Baroda

વડોદરા : વિઝા કૌભાંડનો આરોપી આગોતરા મળતા દુબઇ જતો રહ્યો હોવાની આશંકા

By GS Team
10 Jul 20262 mins read
TukuTouch Logo
વડોદરામાં કેનેડાના વિઝા અપાવવાના બહાને 17.97 લાખની છેતરપિંડી આચરનાર અતીત બારોટના આગોતરા જામીન રદ થયા છે. આરોપીએ અદાલતની મંજૂરી વિના દુબઈ જઈ શરતોનો ભંગ કર્યો હતો. કારેલીબાગ પોલીસે નોંધેલી ફરિયાદ બાદ, અદાલતે તપાસમાં સહકાર ન આપવા અને પાસપોર્ટ જમા ન કરાવવા બદલ આરોપીના જામીન રદ કરવાનો આદેશ કર્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા : વિઝા કૌભાંડનો આરોપી આગોતરા મળતા દુબઇ જતો રહ્યો હોવાની આશંકા

Vadodara News : કેનેડાના વિઝા અપાવવાનું જણાવી લાખોનું કૌભાંડ આચરવાના બનાવમાં સંડોવાયેલા આરોપીના અદાલતે આગોતરા જામીન મંજૂર કર્યા હતા. જો કે, આરોપીએ આગોતરા જામીન મળ્યા બાદ અદાલતની શરતનું ઉલ્લંઘન કર્યું હતું અને અદાલતની મંજૂરી વગર જ દુબઇ જતો રહ્યો હોવાની બાબત ધ્યાન પર આવતા અદાલતે આરોપીના જામીન કેન્સલ કર્યા હતા.

વિઝાના બહાને રૂ. 17.97 લાખની છેતરપિંડીની ફરિયાદ
કેસની વિગત એવી છે કે, કેનેડાના વિઝા અપાવવાના બહાને લાખો રૂપિયા પડાવનારા આરોપી અતીત બારોટ સામે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદીએ કેનેડાના વિઝા માટે આરોપીને રૂ. 17.97 લાખ આપ્યા હતા, પરંતુ વિઝા ન મળતા ફરિયાદીએ પૈસા પરત માંગતા આરોપીએ આ નાણાં પરત કર્યા ન હતા અને છેતરપિંડી કરી હતી.

અદાલતની શરતોનો ભંગ થતાં જામીન રદ કરવાની અરજી
આ ગુનામાં આરોપીએ અગાઉ આગોતરા જામીન અરજી મૂકી હતી અને રજૂઆત કરી હતી કે, ફરિયાદી સાથે સમાધાન થઈ ગયું છે એટલે અદાલતે આગોતરા જામીન મંજૂર કર્યા હતા અને તેમાં શરત રાખી હતી કે, આરોપીએ તપાસમાં સહકાર આપવો, દર મહિનાની પહેલી તારીખે પોલીસ મથકે હાજરી પુરાવવા અને કોર્ટોની મંજૂરી વિના ભારત દેશની હદ ન છોડવી. જોકે, આગોતરા જામીન મળતાં જ આરોપીએ કોર્ટની શરતોનો ભંગ કરતા મુખ્ય સરકારી વકીલ અનિલ દેસાઈએ આરોપીના આગોતરા જામીન રદ કરવા માટે કોર્ટમાં અરજી કરી હતી.

પાસપોર્ટ જમા ન કરાવ્યો અને મંજૂરી વગર દુબઈ ભાગી ગયો
તેમણે રજૂઆત કરી હતી કે, આરોપીએ તપાસમાં સહકાર આપ્યો નથી, પોતાનો પાસપોર્ટ જમા કરાવ્યો નથી કે પોલીસ સ્ટેશનમાં નિયમિત હાજરી પણ પુરાવી નથી. આરોપી અદાલતની મંજૂરી વગર દુબઈ જતો રહ્યો છે એટલે તેના આગોતરા જામીન કેન્સલ કરવા જોઈએ. ન્યાયાધીશે બંને પક્ષની દલીલ સાંભળ્યા બાદ આગોતરા જામીન કેન્સલ કર્યાં હતા. આ અંગે કારેલીબાગ પીઆઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, ફરિયાદ પક્ષનું કહેવું છે કે, અરજદાર દુબઈ ભાગી ગયો છે એટલે તેની તપાસ હાલ ચાલી રહી છે.