Bhavnagar

પાલીતાણામાં અગાસી પર બેસવા જેવી નજીવી બાબતે અથડામણ, યુવકની હત્યા

By GS Team
12 Aug 20262 mins read
TukuTouch Logo
ભાવનગરના પાલીતાણા શહેરના ભીલવાસમાં મોડી રાત્રે અગાસી પર બેસવા જેવી સામાન્ય બાબતે થયેલી તકરારે લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું છે. પાડોશી 5 શખ્સોએ ઘાતક હથિયારો વડે હુમલો કરતા અજયભાઈ વાઘેલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે તેમના ભાઈ કલાભાઈ ગંભીર રીતે ઘવાયા હતા. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પાલીતાણામાં અગાસી પર બેસવા જેવી નજીવી બાબતે અથડામણ, યુવકની હત્યા

મૃતકનો ભાઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત

ભીલવાસમાં મોડી રાત્રે છરી, કોયતા અને લોખંડના સળિયા વડે પાંચ શખ્સોનો પ્રાણઘાતક હુમલો, પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

ભાવનગર -  પાલીતાણા શહેરના ભીલવાસ વિસ્તારમાં મોડી રાત્રે અગાસી પર બેસવા જેવી સામાન્ય બાબતે થયેલી તકરારે લોહિયાળ સ્વરૃપ ધારણ કર્યું છે. પાડોશમાં રહેતા પાંચ શખ્સોએ ઘાતક હથિયારો સાથે ધસી આવી બે ભાઈઓ પર પ્રાણઘાતક હુમલો કરતા એક યુવકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું છે, જ્યારે મૃતકનો ભાઈ ગંભીર રીતે ઘવાતા સારવાર હેઠળ ખસેડાયો છે.

મળતી વિગતો અનુસાર મૂળ પાલીતાણાના ભીલવાસના વતની અને હાલ મોડાસા ખાતે રહી વાસણની ફેરી કરતા કલાભાઈ મગનભાઈ વાઘેલા તથા તેમના નાના ભાઈ અજયભાઈ વાઘેલા દશામાના વ્રત નિમિત્તે વતન પાલીતાણા આવ્યા હતા. તા.૧૨ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ મોડી રાત્રે આશરે ૧૨.૩૦ વાગ્યાના સુમારે અજયભાઈ પોતાના ઘરની અગાસી પર બેઠા હતા. અગાસી પર બેસવાની આ બાબત શેરીમાં રહેતા લખુ રામજીભાઈ અને તેમના પરિવારને પસંદ ન આવતા તેઓ અજયભાઈને ગાળો આપવા લાગ્યા હતા.ગાળાગાળીની ના પાડતા ઉશ્કેરાયેલા લખુભાઈ રામજીભાઈ તથા તેમના ચાર પુત્રો કાળુ, ડાયાભાઈ, રોહિત અને રાજેશ છરી, કોયતો, ખંપાળી, લાકડી અને લોખંડના સળિયા જેવા ઘાતક હથિયારો સાથે ઘરની અંદર ઘસી આવ્યા હતા. કલાભાઈ વચ્ચે પડતા કાળુ લખુભાઈએ છરી વડે હુમલો કરી તેમની છાતી તથા હોઠના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. ત્યારબાદ તમામ શખ્સે એકસંપ થઈ અજયભાઈ પર છરીના ઘા તથા અન્ય હથિયારો વડે હુમલો કરી તેમની હત્યા નિપજાવી હતી. આ બનાવ અંગે કલાભાઈ વાઘેલાની ફરિયાદના આધારે પાલીતાણા ટાઉન પોલીસે લખુ રામજીભાઈ તથા તેમના ચાર પુત્રો કાળુ, ડાયા, રોહિત અને રાજેશ સામે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને બી.એન.એસ. કલમ ૧૦૩(૧)(હત્યા), ૧૦૯(૧)(હત્યાનો પ્રયાસ) તથા હથિયારબંધી ભંગ હેઠળ ગુનો નોંધી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.