Bhavnagar

વગર ટિકિટે રાઈડમાં બેસવા બાબતે દાદાગીરી કરી રૃ. ૫૦ હજારની તોડફોડ

By GS Team
6 Sep 20262 mins read
TukuTouch Logo
ભાવનગરના જવાહર મેદાનમાં જન્માષ્ટમી મેળામાં ટિકિટ વગર રાઈડમાં બેસવા મુદ્દે હંગામો થયો. આદિલ ઉર્ફે તપેલી અને અક્ષયસિંહ ગોહિલ સહિત 6 શખસોએ તોડફોડ કરી, રૂ. 50,000નું નુકસાન પહોંચાડ્યું. છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી. ઘોઘારોડ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વગર ટિકિટે રાઈડમાં બેસવા બાબતે દાદાગીરી કરી રૃ. ૫૦ હજારની તોડફોડ

જવાહર મેદાનમાં મેળામય માહોલ વચ્ચે હંગામો

ઘોઘારોડ પોલીસ મથકે ૬ શખસો સામે ગુનો નોંધાયો, છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી

ભાવનગર -  ભાવનગરના જવાહર મેદાન ખાતે જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે યોજાયેલા મેળામાં ગઈકાલે રાત્રે ટિકિટ વગર રાઈડમાં બેસવા મુદ્દે ભારે હોબાળો મચ્યો હતો. વગર ટિકિટે રાઈડમાં જવા બાબતે બળજબરી કરી અસામાજિક તત્વોએ તોડફોડ કરી મેળાના સંચાલકોને આશરે રૃ. ૫૦,૦૦૦ નું નુકસાન પહોંચાડયું હતું.

કુંભારવાડા વિસ્તારમાં રહેતા તોશીફભાઈ રફીકભાઈ જુનેજા જવાહર મેદાનમાં મિક્સર નામની રાઈડ પર ટિકિટ કાઉન્ટર સંભાળતા હતા. રાત્રિના સુમારે આદિલ ઉર્ફે તપેલી અને અક્ષયસિંહ ગોહિલ નામના શખસો આવ્યા હતા. ટિકિટ લેવાનું કહેતા તેઓએ દાદાગીરી કરી વગર ટિકિટે બેસી ગયા હતા. ત્યારબાદ ફરી વખત બેસવાની ના પાડતા ઉશ્કેરાઈ જઈ તોશીફભાઈને લાફા મારી ગાળો આપી હતી. આદિલ નામના શખસે નેફામાંથી છરી કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.રાઈડમાં ભારે તોડફોડ અને નાસભાગ આ બાદ તમામ શખ્સોએ પોતાના અન્ય સાગરીતો (રવિરાજસિંહ, નરેશ, ભુરો ઉર્ફે ૫૧-૫૨ અને એક કાળા ટી-શર્ટવાળો અજાણ્યો માણસ)ને બોલાવી રાઈડમાં બળજબરીથી પ્રવેશી ગયા હતા. તેઓએ રાઈડમાં ગોઠવેલી આશરે ૬૦ ટયુબલાઈટો, ૨ મરક્યુરી લાઈટો, ડિસ્પ્લે લાઈટ તેમજ ફાઈબર શીટમાં છરીના ઘા મારી તોડફોડ કરી હતી. આ ઘટનાને પગલે મેળામાં આવેલા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. શોર્ટસર્કીટ રોકવા માટે રાઈડનો પાવર સપ્લાય તુરંત બંધ કરી દેવાયો હતો.આ બનાવ અંગે ઘોઘારોડ પોલીસ મથકે આદિલ ઉર્ફે તપેલી, અક્ષયસિંહ ગોહિલ સહિત ૬ શખસો સામે બી.એન.એસ. અને જી.પી. એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ પીએસઆઈ વી.એચ. મોરડિયા ચલાવી રહ્યા છે.