વડોદરામાં ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા પાસે ફરી પાણીની લાઈન તૂટતા પાણીનો વેડફાટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Water Waste : વડોદરા શહેરમાં પાણીની લાઈનોમાં વારંવાર ભંગાણ પડવાની ઘટનાઓ અટકવાનું નામ લેતી નથી. એક તરફ શહેરના અનેક વિસ્તારોમાં લોકોને પૂરતું પાણી મળતું નથી, જ્યારે બીજી તરફ પાણીની લાઈનો તૂટવાના બનાવોને કારણે લાખો લિટર શુદ્ધ પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. આ સ્થિતિ વચ્ચે ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા ખાતે વધુ એક પાણીની લાઈનમાં ભંગાણ પડતા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
પાણીની લાઈન તૂટતા રસ્તા પર પાણી ફરી વળ્યું હતું. ઘટનાની જાણ થતાં કોર્પોરેશનની ટીમ સ્થળ પર પહોંચી હતી અને પાણીનો પુરવઠો બંધ કરી ભંગાણગ્રસ્ત લાઈનનું સમારકામ શરૂ કર્યું હતું. સમારકામ દરમિયાન વિસ્તારમાં વાહનવ્યવહારને પણ આંશિક અસર પહોંચી હતી.
શહેરમાં છેલ્લા કેટલાક સમયથી વિવિધ વિસ્તારોમાં પાણીની લાઈનોમાં વારંવાર ભંગાણ પડવાના બનાવો સામે આવી રહ્યા છે. મોટાભાગના કિસ્સાઓમાં વિવિધ વિભાગો વચ્ચે સંકલનના અભાવ, રોડ ખોદકામ દરમિયાન પૂરતી સાવચેતી ન રાખવી અથવા કામગીરીમાં બેદરકારીને કારણે લાઈનોને નુકસાન થતું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પરિણામે કોર્પોરેશનને વારંવાર સમારકામ પાછળ ખર્ચ કરવો પડે છે અને સમયનો પણ વ્યય થાય છે.
સ્થાનિકોએ જણાવ્યું હતું કે, શહેરમાં એક તરફ પાણીની અછતની ફરિયાદો વચ્ચે બીજી તરફ શુદ્ધ પાણીનો આ પ્રકારનો વેડફાટ ચિંતાજનક છે. વારંવાર એક જ પ્રકારની સમસ્યા સર્જાતી હોવાથી પાણી પુરવઠા વ્યવસ્થાના જાળવણી અને વિભાગો વચ્ચે વધુ અસરકારક સંકલનની જરૂરિયાત ઉભી થઈ છે.









