Bhavnagar

ભાવનગર: મથાવડા ગામે તળાવમાં નહાવા પડેલા 4 યુવાનો ડૂબ્યા, બેના મોત, પરિવારમાં આક્રંદ

By GS Team
23 Aug 20261 min read
TukuTouch Logo
ભાવનગરના તળાજા તાલુકાના મથાવડા ગામે તળાવમાં નહાવા પડેલા 4 યુવાનોમાંથી 2ને બચાવી લેવાયા, જ્યારે 2 યુવાનોના ડૂબી જવાથી કરુણ મોત થયા છે. મૃતકોમાં 18 વર્ષીય તુષાર શિયાળ અને 22 વર્ષીય મિલન શિયાળનો સમાવેશ થાય છે. મિલન શિયાળ પૂર્વ સાંસદ ભારતીબહેન શિયાળના પરિવારના સભ્ય હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાથી ગામમાં શોક છવાઈ ગયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભાવનગર: મથાવડા ગામે તળાવમાં નહાવા પડેલા 4 યુવાનો ડૂબ્યા, બેના મોત, પરિવારમાં આક્રંદ

Bhavnagar News: ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના મથાવડા ગામે દુ:ખદ ઘટના સામે આવી છે. ગામમાં આવેલા તળાવમાં નહાવા પડેલા ચાર યુવાનો પાણીના ઊંડાણનો અંદાજ ન આવતા ડૂબવા લાગ્યા હતા. સ્થાનિક લોકોએ તાત્કાલિક મદદ કરીને બે યુવાનોને સહીસલામત બહાર કાઢી લીધા હતા, પરંતુ અન્ય બે યુવાનો ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.

સ્થાનિકોએ 2 યુવાનોને બચાવ્યા, શોધખોળ બાદ બેના મૃતદેહ મળ્યા

મળતી માહિતી અનુસાર, યુવાનો ડૂબવા લાગતા તેમણે બૂમાબૂમ કરી મૂકી હતી. અવાજ સાંભળીને દોડી આવેલા સ્થાનિક લોકોએ ભારે સાહસ દાખવીને બે યુવાનોને સમયસર પાણીમાંથી બહાર કાઢી તેમનો જીવ બચાવી લીધો હતો. જોકે, અન્ય બે યુવાનો તળાવના ઊંડા ભાગમાં ગરકાવ થઈ જતાં સ્થાનિક તરવૈયાઓએ કલાકો સુધી ભારે જહમત ઉઠાવીને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. આખરે બંને યુવકોના મૃતદેહ જ બહાર આવ્યા હતા.

દુર્ઘટનામાં જીવ ગુમાવનારા યુવકોમાં 18 વર્ષીય તુષાર શિયાળ અને 22 વર્ષીય મિલન શિયાળનો સમાવેશ થાય છે. મૃતક મિલન શિયાળ ભાવનગરના પૂર્વ સાંસદ ભારતીબહેન શિયાળના પરિવારનો સભ્ય હોવાનું સામે આવ્યું છે.

તળાવમાંથી બંને યુવકોના મૃતદેહ બહાર કાઢ્યા બાદ પોસ્ટમોર્ટમ અને આગળની કાયદેસરની પ્રક્રિયા માટે તળાજા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ કરૂણ ઘટનાને પગલે મથાવડા ગામમાં ભારે અરેરાટી સાથે શોકની કાલિમા છવાઈ ગઈ છે.