આજવા સરોવરની સપાટી 209.85 ફૂટે અટકતા આગામી ઉનાળામાં પાણીની ચિંતા વધી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Ajwa Lake : ઉનાળામાં પાણી માટે નર્મદા કેનાલ પર આધાર રાખવો પડ્યો હતો, હવે શિયાળાથી જ પૂર્વ વિસ્તારમાં પાણીનો કકળાટ સર્જાવાની ભીતિ વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં પાણી પુરવઠાનો મુખ્ય આધાર ગણાતા આજવા સરોવરમાં ચાલુ વર્ષે પૂરતા પ્રમાણમાં પાણીની આવક નહીં થતાં સરોવર હજુ સુધી છલકાયું નથી. સામાન્ય રીતે ચોમાસા દરમિયાન આજવા સરોવરની સપાટી બે થી ત્રણ વખત 214 ફૂટ સુધી પહોંચતી હોય છે, પરંતુ ચાલુ વર્ષે વરસાદની અછતના કારણે સપાટી 214 ફૂટ સુધી પહોંચી શકી નથી.
આજે સવારે 11:30 વાગ્યે આજવા સરોવરની સપાટી 209.85 ફૂટ નોંધાઈ હતી. ચોમાસું વિદાય લઈ રહ્યું છે ત્યારે આગામી ઉનાળાને લઈને પાણી પુરવઠા અંગે ચિંતા ઊભી થઈ છે. ચાલુ ઉનાળામાં કાળઝાળ ગરમીના કારણે આજવા સરોવરની સપાટી ઐતિહાસિક રીતે પ્રથમ વખત 207 ફૂટની નીચે પહોંચી ગઈ હોવાના કારણે પૂર્વ વિસ્તારમાં પાણીનો ગંભીર કકળાટ સર્જાયો હતો. પાણીની સપાટી ચિંતાજનક રીતે ઘટી જતાં વડોદરા મહાનગરપાલિકાને નર્મદા કેનાલમાંથી પાણી ખરીદવાની નોબત આવી હતી. સામાન્ય રીતે ઉનાળાની ઋતુમાં પાણીની સમસ્યા ઊભી થતી હતી, પરંતુ હવે સરોવરમાં પૂરતી આવક નહીં થતાં શિયાળાની શરૂઆતથી જ પાણીની અછતની સ્થિતિ સર્જાવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે.
આજવા સરોવરની વર્તમાન સપાટી અને ચોમાસા દરમિયાન થયેલી પાણીની ઓછી આવકને જોતા આગામી ઉનાળામાં પૂર્વ વિસ્તારના પાણી પુરવઠા સામે પડકાર ઊભો થઈ શકે છે. અગાઉની જેમ છેલ્લી ઘડીએ પાણીની વ્યવસ્થા કરવાને બદલે મહાનગરપાલિકાએ અત્યારથી જ આગોતરું આયોજન કરવું જરૂરી બન્યું છે. નર્મદા કેનાલમાંથી પાણીની ખરીદી, સરોવરમાં પાણીની આવક અને ઉનાળાના પાણી પુરવઠા અંગે તંત્રએ અત્યારથી જ આયોજન કરવું પડશે.




