એનાલોગ ડેરી ઉત્પાદનો પર પ્રતિબંધ બાદ વડોદરની ફૂડ શાખા એક્શનમાં : 4 ટીમોના આકસ્મિક દરોડા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Food Safety : ગુજરાત સરકારે વનસ્પતિ તેલમાંથી બનતા એનાલોગ પનીર, ચીઝ અને બટરના ઉત્પાદન, પરિવહન તથા વેચાણ પર પ્રતિબંધ જાહેર કર્યા બાદ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ખોરાક શાખા સક્રિય બની છે. કોર્પોરેશનની ચાર અલગ-અલગ ટીમોએ ગુરુવારે શહેરના વિવિધ વિસ્તારોમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરી એનાલોગ ઉત્પાદનોનું ઉત્પાદન અથવા વેચાણ થઈ રહ્યું છે કે નહીં તેની તપાસ શરૂ કરી છે.
રાજ્ય સરકારને રાજ્યભરમાં હલકી ગુણવત્તાવાળા કૃત્રિમ ડેરી ઉત્પાદનો મળી આવતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે હોટલ, રેસ્ટોરન્ટ અથવા અન્ય ખાદ્ય વ્યવસાયમાં પનીરની જગ્યાએ વેજિટેબલ ફેટમાંથી બનેલા એનાલોગ ઉત્પાદનોનો ઉપયોગ થતો હોય તો તેની સ્પષ્ટ જાણકારી આપવી ફરજિયાત રહેશે.
આ કાર્યવાહી અંતર્ગત આજવા રોડ પર સરદાર એસ્ટેટ ખાતે આવેલી ગાયત્રી ફૂડ્સમાં ખોરાક શાખાની ટીમે ચેકિંગ કર્યું હતું. વડોદરા શહેરમાં એનાલોગ પનીર ઉત્પાદન માટે લાયસન્સ ધરાવતું આ એકમાત્ર એકમ હોવાનું જાણવા મળે છે. જોકે તપાસ દરમિયાન અહીં એનાલોગ પનીરનું ઉત્પાદન બંધ હોવાનું સામે આવ્યું હતું.
એકમના સંચાલકે જણાવ્યું હતું કે હાલમાં અહીં માત્ર ટોફુ પનીરનું ઉત્પાદન કરવામાં આવે છે, જે સોયાબીનના દૂધમાંથી બનાવવામાં આવે છે અને તે સ્વાસ્થ્ય માટે લાભદાયક ગણાય છે.
ખોરાક શાખાની ટીમોએ ઉત્પાદકો ઉપરાંત વિવિધ ડેરી ઉત્પાદનોના વિક્રેતાઓ અને વેપારીઓ પાસે પણ ચેકિંગ શરૂ કર્યું છે. પ્રતિબંધિત એનાલોગ ઉત્પાદનોનું ઉત્પાદન કે વેચાણ કરનાર સામે રાજ્ય સરકારના નિયમો મુજબ કાર્યવાહી કરવામાં આવશે તેમ અધિકારીઓએ જણાવ્યું છે.









