VMCની સામાન્ય સભામાં વિવિધ સમિતિઓની રચના થશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Corporation : વડોદરા કોર્પોરેશનની 20 જૂને શોકદર્શક ઠરાવ બાદ મુલતવી રાખવામાં આવેલી સામાન્ય સભા આવતીકાલે (4 જુલાઈ) યોજાશે. સભામાં આગામી અઢી વર્ષ માટે વિવિધ સમિતિઓના અધ્યક્ષ અને સભ્યોની વરણી ઉપરાંત ભરતી, શહેરી વિકાસ, ફાયર સર્વિસ, ઇલેક્ટ્રિક સિટી બસ અને મિલકત વેરા સહિતના 9 મુદ્દાઓ પર નિર્ણય લેવામાં આવશે.
પાલિકાના વર્તમાન બોર્ડની પ્રથમ સામાન્ય સભા 20 જૂનના રોજ મળી હતી. જોકે માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલના નિધનને પગલે શોકદર્શક ઠરાવ પસાર કરી સભા મુલતવી રાખવામાં આવી હતી. હવે તે સભા આવતીકાલે યોજાશે.
સભામાં મ્યુનિસિપલ કોર્પોરેશનની નવ ખાસ સમિતિઓની આગામી અઢી વર્ષ માટે રચના, તેમનું કાર્યક્ષેત્ર, અધિકાર અને સભ્ય સંખ્યા નક્કી કરવાની દરખાસ્ત રજૂ થશે. સાથે જ વિવિધ સમિતિઓના અધ્યક્ષ અને સભ્યોની વરણી પણ કરવામાં આવશે.
સભામાં વર્ગ-3ની ટેકનિકલ અને નોન-ટેકનિકલ જગ્યાઓની સીધી ભરતી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) મારફતે કરવા માટે મ્યુનિસિપલ કમિશનરને અધિકૃત કરવાની ભલામણ મંજૂરી માટે રજૂ કરવામાં આવશે. ઉપરાંત વર્ગ-1 અને વર્ગ-2ની સીધી ભરતી ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) મારફતે કરવા માટે પણ કમિશનરને સત્તા આપવાનો નિર્ણય લેવાશે.
વર્ગ-1માં ટ્રાન્સપોર્ટ મેનેજર (વાહન વ્યવહાર મેનેજર)ની એક નવી જગ્યા સાતમા પગારપંચ મુજબ પે-મેટ્રિક્સ લેવલ-11માં ઉભી કરવાની દરખાસ્ત પણ મંજૂરી માટે રજૂ કરવામાં આવશે.
તમામ ઝોનની ખાનગી સોસાયટીઓમાં ગ્રાઉન્ડ વોટર રિચાર્જને પ્રોત્સાહન આપવા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની જનભાગીદારી યોજના (70:20:10) હેઠળ અમલમાં મૂકાનારી રેન વોટર હાર્વેસ્ટિંગ પોલિસીને મંજૂરી આપવા અંગે પણ નિર્ણય લેવાશે.
અગ્નિશમન અને તાત્કાલિક સેવા વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને નેશનલ ફાયર સર્વિસ કોલેજ, નાગપુરમાં જુલાઈ-2026થી શરૂ થતા છ માસના કોર્સમાં સ્વખર્ચે મોકલવાની દરખાસ્ત પર પણ નિર્ણય થશે.
ઇ-હબ અને ઇલેક્ટ્રિક સિટી બસ પ્રોજેક્ટના સંચાલન અને જાળવણીને વધુ સુવ્યવસ્થિત બનાવવા માટે સ્પેશિયલ પર્પઝ વ્હીકલ (SPV) કંપનીની રચના, તેના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની નિમણૂક અને તેમાં જરૂરી ફેરફારો અંગે પણ સભાની મંજૂરી લેવામાં આવશે.
આ ઉપરાંત મહિલા, વરિષ્ઠ નાગરિક અને દિવ્યાંગ માટે સિટી બસમાં અનામત બેઠકો અંગે સત્તા આપવાની દરખાસ્ત તેમજ વર્ષ 2026-27 માટે મિલકત વેરાની એડવાન્સ ટેક્સ પ્રોત્સાહક રિબેટ (વળતર) યોજનાના અમલ અંગે પણ અંતિમ નિર્ણય લેવામાં આવશે.









