દોઢ ઈંચ વરસાદમાં ત્રણ કલાક સુધી જળબંબાકારની સ્થિતિ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

શહેરમાં ગઇકાલે દોઢ ઇંચ વરસાદે ફરી એકવાર પ્રિ-મોન્સૂન કામગીરીના દાવાઓની પોલ ખોલી દીધી છે.
તાજેતરમાં મ્યુનિ. કમિશ્નરે રિવ્યૂ બેઠકમાં વરસાદ દરમિયાન તમામ અધિકારીઓ અને કર્મચારીઓને રેઇનકોટ પહેરીને ફિલ્ડમાં રહેવા તેમજ જ્યાં પાણી ભરાય ત્યાં તાત્કાલિક નિકાલ કરવાની સ્પષ્ટ સૂચના આપી હતી.
ગઇકાલે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હોવા છતાં કોઈ અધિકારી અથવા કર્મચારી પાણીનો નિકાલ કરવા પહોંચ્યા નહિ હોવાની ફરિયાદો ઊઠી છે. નવીધરતી મેઈન રોડ પર વરસાદી પાણી ભરાતા માર્ગ જળબંબાકાર થયો હતો.
સ્થાનિક રહીશે સોશ્યલ મીડિયાના માધ્યમથી જણાવ્યા મુજબ રાત્રે ૧૦.૩૦ વાગ્યા સુધી રોડ પર પાણી ભરાયેલા રહ્યા હતા. પાણીના નિકાલ માટે મ્યુનિ. કોર્પોરેશનની હેલ્પલાઇન નંબર પર ફરિયાદ પણ નોંધાવી હતી, પરંતુ ફરિયાદ બાદ પણ કોઈ અધિકારી કે કર્મચારી સ્થળ પર પહોંચ્યો ન હોવાનું જણાવ્યું છે.
વધુમાં આક્ષેપ કર્યો હતો કે એકપણ કોર્પોરેટર ગઇકાલે રાત્રે કે આજે આખા દિવસ દરમિયાન સ્થળ પર જોવા મળ્યા નહોતા અને કોઈ કામગીરી પણ કરવામાં આવી નથી. 'સામાન્ય દિવસોમાં જ વોર્ડમાં દેખાતા નથી એવા કેટલાક અધિકારીઓ વરસાદમાં કેવી રીતે આવશે ' એમ સ્થાનિક રહીશે બળાપો કાઢ્યો હતો.
વધુમાં ઉમેર્યું કે જો વરસાદ બંધ થયા પછી પણ ત્રણ-ત્રણ કલાક સુધી પાણી રસ્તા પરથી ઉતરતું ન હોય તો પ્રિ-મોન્સૂન કામગીરી કેટલી અસરકારક રહી હશે તે સમજી શકાય છે.




