતા ઉપયોગ વચ્ચે બજરંગદાસ બાપા વિશે ફેલાવવામાં આવતી કાલ્પનિક વાતો અને બનાવટી તસવીરોને લઈને ગુરુ આશ્રમ બગદાણા દ્વારા અપીલ જાહેર કરવામાં આવી છે. બગદાણા આશ્રમે સોશિયલ મીડિયાના માધ્યમથી ભક્તોને બાપાના મૂળ પવિત્ર સ્વરૂપને જાળવી રાખવા અને AI નિર્મિત ફેક કન્ટેન્ટથી દૂર રહેવા ખાસ વિનંતી કરી છે.

વ્યૂઝ અને લાઈક્સની ઘેલછામાં બાપાના વાસ્તવિક સ્વરૂપ સાથે અન્યાય

બગદાણા આશ્રમ તરફથી બહાર પાડવામાં આવેલી પોસ્ટમાં જણાવવામાં આવ્યું છે કે, સોશિયલ મીડિયા પર માત્ર વ્યૂઝ અને લાઈક્સ મેળવવાની ઘેલછામાં કેટલાક લોકો AI ટેકનોલોજીની મદદથી બજરંગદાસ બાપાના કલ્પનાશીલ ફોટા અને મનઘડંત કહાનીઓ જોડીને રીલ્સ બનાવી રહ્યા છે. આ પ્રકારનું કૃત્ય બજરંગદાસ બાપાના વાસ્તવિક અને પવિત્ર સ્વરૂપ સાથે મોટો અન્યાય છે.

બજરંગદાસ બાપાએ ક્યારેય ચમત્કારોનો દાવો કર્યો નથી

આશ્રમે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે પૂજ્ય બજરંગદાસ બાપાનું સમગ્ર જીવન ભગવાન રામ પ્રત્યેની અગાધ શ્રદ્ધા, અખંડ 'સીતારામ' જાપ, સરળતા અને બગદાણા ધામમાં ચાલતા સદાવ્રત જેવી પરમ સેવાભાવના પર આધારિત રહ્યું છે. બાપાએ ક્યારેય ચમત્કારોના દાવા કર્યા નથી, પરંતુ પોતાની કઠોર સાધના અને રામનામના બળે કરોડો શ્રદ્ધાળુઓના હૃદયમાં અમર સ્થાન મેળવ્યું છે.

બગદાણા આશ્રમની ભક્તોને અપીલ

•AI તસવીરો શેર ન કરો: AI દ્વારા બનાવાયેલા બાપાના કાલ્પનિક તસવીરો કે વીડિયોને આગળ શેર કે પ્રોત્સાહિત ન કરો.
•મૂળ સ્વરૂપ જાળવી રાખો: કાલ્પનિક વાર્તાઓ અને બનાવટી રીલ્સથી બાપાની છબી વિકૃત ન કરવી.
•સાચો વારસો આગળ ધપાવો: આવનારી પેઢી સુધી બજરંગદાસ બાપાનો સાચો ઈતિહાસ અને સાચી ભક્તિ જ પહોંચવી જોઈએ.
•સંતો શ્રદ્ધાનો વિષય છે: સંતો એ કોઈ કલ્પના કે મનોરંજનનું સાધન નથી, પરંતુ શ્રદ્ધા અને સમર્પણનું પ્રતીક છે.

આશ્રમ પરિવાર અને સ્થાનિકોએ તમામ ભક્તોને પોતાની નૈતિક ફરજ સમજીને આવી અવાસ્તવિક રીલ્સ અને ફોટાઓને સોશિયલ મીડિયા પર વાયરલ ન કરવા અને બાપાની પવિત્રતા જાળવી રાખવા અનુરોધ કર્યો છે.