ભાવનગર લઠ્ઠાકાંડ: મૃત્યુઆંક 7ને પાર, નકલી વિદેશી દારૂ બનાવવાનું કેમિકલ દિલ્હીથી વાયા સરખેજ આવ્યું હોવાનો ખુલાસો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Bhavnagar Methanol Supply Chain: ભાવનગરમાં મિથેનોલ મિશ્રિત નકલી વિદેશી દારૂ પીવાથી થયેલા લઠ્ઠાકાંડની તપાસ માટે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા ભાવનગર, અમદાવાદ, મધ્યપ્રદેશ તેમજ અન્ય રાજ્યોમાં તપાસ શરૂ કરવામાં આવી છે. ઝડપાયેલા આરોપીઓની પૂછપરછ અને મળેલા પુરાવાના આધારે જાણવા મળ્યું છે કે નકલી દારૂ બનાવવા માટેનો સામાન દિલ્હીથી ટ્રાન્સપોર્ટ મારફતે સરખેજ મોકલવામાં આવ્યો હતો. ભાવનગરના બૂટલેગરો સરખેજ આવીને આ જથ્થો લઈ ગયા હતા અને ભાવનગરમાં નકલી દારૂ બનાવ્યો હતો. મધ્યપ્રદેશ બાદ હવે દિલ્હીનું કનેક્શન સામે આવતાં મોનિટરિંગ સેલની એક ટીમને દિલ્હી રવાના કરવામાં આવી છે.
13 જેટલા આરોપીઓની અટકાયત
ભાવનગરના ઘોઘા નજીક નકલી વિદેશી દારૂ પીવાના કારણે સર્જાયેલા લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક 7થી વધુ પહોંચ્યો છે અને હજુ પણ આ આંકડો વધવાની શક્યતા છે. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા અલગ-અલગ ટીમો બનાવીને સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. અત્યાર સુધીમાં 13 જેટલા આરોપીઓની અટકાયત કરવામાં આવી છે અને નકલી દારૂ બનાવવા માટે વપરાતું મિથેનોલ કેમિકલ, દારૂની ખાલી બોટલો, રોયલ સ્ટેગના સ્ટીકર્સ, ઢાંકણાં તેમજ અન્ય સામગ્રી અંગે તપાસ શરૂ કરાઈ છે.
દિલ્હીથી સરખેજથી ભાવનગર
તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે મિથેનોલ કેમિકલનો જથ્થો દિલ્હીથી સરખેજ સ્થિત ટ્રાન્સપોર્ટની ઓફિસે લાવવામાં આવ્યો હતો, જ્યાંથી બૂટલેગરોએ તે સ્વીકાર્યો હતો. મધ્યપ્રદેશથી આવેલા એક ઈસમે આ નકલી દારૂ બનાવવામાં મદદ કરી હતી. નકલી દારૂની ગુણવત્તા અંગે કોઈને શંકા ન જાય તે માટે તેમાં અસલી રોયલ સ્ટેગ દારૂ ભેળવવામાં આવ્યો હતો, જેનો જથ્થો મધ્યપ્રદેશથી મંગાવાયો હતો. પોલીસે મધ્યપ્રદેશથી ભાવનગર સુધીના દારૂના ટ્રાન્સપોર્ટ રૂટ અંગે પણ તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત પોલીસે સરખેજના ગોડાઉન તેમજ અન્ય રૂટના CCTV ફૂટેજ પણ જપ્ત કર્યા છે.
દિલ્હીથી પાર્સલ મોકલનાર વ્યક્તિ અંગેની પ્રાથમિક વિગતો મેળવીને મોનિટરિંગ સેલના અધિકારીઓએ એક ટીમને દિલ્હી મોકલી આપી છે. ભાવનગર લઠ્ઠાકાંડ મામલે રાજ્યના ગૃહ વિભાગે રોજેરોજના તપાસ અહેવાલ સાંજે રજૂ કરવા સૂચના આપી છે. સાથોસાથ દિવસમાં બે વાર રાજ્યના DGPને પણ તપાસ અંગે અપડેટ આપવા આદેશ કરાયા છે.









