Baroda

માંજલપુર પોલીસ સ્ટેશનના મહિલા PSI મલ્લિકા પરમાર સીક લીવ પર ઉતરી ગયા: ASI રિમાન્ડ પર

By GS Team
29 Jun 20262 mins read
TukuTouch Logo
વડોદરાના માંજલપુર પોલીસ સ્ટેશનના મહિલા PSI દ્વારા મારામારીના કેસમાં આરોપીને હેરાન ન કરવા 25 હજારની લાંચ માંગવામાં આવી હતી. રકઝકના અંતે 10 હજાર આપવાનું નક્કી થતાં, ગઇકાલે ASI જયકિશન ગામેતીને 10 હજારની લાંચ લેતા ACBએ રંગેહાથ ઝડપ્યો હતો. આજે કોર્ટે ASIના 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે, જ્યારે મહિલા PSI સિક લીવ પર હોવાનું જાણવા મળ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

માંજલપુર પોલીસ સ્ટેશનના  મહિલા PSI મલ્લિકા પરમાર સીક લીવ પર ઉતરી ગયા:  ASI રિમાન્ડ પર

મારામારીના કેસમાં આરોપીને હેરાન ન કરવાના બદલામાં માંજલપુર પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઇએ રૂ. ૨૫ હજારની માંગણી કર્યા બાદ માજલપુર પોલીસ સ્ટેશનનો એએસઆઇ ગઇકાલે રૂા.૧૦ હજારની લાંચ લેતા ઝડપાઇ ગયો હતો. આજે એએસઆઇને કોર્ચ સમક્ષ રજૂ કરી તપાસ અધિકારીએ રિમાન્ડની માંગણી કરતા ન્યાયાધીશે આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જ્યારે મહિલા પીએસઆઇ સીક લીવ પર ઉતરી ગયા હોવાનું એસીબીના સૂત્રોએ જણાવ્યું હતું.

કેસની વિગત એવી છે કે, માંજલપુર પોલીસ સ્ટેશનમાં એક મારામારીનો ગુનો નોંધાયો હતો. આ કેસમાં આરોપીને હેરાન ન કરવા તેમજ તે પોલીસ સ્ટેશનમાં હાજર થાય ત્યારે જામીનની કાર્યવાહી ઝડપથી પૂરી કરવા માટે મહિલા પીએસઆઇએ રૂ. ૨૫,૦૦૦ની લાંચ માંગી હતી.

રકઝકના અંતે રૂ. ૧૦,૦૦૦ આપવાનું નક્કી થતાં પીએસઆઇએ આ રકમ માંજલપુર પોલીસ સ્ટેશનના વહીવટદાર કમ એએસઆઇ જયકિશન સામોજી ગામેતીને આપી દેવા જણાવ્યું હતું. આરોપી લાંચની રકમ આપવા માંગતો ન હોવાથી તેણે એસીબીમાં ફરિયાદ આપતા એસીબીએ છટકુ ગોઠવી ગઇકાલે એએસઆઇ જયકિશન ગામેતીને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડયો હતો.

આજે તપાસ અધિકારીએ આરોપી જયકિશન ગામેતીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરતા રજૂઆત કરી હતી કે, આરોપી  પાસેથી બીજી રૂ. ૪૮,૦૦૦ની રોકડ રકમ મળી આવી છે તેની તપાસ કરવાની છે. અગાઉ જે અરજી અને ફરિયાદોની તપાસ કરી છે તેમાં કોઇ લાંચ લેવામાં આવી છે કે કેમ ? તેની તપાસ કરાવની છે. બનાવમાં અન્ય કોઇની સંડોવણી છે કે કેમ ? તેની તપાસ કરવાની છે. ન્યાયાધીશે આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જ્યારે તપાસ અધિકારીએ જણાવ્યું હતું કે, મહિલા પીએસઆઇની પોલીસ સ્ટેશનમાં તપાસ કરતા તેઓ સીક લીવ પર ગયા હોવાનું જાણવા મળ્યું છે. તેની શોધખોળ કરવામાં આવી રહી છે.