Baroda

વડોદરા: મહિલા PSI વતી લાંચ લેતા માંજલપુર પોલીસ સ્ટેશનના વહીવટદાર ASIની ધરપકડ

By GS Team
28 Jun 20262 mins read
TukuTouch Logo
વડોદરાના માંજલપુર પોલીસ સ્ટેશનમાં મારામારીના કેસમાં આરોપીને હેરાન ન કરવા અને જામીન પ્રક્રિયા ઝડપી કરવા મહિલા PSI મલ્લિકા પરમારે રૂ. 25,000ની લાંચ માંગી હતી. રકઝક બાદ રૂ. 10,000 નક્કી થયા હતા. આ રકમ લેતા વહીવટદાર ASI જયકિશન ગામેતીને ACBએ ઝડપી પાડ્યા છે. ફરાર PSIની શોધખોળ ચાલુ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા: મહિલા PSI વતી લાંચ લેતા માંજલપુર પોલીસ સ્ટેશનના વહીવટદાર ASIની ધરપકડ

વડોદરાના માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મારામારીના એક કેસમાં આરોપીને હેરાન ન કરવા તેમજ જામીનની પ્રક્રિયા ઝડપથી પતાવવા માટે મહિલા પીએસઆઇએ રૂ. 25,000 ની લાંચ માંગી હતી. જોકે, રકઝકના અંતે રૂ. 10,000 નક્કી થયા હતા. આ લાંચની રકમ સ્વીકારતા પોલીસ સ્ટેશનના વહીવટદાર એએસઆઇને ACBએ ઝડપી પાડયો છે, જ્યારે મહિલા પીએસઆઇની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

લાંચ રુશ્વત વિરોધી બ્યૂરોના જણાવ્યા મુજબ, માંજલપુર પોલીસ સ્ટેશનમાં ગત 1 જૂનના રોજ અસામાજિક પ્રવૃત્તિ અને મારામારી અંગેનો એક ગુનો નોધાયો હતો. આ ગુનાની તપાસ મહિલા પીએસઆઇ મલ્લિકા ખીમજીભાઇ પરમાર (રહે. કેવલકૃપા સોસાયટી, અંબે સ્કૂલ પાછળ, માંજલપુર) કરી રહ્યા હતાં. તપાસ દરમિયાન મારામારીના કેસમાં આરોપીને હેરાન ન કરવા તેમજ તે પોલીસ સ્ટેશનમાં હાજર થાય ત્યારે જામીનની કાર્યવાહી ઝડપથી પૂરી કરવા માટે પીએસઆઇ એમ.કે. પરમારે રૂ. 25,000ની લાંચ માંગી હતી.

આ રકમ વધારે હોવાથી રકઝકના અંતે રૂ. 10,000 આપવાનું નક્કી થયું હતું. પીએસઆઇએ આ રકમ માંજલપુર પોલીસ સ્ટેશનના વહીવટદાર કમ એએસઆઇ જયકિશન સામોજી ગામેતી (રહે. જમુના ટાવર, તરસાલી; મૂળ બાલેતા, તા. વિજયનગર, જિ. સાબરકાંઠા)ને આપી દેવા જણાવ્યું હતું અને લાંચની રકમ આપવા માટે માંજલપુર પોલીસ સ્ટેશન આવીને ફોન કરવા કહ્યું હતું.

આરોપી લાંચની રકમ આપવા માંગતો ન હોવાથી તેણે એસીબીમાં ફરિયાદ કરી હતી. જેના આધારે ACBએ લાંચનું છટકું ગોઠવ્યું હતું. તે મુજબ, ગઇકાલે શનિવારે બપોરે લાંચની રકમ આપવા માટે આરોપી પોલીસ સ્ટેશન ગયો હતો અને જયકિશનને મળ્યો હતો. જયકિશને તેને પોલીસ સ્ટેશનની સામે રોડ પર પાર્ક કરેલી પોતાની ગાડીમાં બેસાડયો હતો અને લાંચની રકમ ડેશ બોર્ડ પર મૂકી દેવા જણાવ્યું હતું. આરોપી રકમ મૂકીને બહાર નીકળ્યો અને ઇશારો કર્યો, કે તરત જ એસીબીના સ્ટાફે કારમાંથી જયકિશનને ઝડપી પાડી લાંચની રકમ કબજે કરી હતી.

આ કેસમાં મુખ્ય આરોપી મહિલા પીએસઆઇ હજુ ફરાર છે અને તેમને પકડવાના ચક્રો ગતિમાન કરાયા છે. એસીબીએ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ મહિલા પીએસઆઇ તેમજ એએસઆઇ સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.