બોટાદના સાલૈયા ગામે મેડિકલ ડિગ્રી વગર દવાખાનુ ચલાવતો બોગસ ડોક્ટર ઝડપાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ગોરકડા ગામનો શખ્સ બીએ પાસ હતો
એસઓજીએ એલોપેથિક દવાઓ, ઇન્જેક્શનો, ગ્લુકોઝની બોટલો, સિરપ, સ્ટેથોસ્કોપ, બીપી મીટર મળી રૃા.૨૧ હજારનો મુદ્દામાલ કબજે લીધો
ભાવનગર - બોટાદ સ્પેશિયલ ઓપરેશન ગૃપની ટીમે સાલૈયા ગામમાં દરોડો પાડીને કોઈ પણ જાતની માન્ય મેડિકલ ડિગ્રી વગર ગેરકાયદે દવાખાનું ચલાવતા બોગસ ડોક્ટરને ઝડપી પાડયો છે. એસ.ઓ.જી. ટીમે રૃા.૨૧ હજાર થી વધુની કિંમતનો એલોપેથિક દવાનો જથ્થો અને તબીબી સાધનો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બોટાદ એસ.ઓ.જીને મળેલ ખાનગી બાતમીના આધારે પોલીસે બોટાદના તાલુકા હેલ્થ ઓફિસર અને અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસરને સાથે રાખી સાલૈયા ગામે રામજી મંદિર પાસે આવેલ કરમશીભાઈ જમોડના ભાડાના મકાનમાં દરોડો પાડયો હતો. તપાસ દરમિયાન ક્લિનિક ચલાવતો વિજયભારથી ગણપતભારથી ગોસ્વામી (ઉં.વ. ૩૩, રહે. ગોરડકા, તા. ગઢડા) ઝડપાઈ ગયો હતો. પૂછપરછ દરમિયાન માત્ર બી.એ. સુધી જ ભણેલો હોવાનું અને છેલ્લા ત્રણેક મહિનાથી ભાડે રૃમ રાખીને ગેરકાયદે દવાખાનું ચલાવતો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે મેડિકલ ઓફિસરની હાજરીમાં કરાયેલી તપાસમાં ક્લિનિકમાંથી જુદા જુદા દર્દો મટાડવાની એલોપેથિક દવાઓ, એન્ટિબાયોટિક્સ, ઇન્જેક્શનો, ગ્લુકોઝની બોટલો, સિરપ, સ્ટેથોસ્કોપ, બીપી મીટર તેમજ દર્દીઓને બોટલ ચડાવવાના બેડ મળી આવ્યા હતા. પોલીસે રૃા.૨૧,૩૮૧ની કિંમતની દવાઓ તથા તબીબી સાધનો અને રોકડા રૃા.૧૧૦ મળી કુલ રૃા.૨૧,૫૬૧નો મુદ્દામાલ જપ્ત કર્યાં છે. આ બનાવ સંદર્ભે બોટાદ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.









