મહુવા શહેરના હનુમંત ફીડરમાં વીજ ધાંધિયાનું નિવારણ લાવો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

રહીશોની કાર્યપાલક ઈજનેરને રજૂઆત
વહેલી તકે નિવારણ નહી આવે તો કચેરીમાં હલ્લાબોલની ચિમકી ઃ ૧૫ દિવસમાં પ્રશ્નના નિવરણની હૈયાધારણા
મહુવા - મહુવાના હનુમંત ફીડરમાં છેલ્લા ઘણાં સમયથી વીજ ધાંધિયાના લીધે રહીશો ત્રસ્ત છે ત્યારે આજે હનુમંત ફીડર હેઠળ આવતી સોસાયટીઓના રહીશો આ પ્રશ્નના નિવારણની માંગ સાથે કાર્યપાલક ઈજનેરને રજૂઆત કરવા પહોંચ્યા હતા અને જો વહેલી તકે પ્રશ્નનું નિવારણ નહી આવે તો મોટી સંખ્યામાં લોકો કચેરીએ હલ્લાબોલ કરશે તેવી ચિમકી ઉચ્ચારવામાં આવી છે. બીજી તરફ ૧૫ દિવસમાં આ પ્રશ્નનું નિવારણ આવી જશે તેવી હૈયાધારણાં આપવામાં આવી છે.
મહુવા શહેરમાં આવેલ હનુમંત ફિલ્ડર હેઠળની સોસાયટીઓમાં છેલ્લા ઘણા સમયથી વીજતંત્ર દ્વારા આપવામાં આવતો વીજ પુરવઠો લબુક-જબુક હોવાથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો અને વારંવાર વીજળી ગૂલ થવાના લીધે લોકોના ઈલેક્ટ્રીક સાધનોને પણ ભારે નુકસાન થયું છે અને લાઈટ જવા મુદ્દે વીજ કચેરી તરફથી પણ ગ્રાહકોને સંતોષકારક જવાબ નહોતો મળતો ત્યારે આ મામલે આજરોજ હનુમંત ફીડર હેઠળ આવતી સોસાયટીઓના રહીશો, નગરપાલિકાના ચૂંટાયેલા કાઉન્સિલરો તથા પૂર્વ કાઉન્સિલરો સહિતના આગેવાનો મહુવા વીજ કચેરી ખાતે જઈ કાર્યપાલ ઈજનેર જે.આર.ગામીતને મૌખિક રજૂઆત કરી હતી અને જો વહેલી તકે આ પ્રશ્નનું નિવારણ નહીં આવે તો મોટી સંખ્યામાં હનુમંત ફીડરના રહીશો કચેરીએ એકઠાં થઈ હલ્લાબોલ કરશે અને તેની સંપૂર્ણ જવાબદારી વીજતંત્રની રહેશે તેવી ચિમકી ઉચ્ચારવામાં આવી હતી. આ મામલે કાર્યપાલ ઇજનેર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ટેકનિકલ બાબતના લીધે આ પ્રશ્ન ઉદભવ્યો છે. સોલારના કારણે ઇન્જેક્શન થાય છે. લૉડ બેલેન્સના કારણે સ્ટ્રીપ થાય છે. જેના કાયમી સોલ્યુશન માટે અમે જેટકો સાથે વાત કરી છે અને આ ફીડર ઉપર જે લૉડ પડી રહ્યો છે તેની કાર્યવાહી કરવાની સૂચના પણ આપી દેવામાં આવી છે અને ૧૫ દિવસના સમયગાળા દરમિયાન આ પ્રશ્નનો નિવારણ આવી જશે.




