વડોદરા: પ્રિયલક્ષ્મી મિલનું ગરનાળું બંધ રહેતાં વાહનચાલકોને ભારે હાલાકી: વૈકલ્પિક રસ્તો બનાવવા માગ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara: શહેરમાં પ્રિયલક્ષ્મી મિલનું ગરનાળું છેલ્લા એક વર્ષથી બંધ રહેતાં ગોરવા, સુભાનપુરા, ઈલોરા પાર્ક સહિત આસપાસના વિસ્તારોના રહીશો અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોવાનું સામે આવ્યું છે. અલકાપુરી રેલવે સ્ટેશન તરફ જવા માટે વાહનચાલકોને આશરે બે કિલોમીટરનો વધારાનો ફેરો ખાવો પડે છે. આ સમસ્યાના ઉકેલ માટે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપીને પ્રિયલક્ષ્મી મિલમાંથી નવો રસ્તો બનાવવાની માગ કરવામાં આવી છે.
આવેદનપત્રમાં જણાવ્યા મુજબ, પ્રિયલક્ષ્મી મિલનું ગરનાળું બંધ હોવાથી દરરોજ હજારો વાહનચાલકોને અવરજવરમાં મુશ્કેલી પડે છે. ખાસ કરીને સાંજે છ વાગ્યાના અરસામાં ગેડા સર્કલથી શાસ્ત્રી પુલ સુધી વાહનોની લાંબી કતારો જોવા મળે છે. આશરે એક કિલોમીટર સુધી વાહનોની લાઈન લાગી જતાં વાહનચાલકોનો સમય બગડે છે અને ટ્રાફિકની સમસ્યા પણ વકરે છે.
રજૂઆતમાં વધુમાં જણાવાયું છે કે પ્રિયલક્ષ્મી મિલ છેલ્લા 30 વર્ષથી બંધ છે અને આ મિલ ગુજરાત સરકારના હસ્તક હોવાનું જણાવવામાં આવ્યું છે. જો મિલની જગ્યામાંથી રસ્તો આપવામાં આવે તો શાસ્ત્રી પુલ પર વાહનોનું ભારણ ઘટાડી શકાય તેમ છે. સાથે જ અલકાપુરી રેલવે સ્ટેશન સુધી સીધા પહોંચવાનો માર્ગ સરળ બની શકે છે.
હાલના રસ્તા પર ફરીને જવું પડતું હોવાથી વાહનોમાં વધારાનું ઈંધણ વપરાય છે. પ્રિયલક્ષ્મી મિલમાંથી વૈકલ્પિક રસ્તો બનાવવામાં આવે તો વાહનચાલકોના સમય અને ઈંધણની બચત થવાની સાથે ટ્રાફિકની સમસ્યામાં પણ રાહત મળી શકે છે.




