ભાવનગર નકલી દારૂ કેસ: દિલ્હી-MP સુધી મિથેનોલનું નેટવર્ક ચાલતું! વધુ 13 ઝડપાતા આરોપીઓની સંખ્યા 27 થઈ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Bhavnagar Fake Liquor Case: ભાવનગર જિલ્લાના વરતેજ પોલીસ મથક વિસ્તારમાં ઓગસ્ટ 18ના રોજ નકલી દારૂકાંડની બનેલી ઘટના મામલે સ્ટેટ મોનિટરિંગ સેલ(SMC)એ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. સમગ્ર મામલે પોલીસની ટીમે ઝેરી મિથેનોલ કેમિકલનો સપ્લાય સોર્સ શોધવા માટે દિલ્હી, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ સુધી જાળ બિછાવી છે, ત્યારે SMCએ વધુ 13 આરોપીઓને ઝડપી પાડી કોર્ટમાં રજૂ કરતાં અદાલતે તમામના આગામી 2 સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ સાથે જ આ કેસમાં પકડાયેલા કુલ આરોપીઓનો આંકડો 27 પર પહોંચ્યો છે.
દિલ્હી, MP અને UPમાં 16 ટીમોના દરોડા
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાવનગર ખાતે મિથેનોલ કેમિકલ મિશ્રિત ઝેરી દારૂ વેચવાના મામલે શરૂઆતમાં BNS અને પ્રોહિબિશન એક્ટ હેઠળ 21 શખસો સામે ગુનો નોંધાયો હતો. કેસની ગંભીરતા જોઈને તપાસ SMCને સોંપાતાં જ 16 અલગ-અલગ ટીમો બનાવીને ગુજરાત ઉપરાંત દિલ્હી, એમ.પી., રાજસ્થાન અને યુ.પી.માં તપાસનો દોર લંબાવવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન SMCએ શંકાસ્પદ ઝેરી દારૂની બોટલો જપ્ત કરી પ્રથમ તબક્કામાં 14 આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
મધ્ય પ્રદેશના મુખ્ય કેમિકલ સપ્લાયર સહિત 13 ઝડપાયા
અગાઉ પકડાયેલા આરોપીઓની પૂછપરછ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે SMCએ 23 ઓગસ્ટના રોજ વધુ 13 આરોપીઓની અટકાયત કરી હતી. જેમાં મધ્ય પ્રદેશના રાજગઢ જિલ્લાના નરસિંહગઢ ખાતે રહેતા આનંદ રાકેશભાઈ ચાંડી નામના શખસની ધરપકડ કરવામાં આવી છે. આ આનંદ ચાંડી ઝેરી દારૂ બનાવવા માટે જરૂરી મિથેનોલ કેમિકલનો મુખ્ય સપ્લાયર હોવાની અને ઉજ્જૈનથી કેમિકલ લાવી સમગ્ર કાવતરામાં મુખ્ય ભૂમિકા ભજવી હોવાની પ્રબળ શંકા છે.
આ ઉપરાંત, ભાવનગર જિલ્લાના રહેવાસી એવા અન્ય 12 આરોપીઓમાં અરવિંદ ઉર્ફે પાંડે દિનેશભાઈ સોલંકી, સંજય નાનુભાઈ મકવાણા, નિતીન ઉર્ફે મુના દેવજીભાઈ મોરી, કિશોર ઉર્ફે પોચો છનાભાઈ સોલંકી, મયુર વિનોદભાઈ સોલંકી, સંજયભાઈ દેવજીભાઈ મોરી, મુકેશ ઉર્ફે કચોરી ગોવિંદભાઈ બારૈયા, સંજય ઉર્ફે ચક્રમ ધનજીભાઈ બારૈયા, નિર્મલસિંહ ગંભીરસિંહ વાઘેલા, પાર્થરાજસિંહ હરેન્દ્રસિંહ ગોહિલ, સંજય રાવતભાઈ ચાવડા અને ભગીરથસિંહ સહદેવસિંહ ગોહિલનો સમાવેશ થાય છે.
કેમિકલ ક્યાંથી આવ્યું? સપ્લાય ચેન પર પોલીસની નજર
SMCના જણાવ્યા મુજબ, આ તમામ આરોપીઓ ઝેરી કેમિકલ યુક્ત દારૂ મેળવવા, તેનો સંગ્રહ કરવા તેમજ માનવજિંદગી માટે જોખમી હોવાનું જાણવા છતાં તેનું નેટવર્ક ચલાવી વેચાણ કરવામાં સામેલ હતા. હાલમાં SMCની ટીમો મિથેનોલ કયા ટ્રાન્સપોર્ટ મારફતે ગુજરાતમાં ઘુસાડવામાં આવ્યું અને આ કાળા કારોબારમાં અન્ય કયા મોટા માથાંઓ સંકળાયેલા છે તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે.









