વુડા અને વડોદરા કોર્પોરેશનની ભૂલ : તરસાલી ટી.પી. સ્કીમ 52માં ખેડૂતોની 150 કરોડની જમીન ફના ફાતિયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara : વડોદરા શહેરના પૂર્વ વિસ્તારના વિકાસ માટે સુચિત નગર રચના યોજના તરસાલી નંબર બાવન બનાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી ત્યારે વડોદરા શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા જમીન સંપાદન કરી હાઈવે બાયપાસ 65 મીટરનો બનાવવામાં આવ્યો હોવા છતાં નકશા પર 75 મીટરનો હાઈવે રસ્તો બતાવ્યો જેને કારણે કોર્પોરેશન દ્વારા ટીપી સ્કીમ નંબર બાવનમાં બાયપાસની બંને બાજુ બાર બાર મીટરના બે રસ્તા મૂક્યા જેથી જમીનનો 10 મીટરનો પટ્ટો પડી જતા 75 જેટલા જમીન માલિકોની અંદાજે રૂ.150 કરોડની ચાર લાખ ચોરસ ફૂટ જમીન ફના ફાતિયા થઈ જતા આખરે ખેડૂતોએ વાંધા રજુ કરી 12 મીટરના રસ્તા પર અવર-જવર બંધ કરી દેવાની ચીમકી આપી હોવાનું જાણવા મળે છે.
વડોદરા શહેરના પૂર્વ વિસ્તારના વિકાસને ધ્યાનમાં રાખી તરસાલી બાયપાસની આજુબાજુના વિસ્તારના વિકાસને માટે નવી ટીપી સ્કીમ નંબર 52 બનાવવા તા.9/3/2026 ના રોજ પબ્લિક મીટીંગ બોલાવવામાં આવી હતી અને ટીપી સ્કીમ નંબર 52 તરસાલી અંગેનો નકશો અને જાણકારી આપવામાં આવી હતી. ત્યારબાદ કોર્પોરેશન દ્વારા જમીન માલિકો અને ખેડૂતો પાસેથી વાંધા સૂચનો મંગાવવામાં આવ્યા હતા. જેમાં 40 થી વધુ વાંધા સૂચનો ખેડૂતો દ્વારા રજુ કરવામાં આવ્યા હતા.
વડોદરા શહેરની ચારે બાજુ ફરતો 75 મીટરનો નવો હાઇવે તૈયાર થઈ રહ્યો છે તેને ધ્યાનમાં રાખી પૂર્વ વિસ્તારના વિકાસને પ્રાધાન્ય મળે તે માટે તાજેતરમાં ટીપી સ્કીમ નંબર 52 તરસાલી બનાવવાની શરૂઆત કરી હતી. કોર્પોરેશન દ્વારા વુડાના નકશાને પ્રાધાન્ય આપ્યુ.હાલમાં હયાત 65 મીટરનો દુમાડથી પોર સુધીનો જે બાયપાસ આવેલો છે. તે બાયપાસ વુડાના નકશા પર75 મીટરનો બાયપાસ હોવાનું જણાવ્યું છે જેને ધ્યાનમાં રાખી ટીપી સ્કીમ નંબર 52ના આયોજનમાં બાયપાસની બંને બાજુ 12-12 મીટરના બે રસ્તા મૂકવામાં આવ્યા જેને કારણે બાયપાસના પૂર્વ વિસ્તારમાં 10 મીટરનો જમીનનો ખુલ્લો પટ્ટો પડ્યો જેથી આ જમીન ખેડૂતો માટે બંજર પુરવાર થઈ ગઈ છે.
આ અંગે જાણવા મળતી માહિતી પ્રમાણે વડોદરા શહેરી વિકાસ સત્તા મંડળના નકશા પર બાયપાસ રોડ 75 મીટરનો બતાવવામાં આવ્યો છે જ્યારે ખરેખર સ્થળ પર 65મીટરનો બાયપાસ છે. આ છબરડાને કારણે કોર્પોરેશન દ્વારા તરસાલી ટીપી સ્કીમ નંબર 52 તૈયાર કરવામાં આવી અને બાયપાસની બંને બાજુ 12-12 મીટરના રસ્તા મૂકવામાં આવ્યા જેથી ચાર લાખ જમીન બિન ઉપયોગી થઈ ગઈ છે. તેમાં કોઈપણ પ્રકારનું બાંધકામ મેળવવા જાય તો તે જીડીસીઆરના નિયમ પ્રમાણે મળી શકે તેમ નથી એટલું જ નહીં ખેતી પણ થઈ શકે તેવી પરિસ્થિતિ રહી નથી જેથી આવા 75 જેટલા ખેડૂતો અને જમીન માલિકોની હાલત કફોડી થઈ ગઈ છે.
કોર્પોરેશન અને વુડાના છબરડાને કારણે અંદાજે રૂ.150 કરોડની ચાર લાખ ચોરસ ફૂટ જમીનના ફના ફાતિયા થઈ ગયા છે. આવા ગોટાળાને કારણે ખેડૂતોમા રોષ વ્યાપ્યો છે અને બંને બાજુ 12-12 મીટરના રસ્તા મુકવામાં આવ્યા છે. તેમાં અવરજવર કરવા પર પ્રતિબંધ મૂકી વિરોધ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે.
ખેડૂતોને થતું નુકસાન અટકાવવા તરસાલી ટી.પી.સ્કીમ નંબર 52 નવેસરથી બનાવવા ક્રેડાઈ અને ખેડૂતોની રજૂઆત
વડોદરા શહેરના તરસાલી વિસ્તારની ટીપી સ્કીમ નંબર 52 માં રૂડા અને કોર્પોરેશન દ્વારા થયેલા છબરડાને કારણે ખેડૂતોની 150 કરોડની ચાર લાખ ચોરસ ફૂટ જમીન બિન ઉપયોગી થઈ છે તેને ધ્યાનમાં રાખી ખેડૂતો અને ક્રેડાઈએ કોર્પોરેશન અને સરકારના ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી સંયુક્ત સચિવને રજૂઆત કરી છે અને તરસાલી ટી.પી. સ્કીમ બાવન રદ કરી નવેસરથી ટી.પી. સ્કીમ બનાવી ખેડૂતોને થતું નુકસાન અટકાવવા માંગણી કરવામાં છે.
રજૂઆતમાં જણાવ્યું છે કે,વડોદરા શહેરી વિકાસ સત્તા મંડળની દ્વિતીય પુનરાવર્તીત વિકાસ યોજના કે જે અમલમાં છે. તેમાં તરસાલી ખાતે 75 મીટરનો હાઈવે તથા તેને અડીને 12 મીટરનો સર્વિસ રોડ દર્શાવેલ છે. પરંતુ ખરેખર સ્થળે જે હયાત નેશનલ હાઈવે છે ત્યારબાદ 10 મીટર ખુલ્લી જગ્યા છે. અને ત્યારબાદ 12 મી.નો સર્વિસ રોડ છે. આમ હયાત નેશનલ હાઈવે અને વુડાના સુચિત 75 મી. રસ્તામાં 10 મી.નો ફરક છે. જે ખરેખર વુડાએ સંપાદન કરવાનો રહે છે. હાલમાં જે નગર રચના યોજના તરસાલી 52માં જે હદ દર્શાવેલ છે, તે 12 મીટરના સર્વિસ રોડને આવરી લઈને કરવાને બદલે વચ્ચે બચતી 10 મીટર જમીનના પટ્ટાને છોડી દઈને દર્શાવેલ છે. આને કારણે જે ખેડૂત પાસે નેશનલ હાઈવે અને 12મી.ના સર્વિસ રોડની વચ્ચે જે જગ્યા બચે છે. તેનો ટી.પી. સ્કીમમાં કે સંપાદનમાં આવરી લેવામાં આવી નથી. તેને કારણે આ 10 મીટરનો પટ્ટો ખેડૂત પાસે પડી રહે છે. અને તેનો ઉપયોગ થઈ શકે તેમ નથી. તો આ ટીપી સ્કીમમાં હ્રદ માટે ડી.આઈ.એલ.આરમાંથી હયાત નેશનલ હાઈવેની હદ મંગાવી તેની હદથી ટીપી સ્કીમ આયોજન કરવામાં આવે તે જરૂરી છે.
ખેડૂતોએ જણાવ્યું છે કે, અમારી જમીનો નગર રચના 52માં છે પરંતુ વુડા અને કોર્પોરેશનની ભુલને કારણે જમીન હયાત હાઈવે અને 12મીના સર્વિસ રોડ વચ્ચે છૂટી જાય છે. તો તે અંગે સુધારો કરી આખી જમીન આવરી લઈને નવેસરથી નગર રચના યોજના બનાવવી જોઈએ. આ અંગે જો તંત્ર દ્વારા અમારી વિનંતીને નજર અંદાજ કરવામાં આવશે તો નાછૂટકે બધા ખેડૂતોને આંદોલનનો માર્ગ અપનાવો પડશે અને અમારી વચ્ચેના ભાગમાં પડતી જમીનમાં ફેન્સીંગ કરી સર્વિસ રોડ ઉપરની અવર જવર બંધ કરવાની ફરજ પડશે.
તો…ટી.પી.સ્કીમ નં.52માં કોર્પોરેશનને જમીન સંપાદન કરવા કરોડો ચૂકવવા પડશે
વડોદરા કોર્પોરેશન દ્વારા તરસાલી ટીપી સ્કીમ નંબર 52 તૈયાર કરવામાં આવી રહી છે ત્યારે નેશનલ હાઈવે વિભાગ જમીન સંપાદન કરવાની નથી ત્યારે કોર્પોરેશન દ્વારા ટીપી સ્કીમમાં સુધારો નહીં થાય તો જમીન સંપાદન પાછળ કોર્પોરેશનને કરોડો રૂપિયાનો ખર્ચો થશે તેમ માનવામાં આવે છે. વુડા અને કોર્પોરેશનના છબરડાને કારણે 65 મીટરનો જમીન સંપાદન કરી તૈયાર થયેલા હાઇવે બાયપાસની તરસાલી વિસ્તારની આસપાસ ટીપી સ્કીમ નંબર 52 બનાવવામાં આવી રહી છે ત્યારે હાઈવે બાયપાસ 65 મીટર પ્રમાણેનો હોવાથી તે પ્રમાણે કાર્યવાહી કરવામાં નહીં આવે તો જમીન સંપાદનનો પ્રશ્ન આગામી દિવસમાં ઉપસ્થિત થશે અને ટી.પી સ્કીમમાં આ જમીનો સંપાદન નહીં થાય તો વિના મૂલ્યે મળતી જમીનના કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયા ચૂકવવા પડશે તેવી પરિસ્થિતિ સર્જાશે એટલું જ નહીં જો ખેડૂતો તેમની જમીનમાંથી 12 મીટરના રસ્તા પર લોકોને જવા નહીં દેતો આ સમગ્ર ટીપી સ્કીમ બિન ઉપયોગી થઈ જશે.









