Get The App

ભરૂચનાં 100 થી વધુ હિન્દુઓને બળજબરીપૂર્વક ઈસ્લામ ધર્મ અંગીકાર કરાવાયો

આમોદના કાંકરિયા ગામના આદિવાસી પરિવારોને આર્થિક લાલચ આપી ધર્માતરણ કરાવાયુ

Updated: Nov 15th, 2021


Google NewsGoogle News

ભરૂચ: આમોદના કાંકરિયા ગામના 37 આદિવાસી પરિવારોને લાલચ આપી ઈસ્લામ ધર્મ અંગીકાર કરવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. વિદેશથી આવતા ફંડનો ઉપયોગ કરી ગરીબ હિન્દુઓને આર્થિક લાલચ આપી ઈસ્લામ ધર્મમાં સમાવેશ કરાવવાનું સુવ્યવસ્થિત કૌભાંડ ચાલતુ હતું. આ ગેરકાયદેસર અને કોમી વૈમનસ્ય ફેલાવવાની પ્રવૃતિ કરનાર 9 શખ્સો સામે ભરૂચ પોલીસ ગુનો દાખલ કરતા ખળભળાટ ઉભો થયો છે.

જિલ્લા પોલીસ વડાએ જબરજસ્તી ધર્માતરણની પ્રવૃતિને ઉજાગર કરતાં પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે આ સમગ્ર પ્રકરણની માહિતી આપતાં જણાવ્યુ હતું કે, ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કાંકરીયા ગામમાં ઘણા સમયથી ધર્મના નામે ગેર કાયદેસર રીતે ધર્માંતરણ થઈ રહ્યુ હતું. મુસ્લિમ કટ્ટરવાદી લોકો વિદેશમાંથી ફંડીંગ ભેગુ કરી ધર્માંતરણની અસામાજીક પ્રવૃતિ ચલાવી રહ્યા હતાં. આદિવાસી હિન્દુ લોકોને રોકડ રૂપિયા તેમજ અન્ય સહાયની લાલચ આપી તેઓની આર્થિક સ્થિતિ તથા તેમની અજ્ઞાનતાનો લાભ લઈ, છળકપટ કરી, હિન્દુ અને મુસ્લિમ ધર્મના લોકો વચ્ચે વયમનસ્ય ફેલાવી ગુજરાત અને દેશની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવાના ઈરાદે આ પ્રવૃતિ ચાલી રહી હતી. આ ગુનાહિત કાવત્રામાં ભરૂચ જિલ્લાના કેટલાક મુસ્લિમ કટ્ટરવાદીઓએ વિદેશમાંથી આર્થિક સહાય મેળવી હિન્દુઓને મુસ્લિમ ધર્મ પરિવર્તન કરાવવા કામે લાગ્યા હતાં. આ શખ્સોએ કાંકરીયા ગામના આદિવાસી હિન્દુ લોકોના ૩૭ પરિવારોના ૧૦૦ થી વધારે લોકોને લોભ-લાલચ આપી મુસ્લિમ ધર્મમાં પરિવર્તન  કરાવ્યુ હતું.

 આ સમગ્ર પ્રકરણમાં મૂળ નબીપુરનાં અને હાલ લંડન રહેતા ફેફડાવાલા હાજી અબ્દુલનાઓની સંડોવણી સામે આવી છે. અગાઉ અગાઉ ઉત્તરપ્રદેશ તેમજ વડોદરામાં આવા જ પ્રકારના ગુનામાં તેની સંડોવણી બહાર આવી છે. વિદેશમાંથી ફંડ ઉભુ કરી ભારત દેશમાં ગેરકાયદેસર રીતે લાવી તે નાણાનો ગેરકાદેસર રીતે હિન્દુ લોકોને મુસ્લિમ ધર્મ પરીવર્તન કરાવવામાં ઉપયોગ કરાતો હતો. 

આ પ્રવૃતિ અંગે કાંકરીયા ગામના જાગૃત નાગરિકે પોલીસ સ્ટેશનમાં આવી પોતાની ફરીયાદ આપતા સમગ્ર કૌભાંડ સામે આવ્યુ છે. આ બાબતે પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ વડોદરાનાઓના માર્ગદર્શન હેઠળ અને ઉપરોકત ધર્મ પરિવર્તન કરાવવા માટેના સરકારના નિયમો જોતા તેનુ પાલન થયું ન હોવાથી હિન્દુ લોકોને મુસ્લિમ બનાવનાર તેમજ તેમા સહાય કરતા ઈસમો વિરૂધ્ધ આમોદ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી કાયદેસરની તપાસ શરૂ કરાઈ છે.

આરોપીઓના નામ

(૧) શબ્બીરભાઇ બેકરીવાલા રહે. આમોદ, જી. ભરૂચ 

(૨) સમજભાઇ બેકરીવાલા રહે. આમોદ, જી. ભરૂચ 

(૩) અબ્દુલ અઝીઝ પટેલ રહે. કાંકરીયા તા. આમોદ, જી. ભરૂચ

(૪) યુસુફ જીવણ પટેલ રહે. કાંકરીયા તા. આમોદ, જી. ભરૂચ

(૫) ઐયુબ બરકત પટેલ રહે. કાંકરીયા તા. આમોદ, જી. ભરૂચ

(૬) ઇબ્રાહીમ પુના પટેલ રહે. કાંકરીયા તા. આમોદ, જી. ભરૂચ

(૭) ફેફડાવાલા હાજી અબ્દ્દુલ્લા રહે. નબીપુર, હાલ લંડન

(૮) હશન ટીસલી રહે. આછોદ, તા. આમોદ, જી. ભરૂચ

(૯) ઇસ્માઇલ આછોદવાલા ઉર્ફે ડેલાવાલા (મૌલવી) રહે. આછોદ, તા. આમોદ, જી. ભરૂચ



Google NewsGoogle News