પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણ પાસેથી જમીનનો કબજો લેવા રાહ જોવાય છે!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

તાંદળજામાં મ્યુનિ.કોર્પોરેશનની માલિકીની જમીન પર પૂર્વ ભારતીય ક્રિકેટર યુસુફ પઠાણ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ ફરિયાદ કરવા અથવા ૧૪ વર્ષ સુધી જમીનના ઉપયોગ બદલ ભાડું વસૂલવા વિશ્વામિત્રી બચાવો સમિતિ દ્વારા મ્યુનિ.કમિશ્નરને રજૂઆત કરાઈ છે.
રજૂઆતમાં જણાવાયું છે કે મ્યુનિ.કોર્પોરેશનમાં ૩૦ વર્ષથી ભાજપનું એકહથ્થુ શાસન છે. સામાન્ય નાગરિકના બે ફૂટના ઓટલાના દબાણ જેસીબી વડે તોડી પાડવામાં આવે છે, જ્યારે યુસુફ પઠાણે છેલ્લા ૧૪ વર્ષથી વડોદરા મ્યુનિ.કોર્પોરેશનના પ્લોટ પર ગેરકાયદે કબજો કર્યો હોવા છતાં દબાણ આજે પણ યથાવત્ છે.
વધુમાં ઉમેર્યું કે ભારતના સંવિધાનના આર્ટિકલ ૧૪થી ૧૮ મુજબ કાયદા તમામ માટે સરખા છે. યુસુફ પઠાણે જમીનનો કબજો નહીં છોડવા માટે નામદાર ગુજરાત હાઈકોર્ટના હુકમને પડકાર્યો હતો. આ દરમિયાન પણ નામદાર ચીફ જસ્ટિસે પણ યુસુફ પઠાણ વિરૃધ્ધ અવલોકનો કર્યા હતા. યુસુફ પઠાણે પીટીશન પરત લેતા હવે અગાઉનો હુકમ યથાવત્ રહે અને તે હુકમનું પાલન કરવાની જવાબદારી મ્યુનિ.કોર્પોરેશનની છે.
તાંદળજા ટીપી ૨૨ એફપી ૯૦ વાળો ૯૭૮ ચોરસમીટરની મ્યુનિ.કોર્પોરેશનની માલિકીના પ્લોટ પર યુસુફ પઠાણ દ્વારા દબાણ કરવા મામલે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ,૨૦૨૦ મુજબ ફરિયાદ દાખલ કરવી અથવા છેલ્લા ૧૪ વર્ષનું નિયમાનુસાર પ્રતિ ચોરસ મીટરના પ્રતિદિવસ રૃા.૧૫ લેખે ભાડું વસૂલવું, યુસુફ પઠાણને સ્વેચ્છાએ દબાણ દૂર કરવા ફરી એકવાર નોટિસ આપવી, દબાણશાખા દ્વારા દબાણ તોડી, તોડવાનો ખર્ચ વસૂલવો તેવી રજૂઆત કરાઈ છે.




