બરવાળા રોડ પર બાઈક સ્લિપ થતાં ૨૩ વર્ષીય યુવકનું કરૃણ મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

શ્રીમંતના પ્રસંગની ખુશીઓ માતમમાં ફેરવાઈ
સુરતથી આવતી ધર્મની બહેનને લેવા નીકળેલા દર્શન તાવીયાનું બાઈક પાણી ભરેલા ખાડીયામાં ખાબક્યું
ભાવનગર - બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં કાપડીયાળીથી બરવાળા જવાના માર્ગ પર આજે સવારે એક અત્યંત હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. પત્નીના શ્રીમંતના પ્રસંગમાં સુરતથી આવતી ધર્મની બહેનને લેવા નીકળેલા ૨૩ વર્ષીય યુવાનનું મોટરસાયકલ કાબુ બહાર જઈ પાણી ભરેલા ખાળીયામાં ખાબકતાં તેનું ઘટનાસ્થળે જ કરૃણ મોત નીપજ્યું છે.
મળતી માહિતી મુજબ, મૂળ કાપડીયાળી ગામના અને હાલ બોટાદ રહેતા સુરેશભાઈ તાવીયાના પુત્ર દર્શનના પત્ની પ્રિયંકાબેનનો શ્રીમંતનો પ્રસંગ હતો. દર્શન જ્યારે સુરત રહેતો ત્યારે જેને બહેન માનેલી તે જ્યોત્સનાબેન સુરતથી સવારે કાપડીયાળી આવવાના હતા. તેમનો સંપર્ક ન થતાં દર્શન સવારે આશરે ચાર વાગ્યે પોતાનું બાઈક (જીજે-૩૩-એમ-૫૮૮૧) લઈને બરવાળા જવા નીકળ્યો હતો.દર્શન સવારે સાત વાગ્યા સુધી પરત ન ફરતાં પરિવારે શોધખોળ શરૃ કરી હતી. દરમ્યાન કાપડીયાળી-બરવાળા રોડ પર ઢાળીયાથી આગળ ભુંગળા બનાવવાની ફેક્ટરી પાસે રોડની સાઈડમાં પાણી ભરેલા ખાળીયામાં બાઈક સાથે દર્શન પડેલો મળી આવ્યો હતો. સ્થાનિક લોકોએ તેને બહાર કાઢયો હતો પરંતુ ૧૦૮ ના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.આ અંગે મૃતકના પિતા સુરેશભાઈ કરમશીભાઈ તાવીયાએ બરવાળા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. દર્શને પુરઝડપે અને ગફલતભરી રીતે વાહન ચલાવી કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. શ્રીમંતના શુભ પ્રસંગે જ યુવાન પુત્રનું મોત થતાં તાવીયા પરિવાર અને સમગ્ર ગામમાં ઘેરા શોકની કાલિમા છવાઈ ગઈ છે.




