Bhavnagar

કોપર વાયર ચોરીની શંકા રાખી આધેડ પર ૧૨ શખ્સો જીવલેણ હુમલા

By GS Team
8 Sep 20262 mins read
TukuTouch Logo
ભાવનગરના સીદસરમાં કોપર વાયર ચોરીની શંકાએ ૧૨ શખ્સોએ રમેશગીરી ગૌસ્વામી પર છરી અને ધોકા વડે જીવલેણ હુમલો કર્યો. હુમલાખોરોએ પેટ્રોલ પંપ ઓફિસમાંથી બહાર ખેંચી, કપાળે છરીના ઘા માર્યા અને બંને પગે લાકડાના ધોકા વડે માર માર્યો. ઈજાગ્રસ્ત રમેશગીરીને સર ટી. હોસ્પિટલ ખસેડાયા. વરતેજ પોલીસે ૧૨ હુમલાખોરો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કોપર વાયર ચોરીની શંકા રાખી આધેડ પર ૧૨ શખ્સો જીવલેણ હુમલા

ભાવનગરના સીદસરમાં તાંડવ,૧૨ શખ્સ વિરુદ્ધ ગુનો દાખલે 

સીદસરમાં ૨૫ વારિયા વિસ્તારમાં જૂની અદાવતમાં લોહિયાળ ખેલ, છરી, ધોકા વડે હુમલો કરી યુવકના પિતાના બંને પગ અને જડબું ભાંગી નાખ્યા

ભાવનગર -  ભાવનગર નજીક આવેલા સીદસર ગામે કોપર વાયરની ચોરીની શંકા રાખીને આધેડ પર ૧૨ જેટલા તત્વોએ છરી અને લાકડાના ધોકા વડે જીવલેણ હુમલો કરતા ભારે ચકચાર મચી ગઈ છે. આ લોહિયાળ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા આધેડને સારવાર અર્થે ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. વરતેજ પોલીસે આ મામલે ૧૨ હુમલાખોરો સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, સીદસરના ૨૫ વારિયા વિસ્તારમાં રહેતા અને ટ્રક ડ્રાઇવિંગ કરતા રમેશગીરી કાળુગીરી ગૌસ્વામી (ઉં.વ. ૪૬)ના ઘરે ગત તા. ૦૫ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ ગામના જ કેટલાક શખ્સો ધસી આવ્યા હતા. તેમણે રમેશગીરીના પુત્ર અજયગીરીએ કોપર વાયર ચોર્યો હોવાની શંકા વ્યક્ત કરી ઘરની તલાશી લીધી હતી. ઘરમાંથી કંઈ ન મળતા તેઓ ચાલ્યા ગયા હતા, પરંતુ બાદમાં રમેશગીરીના પુત્ર સાથે બોલાચાલી અને ઝઘડો થયો હતો.દરમિયાન, ગત તા. ૦૬ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ સાંજના છ વાગ્યા આસપાસ રમેશગીરી સીદસર ૨૫ વારિયાના ખૂણે ચાની હોટલે બેઠા હતા. ત્યારે આકાશ સંજયભાઈ મકવાણા,પંકજ ચંદુભાઈ મકવાણા,કિસ્મત ભગવાનભાઈ પટણી,રોહિત ગગજીભાઈ સોલંકી,વિકુ સુરેશભાઈ ખોખર,સાહિલ સંજયભાઈ મકવાણા,સન્ની સંજયભાઈ મકવાણા,સુનિલ ચંદુભાઈ મકવાણા,પ્રભાત વેલકાભાઈ ચુડાસમા,બળુ વેલકાભાઈ ચુડાસમા , સોમુ અશોકભાઈ મકવાણા , શંભુભાઈ દિનેશભાઈ મકવાણા સહિત ૧૨ શખ્સોનું ટોળું ગાળો આપતું ધસી આવ્યું હતું. રમેશગીરી જીવ બચાવવા સામે આવેલ પેટ્રોલ પંપની ઓફિસમાં ભાગ્યા હતા, પરંતુ હુમલાખોરોએ પાછળ દોડી તેમને બહાર ખેંચી કાઢયા હતા.હુમલા દરમિયાન આકાશ મકવાણાએ છરી વડે કપાળના ભાગે ઘા ઝીંકી દીધો હતો, જ્યારે સુનિલ મકવાણાએ લાકડાના ધોકા વડે બંને પગે આડેધડ ફટકા માર્યા હતા. અન્ય શખ્સોએ પણ ઢીકાપાટુનો માર માર્યો હતો. આ હુમલામાં રમેશગીરીને ઇજાગ્રસ્ત હાલતે ૧૦૮ મારફતે તેમને સર ટી. હોસ્પિટલ ખસેડાયા હતા. વરતેજ પોલીસે રમેશગીરીની ફરિયાદના આધારે તમામ ૧૨ શખ્સો સામે બી.એન.એસ. તથા જી.પી. એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.