ભાવનગર રેલવેની ટિકિટ ચેકિંગ ટીમે રેકોર્ડબ્રેક ૧૧.૬૧ લાખનો દંડ વસૂલ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મે-૨૦૨૨માં એક જ દિવસમાં મેળવેલી આવકનો કીર્તિમાન તોડયો
યોગ્ય ટિકિટ વિના અને અનિયમિત રીતે મુસાફરી કરતા ૧૧૯૮ લોકો ઝપટે ચડયાં
ભાવનગર - ભાવનગર રેલવે મંડળની ટિકિટ ચેકિંગ ટીમ દ્વારા એક જ દિવસમાં ૧૧.૬૧ લાખ રૃપિયાનો દંડ વસૂલી નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. ટિકિટ ચેકિંગ સ્ટાફની ઝુંબેશથી અનિયમિત અને યોગ્ય ટિકિટ વિના મુસાફરી કરતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો.
આ અંગે વરિષ્ડ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, પશ્ચિમ રેલવેના પ્રમુખ મુખ્ય વાણિજ્ય પ્રબંધક તરુણ જૈનના માર્ગદર્શન અને ભાવનગર મંડળના સહાયક વાણિજ્ય પ્રબંધક વિશ્લ પચૌરીની દેખરેખ હેઠળ વાણિજ્ય વિભાગ દ્વારા તા.૨-૧૧ના રોજ મુસાફર ટ્રેનોમાં ટિકિટ ચેકિંગ અભિયાન ચલાવાયું હતું. આ અભિયાન દરમિયાન યોગ્ય ટિકિટ વિના અથવા અનિયમિત રીતે મુસાફરી કરતા કુલ ૧,૧૯૮ લોકો ઝપટે ચડતા તેમની સામે કેસ નોંધી રૃા.૧૧.૬૧ લાખની રેકોર્ડ આવક મેળવવામાં આવી હતી. ઉલ્લેખનિય છે કે, અગાઉ મે-૨૦૨૨માં એક જ દિવસમાં રૃા.૯.૫૦ લાખની રેકોર્ડ આવક થઈ હતી. જેને પાછળ છોડી નવો કીર્તિમાન સ્થાપિત કરવામાં આવ્યો છે.
માન્ય ટિકિટ લઈને જ મુસાફરી કરવા તાકીદ
ભાવનગર મંડળની ટ્રેનોમાં મુસાફરી કરતા યાત્રિકોને યોગ્ય અને માન્ય ટિકિટ લઈને જ રેલવે મુસાફરી કરવા અને રેલવેના નિયમોનું પાલન કરવા ડીઆરએમ દિનેશ વર્માએ તાકીદ કરી છે. માન્ય ટિકિટ સાથે મુસાફરીથી રેલવેની આવકના સંરક્ષણમાં સહયોગ મળશે. સાથે મુસાફરો માટે સુરક્ષિત અને સુવ્યવસ્થિત મુસાફરી કરવામાં પણ મદદ મળશે તેમ ઉમેર્યું હતું. નોંધપાત્ર સિદ્ધિ બદલ વાણિજ્ય વિભાગની ટીમને આવકારી હતી.




