Baroda

‘વડોદરાને ગંદુ થવા નહીં દઈએ’ : વડાપ્રધાન મોદીએ નાગરિકો પાસે સ્વચ્છતાનો સંકલ્પ કરાવ્યો

By GS Team
8 Sep 20264 mins read
TukuTouch Logo
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડોદરામાં ₹35 હજાર કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત અને રાષ્ટ્રને સમર્પણ કર્યું. તેમણે સ્વચ્છતા અભિયાન માટે વડોદરાવાસીઓની પ્રશંસા કરી, શહેરને સ્વચ્છ રાખવાનો સંકલ્પ કરાવ્યો. મોદીએ અગાઉની સરકાર પર ફ્રેઇટ કોરિડોરના કામમાં વિલંબનો આરોપ લગાવ્યો. તેમણે AIમાં ભારતને સુપર પાવર બનાવવા યુવાનોને હાકલ કરી અને સ્પર્ધાત્મક પરીક્ષા માટે મફત ઓનલાઈન કોચિંગની જાહેરાત કરી.

Summarized by AI; it may make mistakes. Check important info

‘વડોદરાને ગંદુ થવા નહીં દઈએ’ : વડાપ્રધાન મોદીએ નાગરિકો પાસે સ્વચ્છતાનો સંકલ્પ કરાવ્યો

PM Narendra Modi Visit Vadodara : વડોદરાના એમ.એસ. યુનિવર્સિટી મેદાન ખાતે યોજાયેલા ‘નમો ફોર વિકસિત ભારત’ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રૂ.35 હજાર કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ, તમુહૂર્ત અને રાષ્ટ્રને સમર્પણ કર્યું હતું. આ પ્રસંગે વડાપ્રધાને વડોદરાવાસીઓના સ્વચ્છતા અભિયાનની પ્રશંસા કરી હતી અને શહેરને સ્વચ્છ રાખવાનો સંકલ્પ કરાવ્યો હતો.
વડાપ્રધાને જણાવ્યું હતું કે, “વિકસિત ભારતની યાત્રાને ગતિ આપવા હું તમારી વચ્ચે આવ્યો છું. વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત માટે તમામને અભિનંદન.” તેમણે સ્વચ્છતાથી સ્વાગત અભિયાન માટે વડોદરાના દરેક નાગરિકની સરાહના કરી હતી.
મોદીએ કહ્યું કે ગુજરાતમાં ગણેશોત્સવ અને નવરાત્રી જેવા તહેવારો દરમિયાન સમગ્ર દેશનું ધ્યાન ગુજરાત પર હોય છે. છેલ્લા એક અઠવાડિયાથી વડોદરામાં સ્વચ્છતાનું વાતાવરણ જોવા મળ્યું છે. ગણેશજીના આગમન સાથે વડોદરાને તેમના આશીર્વાદ મળશે તેવી લાગણી પણ તેમણે વ્યક્ત કરી હતી.
‘ફાઇલને કોરિડોર ન મળ્યો’
વડાપ્રધાને ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરનો ઉલ્લેખ કરતાં અગાઉની સરકાર પર પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, “2004માં ફ્રેઇટ કોરિડોરનો વિચાર આવ્યો, 2006માં કંપની બનાવવામાં આવી, પરંતુ 2014 સુધી ફાઇલો અહીંથી ત્યાં ફરતી રહી. ફાઇલને કોરિડોર મળ્યો નહીં.”
તેમણે વધુમાં કહ્યું હતું કે, 2014માં ગુજરાતે તેમને દિલ્હી મોકલ્યા બાદ સરકાર બદલાઈ અને કામને ગતિ મળી. “આઠ વર્ષમાં એક કિલોમીટર પણ ફ્રેઇટ કોરિડોરનું કામ થઈ શક્યું નહોતું, જ્યારે આજે અમે 2,800 કિલોમીટરનું કામ પૂર્ણ કરી બતાવ્યું છે,” તેમ તેમણે જણાવ્યું હતું.
મોદીએ ફ્રેઇટ કોરિડોરને વિકસિત ભારતની જીવનરેખા ગણાવી કહ્યું હતું કે, તે વેપાર માટેનો મુખ્ય આધાર બનશે. અલગ માલવાહક માર્ગ બનવાથી મુસાફર ટ્રેનોને પણ સમયસર દોડાવવામાં મદદ મળશે અને પરિવહન ક્ષેત્રમાં મોટો ફેરફાર આવશે.
ખેડૂતોને પણ ફાયદો થશે
વડાપ્રધાને કહ્યું કે ફ્રેઇટ કોરિડોરથી સમય અને પરિવહન ખર્ચમાં બચત થશે. માલસામાન ઝડપી રીતે એક સ્થળેથી બીજા સ્થળે પહોંચશે. ખાસ કરીને ખેડૂતોને તેનો લાભ મળશે, કારણ કે ફળો અને શાકભાજી યોગ્ય સમયે ગંતવ્ય સ્થળે પહોંચાડી શકાશે.
મુંબઈથી વડોદરા વચ્ચે માલગાડીઓના સંચાલનનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે એક માલગાડીમાં આશરે 250 ટ્રક જેટલો માલ લઈ જવાની ક્ષમતા રહે છે. આથી ઝડપી અને મોટા પાયે માલ પરિવહન શક્ય બનશે.
આદિવાસી વિસ્તારો સુધી રેલવે પહોંચી
મોદીએ કહ્યું કે રેલવે હવે એવા વિસ્તારો સુધી પહોંચી રહી છે જ્યાં દાયકાઓથી રેલવે પહોંચી નહોતી. આદિવાસી વિસ્તારોને પણ રાષ્ટ્રીય રેલવે નેટવર્ક સાથે જોડવામાં આવી રહ્યા છે. અગાઉની સરકારોના સમયમાં એક-બે ટ્રેનની જાહેરાત થતી હતી, જ્યારે હવે એક પછી એક નવી ટ્રેનો શરૂ થઈ રહી છે, તેમ તેમણે જણાવ્યું હતું.
રેલ-રોડથી રોજગારીની તકો વધશે
વડાપ્રધાને રેલવે, બંદર, માર્ગ, મેટ્રો, વિમાનમથક અને ગેસ જોડાણ સહિતના માળખાકીય વિકાસનો ઉલ્લેખ કરતાં કહ્યું કે આ સુવિધાઓથી માત્ર લોકોનું જીવન સરળ બનતું નથી, પરંતુ રોજગારીની નવી તકો પણ ઊભી થાય છે. તેમણે વડોદરામાં વિમાન નિર્માણની કામગીરીનો ઉલ્લેખ કરતાં કહ્યું કે છેલ્લા એક દાયકામાં ભારત કોચ અને એન્જિનના નિર્માણમાં પણ નિર્માતા તરીકે આગળ આવ્યું છે. 50 હજાર રેલવે કોચનું નિર્માણ થયું હોવાનું તેમણે જણાવ્યું હતું. આ ઉપરાંત અઢી લાખ માલગાડીના વેગન જોડવામાં આવ્યા હોવાનું પણ કહ્યું હતું.
‘ચિપથી શિપ સુધી ભારત નિર્માણ કરશે’
મોદીએ આત્મનિર્ભર ભારતનો ઉલ્લેખ કરતાં કહ્યું કે હવે ભારત ‘ચિપથી શિપ સુધી’ નિર્માણની નવી ગાથા લખી રહ્યું છે. દેશને જરૂરી સામાન અને ઉત્પાદનો ભારતમાં જ બનાવવામાં આવે તે દિશામાં સરકાર કામ કરી રહી છે.
સૌર ઊર્જા અંગે તેમણે જણાવ્યું હતું કે અગાઉ સૌર પ્રોજેક્ટ મોંઘા હતા, પરંતુ ભારતમાં જ ઉત્પાદન શરૂ થવાથી ખર્ચ ઘટાડવામાં મદદ મળી છે. પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના હેઠળ 55 લાખ ઘરો પર સૌર ઊર્જા પ્લાન્ટ લગાવવામાં આવ્યા છે, જેમાં 11 લાખ ગુજરાતના ઘરોનો સમાવેશ થાય છે. આ પરિવારો વીજળીના ગ્રાહક સાથે વીજળી ઉત્પાદક પણ બન્યા હોવાનું તેમણે કહ્યું હતું.
‘એઆઈમાં ભારતે સુપર પાવર બનવું છે’
વડાપ્રધાને કૃત્રિમ બુદ્ધિમત્તા (એઆઈ)ના ક્ષેત્રમાં ભારતને આગળ લઈ જવાની વાત કરી હતી. તેમણે યુવાનોને એઆઈના ક્ષેત્રમાં આગળ વધવા અને નવી ટેકનોલોજી અપનાવવા આહવાન કર્યું હતું. સરકાર દરેક ક્ષેત્રમાં કામ કરી રહી હોવાનું જણાવી તેમણે કહ્યું કે ભારત એઆઈ ક્ષેત્રે સુપર પાવર બનવા માટે આગળ વધી રહ્યું છે.
મોદીએ કહ્યું કે આજના સમયમાં માત્ર ડિગ્રી પૂરતી નથી, પરંતુ કૌશલ્ય પણ જરૂરી છે. નવી શિક્ષણ નીતિ દ્વારા શિક્ષણ વ્યવસ્થાને નવા સ્વરૂપમાં પરિવર્તિત કરવામાં આવી છે.
યુવાનોને મફત ઓનલાઈન કોચિંગની જાહેરાત
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનોનો ઉલ્લેખ કરતાં મોદીએ કહ્યું કે લાખો યુવાનો પરીક્ષાની તૈયારી કરે છે અને કોચિંગ પાછળ મોટી રકમ ખર્ચાય છે. યુવાનોનો ખર્ચ બચાવવા માટે સરકાર મફત ઓનલાઈન કોચિંગની વ્યવસ્થા માટે અભિયાન હાથ ધરશે, તેવી જાહેરાત તેમણે કરી હતી.
‘વડોદરાને ગંદુ થવા નહીં દઈએ’
ભાષણના અંતે વડાપ્રધાને વડોદરાવાસીઓને ખાસ અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે વડોદરાને સ્વચ્છ બનાવવા માટે ઘણી મહેનત કરવામાં આવી છે. હવે નાગરિકોએ સંકલ્પ લેવો જોઈએ કે “વડોદરાને ગંદુ થવા નહીં દઈએ.”તેમણે નાગરિકોને વડોદરા સ્વચ્છ રાખવાનો સંકલ્પ લેવા અપીલ કરી હતી અને જણાવ્યું હતું કે તહેવારો અને પર્વો દરમિયાન સ્વચ્છ વડોદરામાં ઉજવણીને વધુ ચાર ચાંદ લાગશે.