ભાવનગર જિલ્લામાંથી રક્ષાબંધન પર્વે માત્ર ૧૨ દિવસમાં ૪૫૧૯૮ સ્પીડ પોસ્ટ થયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

સ્પીડ પોસ્ટની યોજના વહેલી શરૃ કરાઇ હોત તો ફાયદો વધત
પોસ્ટ વિભાગ દ્વારા રાખડી મોકલવા ૧૦ ટકાનું ડિસ્કાઉન્ટ આપતા ૧૨ હજાર જેટલી રાખડીઓ મોકલાઇ
ભાવનગર - પોસ્ટ વિભાગ દ્વારા રક્ષાબંધન પર્વને લઇ ખાસ કરીને રાખડી મોકલવા સ્પીડ પોસ્ટ ડોક્યુમેન્ટ કેટેગરીમાં ૧૦ ટકાનો ફાયદો કરી આપનારી યોજના અમલી બનાવી હતી. જે છેલ્લા ૧૨ દિવસમાં એક અંદાજ પ્રમાણે જિલ્લામાંથી ૧૨૦૦૦ લોકોએ લાભ લીધાનું જણાયું છે. જો કે, જાણકારોનું કહેવું છે કે આ યોજના વહેલી શરૃ કરી હોત તો આ આંક વધી શકેત. મળતી વિગતો મુજબ ભાવનગર જિલ્લામાં એક હેડ પોસ્ટ ઓફીસ, ૫૭ સબ પોસ્ટ ઓફીસ અને ૩૪૮ બ્રાંચ પોસ્ટ ઓફીસ કાર્યરત છે. જેમાં દર મહિને નિયમિત ૧ લાખથી વધુ સ્પીડ પોસ્ટ થાય છે. જ્યારે રક્ષાબંધનના પર્વે બહારગામ રહેતા ભાઇને રાખડી મોકલવા હાલ બજારમાં અનેક સર્વિસ મોજુદ છે ત્યારે પોસ્ટ વિભાગ દ્વારા આ પર્વને લઇ સ્પે. રાખડી મોકલવા સ્પીડ પોસ્ટમાં ૧૦ ટકાનું ડિસ્કાઉન્ટ જાહેર કર્યું હતું અને તા.૧૨ ઓગસ્ટથી તેનું બુકીંગ શરૃ કર્યું હતું જે તા.૨૮ ઓગસ્ટ સુધી ચાલ્યું હતું. આમ ૧૨ દિવસમાં રાખડી સહિતના સ્પીડ પોસ્ટ ડોક્યુમેન્ટ કેટેગરીમાં ૪૫,૧૯૮ આર્ટીકલ પોસ્ટ વિભાગને જિલ્લાભરમાંથી મળ્યા છે. જ્યારે ખાસ કરીને રાખડી મેકલનારા આર્ટીકલ ૧૨૦૦૦ જેટલા હોવાનો અંદાજ છે. જેથી લોકોએ સ્પીડ પોસ્ટનો લાભ લીધો પરંતુ જાણકારોનું કહેવું છે કે જો આ યોજના એક માસ અગાઉ શરૃ કરી હોત તો વિશ્વસનીયતા સાથે લોકો તેનો લાભ વધુ લઇ શક્યા હોત.




