વડોદરાની મહિલા રેસરની નેશનલ લેવલે સિદ્ધિ : ખભાની ઈજા છતાં કિંજલ રાજે મોટરસાઈકલ રેસિંગમાં ત્રીજું સ્થાન મેળવ્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara News : વડોદરાની 28 વર્ષીય કિંજલ રાજે નેશનલ લેવલની ટ્રેક મોટરસાઈકલ રેસિંગમાં પોડિયમ ફિનિશ મેળવીને ગુજરાતનું વીનામ રોશન કર્યું છે. ચેન્નાઈના મદ્રાસ ઈન્ટરનેશનલ સર્કિટ ખાતે 14 અને 15 ઓગસ્ટે યોજાયેલી ‘વુમન્સ વન મેક ચેમ્પિયનશિપ’ના રાઉન્ડ-1માં કિંજલે ત્રીજું સ્થાન મેળવી પોડિયમ ફિનિશ હાંસલ કર્યું હતું. આ સિદ્ધિ સાથે તે આ પ્રકારની નેશનલ લેવલ ટ્રેક રેસિંગમાં પોડિયમ મેળવનારી ગુજરાતની પ્રથમ મહિલા મોટરસાઈકલ રેસર બની હોવાનું જણાવાયું છે.
ખાસ વાત એ હતી કે સમગ્ર રેસિંગ વીકએન્ડ દરમિયાન તે ખભાની ઈજા અને અસહ્ય પીડાનો સામનો કરી રહી હતી. ઈજાના કારણે પ્રેક્ટિસ અને ક્વોલિફાઈંગ સેશનમાં પણ તેને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તેમ છતાં હિંમત ન હારી અંતિમ રેસમાં શાનદાર પ્રદર્શન કરી ત્રીજું સ્થાન મેળવ્યું હતું.
મદ્રાસ ઈન્ટરનેશનલ સર્કિટના ટેકનિકલ અને તીવ્ર વળાંકો પર બ્રેકિંગ પોઈન્ટ, કોર્નરિંગ ટેકનિક, રેસ લાઈન તથા બાઈકના વ્યવહારને અનુકૂળ થવું તેના માટે મહત્વપૂર્ણ પડકાર રહ્યો હતો.
કિંજલનું આગામી લક્ષ્ય આંતરરાષ્ટ્રીય સ્તરે રેસિંગ કરીને મોટરસ્પોર્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાનું છે. સાથે જ ગુજરાતમાં મહિલા રેસર્સની નવી પેઢીને પ્રોત્સાહન મળે અને સુરક્ષિત મોટરસ્પોર્ટ કલ્ચર વિકસે તે દિશામાં કામ કરવાની તેની ઈચ્છા છે.
કિંજલે સ્પીડના શોખીનોને જાહેર રસ્તાઓ પર જોખમી રીતે બાઈક ચલાવવાને બદલે રેસ ટ્રેક પર પોતાની ક્ષમતા અજમાવવાની અપીલ કરી છે.




