ભાવનગરમાં લઠ્ઠાકાંડ, 6ના મોત: અમદાવાદથી કેમિકલ લાવી વરતેજમાં 'મોત' પેક કર્યું, 51 પેટી વેચી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Bhavnagar Hooch Tragedy: દારૂબંધી ધરાવતા ગુજરાતમાં વધુ એક વખત ઝેરી દારૂએ લોકોનો ભોગ લીધો છે. ભાવનગર શહેર અને ગ્રામ્ય પંથકમાં ખુલ્લેઆમ વેચાયેલા કેમિકલયુક્ત ઝેરી નકલી દારૂના કારણે 6 યુવકોનાં કરુણ મોત નીપજ્યાં છે, જ્યારે 21 જેટલા લોકો ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ બનાવથી સમગ્ર રાજ્યમાં ચકચાર મચી ગઈ છે અને ગૃહ વિભાગે સમગ્ર કેસની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ને સોંપી દીધી છે. મૃત્યુ આંક હજુ પણ વધે તેવી આશંકા સેવાઈ રહી છે.
રોયલ સ્ટેગની બોટલોમાં 'મોતનું મિશ્રણ': 38.59% ઝેરી મિથેનોલ મળ્યું
બુટલેગરોએ બ્રાન્ડેડ રોયલ સ્ટેગ દારૂની ખાલી બોટલો, ઢાંકણા અને સ્ટીકરો મેળવી તેમાં મિથેનોલ મિશ્રિત ઝેરી પ્રવાહી ભર્યું હતું. એફએસએલ અને મેડિકલ તપાસમાં સામે આવ્યું છે કે, ઝેરી અસર પામેલા 10 દર્દીઓના લોહી અને યુરિન સેમ્પલમાં 38.59% જેટલું ઘાતક મિથેનોલ મળી આવ્યું છે. સામાન્ય આલ્કોહોલમાં રહેતું ઇથેનોલ માત્ર 0.94% જ હતું.
કમનસીબી: પોલીસકર્મીની પાર્ટીમાંથી જ લઠ્ઠાકાંડનો ભાંડો ફૂટ્યો
સમગ્ર ઘટનાની જાણકારી પોલીસ કર્મચારી દ્વારા અપાયેલી એક પાર્ટીથી બહાર આવી હતી. 18 ઓગસ્ટના રોજ ભાવનગર જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનોને એલ.સી.બી. દ્વારા તાકીદ કરાઈ હતી. ખરકડી ગામે રહેતા વિજયરાજસિંહ ગોહિલ પોલીસ ભરતીમાં સિલેક્ટ થતાં પોતાના મિત્રો ઉપેન્દ્રસિંહ ગંભીરસિંહ ગોહિલ, હરપાલસિંહ પ્રદીપસિંહ ગોહિલ અને જયદીપસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલને પાર્ટી આપી હતી. જયદીપસિંહ સિવાયના ત્રણ મિત્રોએ રોયલ સ્ટેગ દારૂ પીધો હતો. જેમાં 18 ઓગસ્ટના રોજ ઉપેન્દ્રસિંહનું મોત નીપજ્યું હતું.
અમદાવાદ-વરતેજ-ઉજ્જૈન કનેક્શન: બનાવનાર ખુદ પી ગયો અને મોત થયું
આ આખું રેકેટ આર્થિક લાભ મેળવવા માટે સિન્ડિકેટ રચીને ચલાવવામાં આવતું હતું. વરતેજના નવા પ્લોટ વિસ્તારની આંબલીવાળી શેરીમાં રહેતા બુટલેગર ગૌતમ સોલંકી અને રઈસ વચ્ચે ભાવનગરમાં દારૂ બનાવવાની ડીલ થઈ હતી. અમદાવાદના સરખેજ વિસ્તારમાંથી સફેદ લિક્વિડ, ખાલી બોટલ, ઢાંકણા, સ્ટીકર અને મિથેનોલ મંગાવવામાં આવ્યા હતા. કેમિકલનું મિશ્રણ તૈયાર કરવા માટે ઉજ્જૈનથી નરેન્દ્રસિંહ ઉર્ફે ડોક્ટર નામના વ્યક્તિને બોલાવ્યો હતો. ચોંકાવનારી બાબત એ છે કે કેમિકલ મિક્સ કરનાર નરેન્દ્રસિંહે પોતે પણ આ ઝેરી દારૂ પીધો હતો, જેના કારણે 17 ઓગસ્ટે તેની તબિયત લથડી અને 18 ઓગસ્ટે તેનું પણ મોત નીપજ્યું હતું.
51 પેટી વેચાઈ ગઈ: 21 બુટલેગરો સામે ગુનો દાખલ
ટ્રાન્સપોર્ટમાં સામાન આવ્યા બાદ ગૌતમના ઘરે પ્રથમ તબક્કે 51 પેટી દારૂ બનાવવામાં આવ્યો હતો. આ જથ્થો વિવિધ બુટલેગરો મારફતે ગામડાઓમાં સપ્લાય કરવામાં આવ્યો હતો. વરતેજ પોલીસે પી.આઈ. એસ.બી. પઢેરિયાની ફરિયાદ પર 21 આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે. સંડોવાયેલા મુખ્ય આરોપીઓમાં ગૌતમ સોલંકી, રઈસ, મનોજ, જતીન સોલંકી, ગણેશ, અમન, ઝુબેર, નરેન્દ્રસિંહ ઉર્ફે ડોક્ટર (મૃતક), ધર્મેન્દ્રસિંહ ગોહિલ, જગદીપ કનૈયાલાલ, વિવેક સોલંકી, અર્જુનસિંહ, સંજય ચાવડા, જયદીપ મકવાણા, બાર્બવ કનૈયાલાલ, હેવલ સોલંકી, રોહિતભાઈ ચોહાણ, કેવલ સોલંકી, સુખદેવ સોલંકી અને હાર્દિક બારૈયા સામેલ છે.
વરતેજ પોલીસના 4 કર્મચારી સસ્પેન્ડ, SMC દ્વારા સર્ચ ઓપરેશન
જિલ્લા પોલીસ વડા દ્વારા વરતેજ પોલીસ મથકના 4 કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
- બીટ જમાદાર ધર્મપાલસિંહ બહાદુરસિંહ ગોહિલ
- ડી સ્ટાફના જયરાજસિંહ પ્રકાશસિંહ
- અનિરૂદ્ધસિંહ જયવંતસિંહ ગોહિલ
- ધર્મપાલસિંહ બહાદુરસિંહ ગોહિલ
ગાંધીનગરથી સ્ટેટ મોનિટર સેલના એસપી મયૂર ચાવડા સહિતની ટીમ ભાવનગર પહોંચી છે અને આઈજી જે. રાજુ અન્સારી સાથે મળીને સમગ્ર નેટવર્કને ઝડપી લેવા કવાયત તેજ કરી છે.
ગુજરાતમાં અગાઉ બનેલા મોટા લઠ્ઠાકાંડનો ઇતિહાસ
- 2009 (અમદાવાદ): ઓઢવ, બાપુનગર અને કાગડાપીઠ વિસ્તારમાં ઝેરી દારૂ પીવાથી 140થી વધુ લોકોનાં મોત થયાં હતાં અને 200થી વધુ લોકોએ આંખોની રોશની ગુમાવી હતી.
- સપ્ટેમ્બર 2016 (સુરત): વરેલીમાં ઝેરી દારૂ પીવાથી 16થી વધુ શ્રમિકોનાં મોત થયાં હતાં.
- 2022 (બોટાદ): બરવાળા અને રાણપુર તાલુકાના રોજિદ ગામે કેમિકલકાંડમાં 40થી વધુ લોકોનાં મોત નીપજ્યાં હતાં.
- જાન્યુઆરી 2024 (દહેગામ): લીહોડા ગામમાં ઝેરી દારૂથી 2 લોકોનાં મોત થયાં હતાં.
- ફેબ્રુઆરી 2025 (નડિયાદ): જવાહર નગર વિસ્તારમાં ઝેરી દારૂથી 3 લોકોએ જીવ ગુમાવ્યો હતો.
- ઓગસ્ટ 2026 (ભાવનગર): હાલની ઘટનામાં 6 યુવકોનાં મોત અને 21થી વધુ લોકો સારવાર હેઠળ.









