Baroda

વડોદરાના રસ્તાઓની પોલ ખુલી : 7 હજારથી વધુ ખાડાનો સર્વે, 6900 પૂર્યા છતાં અનેક રસ્તા ઉબડખાબડ!

By GS Team
8 Aug 20262 mins read
TukuTouch Logo
વડોદરામાં ચોમાસા દરમિયાન 7 હજારથી વધુ ખાડા પડતા ચંદ્રની ભૂમિ જેવી સ્થિતિ સર્જાઈ હતી. વડોદરા કોર્પોરેશન દ્વારા 6900 ખાડા પુરાયા, પરંતુ હજુ 500થી વધુ ખાડા બાકી છે. આ કામગીરી પાછળ 4 કરોડનો ખર્ચ થયો છે, છતાં રસ્તા ઉબડખાબડ છે. કામગીરીની ગુણવત્તા સામે સવાલો ઉઠી રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરાના રસ્તાઓની પોલ ખુલી :  7 હજારથી વધુ ખાડાનો સર્વે, 6900 પૂર્યા છતાં અનેક રસ્તા ઉબડખાબડ!

Vadodara Corporation : ચોમાસા દરમિયાન ભારે વરસાદને કારણે વડોદરા શહેરમાં સાત હજારથી વધુ ખાડાઓ પડી ગયા હતા અને ચંદ્રની ભૂમિ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી ત્યારે કોર્પોરેશન દ્વારા ખાડા પુરવા પાછળ અત્યાર સુધી રૂ.4 કરોડનો ખર્ચ થઈ ગયો છે છતાં હજી અનેક રસ્તા ઉબડખાબડ છે.
વડોદરામાં વરસાદે વિરામ લેતા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના રસ્તાઓ પર પડેલા ખાડા પૂરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. વરસાદ દરમિયાન શહેરના સંખ્યાબંધ રસ્તાઓનું ધોવાણ થતાં રસ્તાઓ ઉબડખાબડ બની ગયા છે. અનેક સ્થળોએ મોટા ખાડા પડી જતાં વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વાહનચાલકો વાહનોને નુકસાન થવાની સાથે અકસ્માતનો ભય વ્યક્ત કરી રહ્યા છે, જ્યારે કેટલાક લોકો ખાડાવાળા રસ્તા પરથી પસાર થતાં કમરનો દુખાવો થતો હોવાની ફરિયાદ કરી રહ્યા છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીના જણાવ્યા મુજબ શહેરમાં અત્યાર સુધીમાં 7 હજારથી વધુ ખાડાઓનો સર્વે કરવામાં આવ્યો છે. તેમાંથી આશરે 6900 ખાડા પૂરવાની એટલે કે પેચવર્કની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જોકે, હજુ પણ 500થી વધુ ખાડા પૂરવાના બાકી હોવાનું તંત્રનું કહેવું છે.
ખાડા પૂરવાની કામગીરી પાછળ અત્યાર સુધીમાં આશરે રૂ.4 કરોડનો ખર્ચ થઈ ચૂક્યો છે. એક તરફ કરોડો રૂપિયાના ખર્ચે રસ્તાઓના ખાડા પૂરવામાં આવી રહ્યા છે, તો બીજી તરફ વરસાદ બાદ ફરી રસ્તાઓનું ધોવાણ થતાં ખાડા પડવાની સમસ્યા યથાવત રહેતા કામગીરીની ગુણવત્તા સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.
રસ્તાઓ પર પડેલા ખાડા અંગે મ્યુનિસિપલ તંત્ર દ્વારા બચાવ કરવામાં આવી રહ્યો છે. તંત્રનું કહેવું છે કે શહેરમાં અનેક રસ્તાઓ 15 વર્ષ જૂના હોવાથી વરસાદને કારણે તેમાં ખાડા પડ્યા છે. આ ઉપરાંત જ્યાં તાજેતરમાં પાણી, ડ્રેનેજ અને વરસાદી ગટરના કામો કરવામાં આવ્યા છે તે સ્થળોએ પણ ખાડા પડ્યા હોવાનું અધિકારીઓ જણાવી રહ્યા છે.
જોકે, તંત્રના આ બચાવ સામે જાગૃત નાગરિકો સવાલ ઉઠાવી રહ્યા છે. કારણ કે શહેરના કેટલાક તાજેતરમાં બનાવવામાં આવેલા અથવા રિસરફેસ કરાયેલા રસ્તાઓ પર પણ ખાડા જોવા મળી રહ્યા છે. જો નવા રસ્તા થોડા જ વરસાદમાં ધોવાઈ જાય તો રસ્તા બનાવતી વખતે ઉપયોગમાં લેવાયેલી સામગ્રી, કામગીરીની ગુણવત્તા અને દેખરેખ સામે પ્રશ્નો ઊભા થાય છે.
પેચવર્કથી સમસ્યાનો કાયમી ઉકેલ આવશે?
દર વર્ષે ચોમાસા બાદ રસ્તાઓ પર ખાડા પડવા અને ત્યારબાદ પેચવર્ક કરવાની કામગીરી જાણે નિયમિત પ્રક્રિયા બની ગઈ છે. હાલ તંત્ર દ્વારા ખાડા પૂરવામાં આવી રહ્યા છે, પરંતુ માત્ર પેચવર્ક કરવાથી રસ્તાની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે કે નહીં તે અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે. વાહનચાલકોનો સવાલ છે કે જો દર વર્ષે ખાડા પૂરવા પાછળ કરોડો રૂપિયા ખર્ચવા પડે છે, તો રસ્તા બનાવવાની મૂળ કામગીરીની ગુણવત્તા સામે જવાબદારી કેમ નક્કી કરવામાં આવતી નથી? વરસાદમાં રસ્તા ધોવાઈ જાય અને ત્યારબાદ ફરી જાહેર નાણાંમાંથી પેચવર્ક કરવામાં આવે તેવી સ્થિતિ ક્યારે બદલાશે તે હવે જોવાનું રહ્યું.