નારી રોડ પર ૨૮ વર્ષીય યુવાન કાળમુખા ટ્રકના પાછળના ડબલ વ્હીલ નીચે આવી જતા મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

પોલીસે ટ્રક ચાલકને ઝડપી પાડયો
બેફિકરાઈથી ચલાવાતા ટ્રકે બાઇકચાલકને કચડયો, સ્થળ પર જ યુવકનું દર્દનાક મોત,ટ્રક ચાલક સામે નોંધાવી ફરિયાદ
ભાવનગર - ભાવનગર શહેરના હાદાનગર વિસ્તારમાં રહેતા ૨૮ વર્ષીય યુવાનનું નારી રોડ અવેડા પાસેના પુલ પર સર્જાયેલા દર્દનાક અકસ્માતમાં કરૃણ મોત નિપજ્યું છે. પૂરાઝડપે અને બેફિકરાઈથી આવી રહેલા એક કન્ટેનર ટ્રકના ચાલકે યુવાનની મોટરસાઇકલને જોરદાર ટક્કર મારતાં આ ગંભીર અકસ્માત સર્જાયો હતો.
ઘટનાની વિગત અનુસાર, ૨૧ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ રાત્રિના આશરે સાડા આઠથી પોણા નવેક વાગ્યાના સમયગાળા દરમિયાન હાદાનગર સર્વોદય સોસાયટીમાં રહેતા મનોજભાઈ પોતાનું મોટરસાઇકલ (નંબરથ જીજે ૦૪ એકે ૨૫૭૮) લઈને નારી રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન કન્ટેનર ટ્રક (નંબરઃ જીજે ૧૨ એઝેડ ૭૦૪૨) ના ચાલકે પોતાના હવાલાવાળો ટ્રક અત્યંત પૂરઝડપે અને બેફિકરાઈથી ચલાવી મનોજની બાઇક સાથે ભટકાડયો હતો.અકસ્માત એટલો ભયાનક હતો કે મનોજભાઈ ટ્રકના પાછળના ડબલ વ્હીલ નીચે આવી જતાં તેમનું માથું કચડાઈ ગયું હતું તથા શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.અકસ્માતની જાણ થતાં જ મૃતકના મોટા ભાઈ સંદીપ અને અન્ય સ્વજનો ઘટનાસ્થળે દોડી ગયા હતા અને મૃતદેહને સર.ટી. હોસ્પિટલ ખાતે ખસેડયો હતો. નિવૃત્ત જીવન ગાળતા મૃતકના ૬૭ વર્ષીય પિતા જેરામભાઈ અમરશીભાઈ ચૌહાણે સર.ટી. હોસ્પિટલ પોલીસ ચોકી ખાતે બોરતળાવ પોલીસ મથકના અધિકારીઓ સમક્ષ ટ્રક ચાલક સામે કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી અકસ્માત સર્જનાર ટ્રક ચાલકને ઝડપી પાડયો છે.




