વણાંકબોરી વિયર ઓવરફ્લો: મહી નદી કાંઠાના વિસ્તારોના ગામો ઍલર્ટ: નદીના પટમાં નહીં જવા તાકીદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara: સતત વરસાદને પગલે મહી નદીમાં પાણીની આવક વધતાં નડિયાદ સ્થિત મહી સિંચાઈ વર્તુળના ફ્લડ સેલના કાર્યપાલક ઇજનેરે સાવચેતી સૂચના જાહેર કરી છે.
વણાંકબોરી વિયર ગઈકાલે બપોરે 2 વાગ્યે ઓવરફ્લો થયો હોવાનું જણાવાયું છે. હાલમાં વિયરમાંથી મહી નદીમાં આશરે 10,073 ક્યુસેક પાણીનો પ્રવાહ પસાર થઈ રહ્યો છે. આગામી દિવસોમાં વધુ વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને નદીના જળસ્તરમાં વધુ વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
મહી નદીના વધતા પ્રવાહને કારણે વડોદરા જિલ્લાના સાવલી, પોઇચા, ફાજલપુર, અનગઢ, ઉમેટા, શેરખી, ડબકા સહિત મહી નદી કાંઠાના ગામોમાં સાવચેતી રાખવા તંત્રએ અપીલ કરી છે. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોના લોકોને નદીના પટમાં અથવા કિનારે ન જવા અપીલ કરવામાં આવી છે.
મહી સિંચાઈ વિભાગે જિલ્લા કલેક્ટરો, મામલતદારો, પોલીસ, આપત્તિ વ્યવસ્થાપન તંત્ર અને સંબંધિત વિભાગોને પણ જરૂરી તકેદારી રાખવા સૂચના આપી છે. સ્થાનિક તંત્રને નદીકાંઠાના વિસ્તારો પર સતત નજર રાખવા તેમજ કોઈપણ ઇમરજન્સી સ્થિતિમાં તાત્કાલિક કાર્યવાહી કરવા જણાવાયું છે.
ભારે વરસાદ ચાલુ રહે તો નદીનો પ્રવાહ વધુ વધી શકે છે, તેથી તંત્રની સૂચનાઓનું પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.









