વડોદરા: તરસાલી બાયપાસના પેટ્રોલ પંપના મેનેજર સામે રૂ.6.05 કરોડની છેતરપિંડીનો ગુનો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara: વડોદરાના તરસાલી બાયપાસ પાસે આવેલા પેટ્રોલ પંપના મેનેજરે ઓનલાઈન પેમેન્ટની રકમ વધુ દર્શાવી, રોજની આવતી રોકડમાંથી ઉચાપત કરી, અલગ-અલગ ટ્રાન્સપોર્ટ અને રોડવેઝના નામે બોગસ ઇન્વૉઇસ ઉભા કરી તેમજ ખોટા હિસાબો રજૂ કરી રૂ.6.05 કરોડની ઉચાપત કર્યાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. આ મામલે પેટ્રોલ પંપના માલિકે મેનેજર સામે ફરિયાદ નોંધાવતા કપુરાઈ પોલીસે વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મકરપુરા વિસ્તારમાં રહેતા 54 વર્ષીય આશિષ બનવારીવાવ સુદ તરસાલી બાયપાસ પાસે નેશનલ હાઇવે નંબર-8 પર બાલાજી પેટ્રોલિયમ નામનો પેટ્રોલ પંપ ધરાવે છે. તેમનો પેટ્રોલ પંપ ભારત પેટ્રોલિયમના હસ્તકનો છે. પેટ્રોલ પંપમાં છેલ્લા 27 વર્ષથી મેનેજર અને કેશિયર તરીકે ઉપેન્દ્ર જગદીશ પરમાર (રહે. પૂજા ટેનામેન્ટ, દરબાર ચોકડી, માંજલપુર) ફરજ બજાવતો હતો.
ફરિયાદ અનુસાર, ઉપેન્દ્ર પરમારે પોતાના આર્થિક ફાયદા માટે બોગસ હિસાબો દર્શાવી કરોડો રૂપિયાની ઉચાપત કરી વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી છે. વર્ષ 2021થી વર્ષ 2026 સુધીના હિસાબોની ચકાસણી કરવામાં આવતા કુલ રૂ.6.05 કરોડની ઉચાપત જણાઈ આવી હતી. ઉપેન્દ્રએ અલગ-અલગ ટ્રાન્સપોર્ટ અને રોડવેઝના નામે ખોટા ઇન્વૉઇસ ઉભા કરીને પણ ઉચાપત કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ બાબતે પોલીસ કમિશનરને અરજી કર્યા બાદ કપુરાઈ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
કપુરાઈ પોલીસે ઉપેન્દ્ર પરમાર સામે ગુનો નોંધી રૂ.6 કરોડથી વધુની કથિત ઉચાપત અંગે વધુ તપાસ હાથ ધરી છે.
27 વર્ષના વિશ્વાસનો લાભ લઈને હિસાબમાં કર્યો ખેલ..!
પેટ્રોલ પંપના માલિકે જણાવ્યું હતું કે, ઉપેન્દ્ર વર્ષોથી પંપમાં કામ કરતો હોવાથી તેના દ્વારા કરવામાં આવતા હિસાબની ચકાસણી કરવામાં આવતી નહોતી. ઉપેન્દ્ર નિયમિત રીતે વોટ્સએપ મારફતે હિસાબ મોકલતો હતો અને તેના પર વિશ્વાસ રાખવામાં આવતો હતો. જોકે, શંકા જતા હિસાબની ચકાસણી શરૂ કરવામાં આવી હતી. દરમિયાન ઉપેન્દ્ર રોજનો હિસાબ કર્યા બાદ પોતાના ખિસ્સામાં રૂ.500ના બંડલ નાખીને લઈ જતો હોવાના દૃશ્યો સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યા હતા. વધુમાં ચોપડામાં કરેલી નોંધ અને ઓનલાઈન પેમેન્ટની વિગતમાં પણ વિસંગતતા જણાઈ આવી હતી.
ડિજિટલ સહીનો પરવાનગી વિના ઉપયોગ કરી ખોટા હિસાબો રજૂ કર્યા હોવાનો આક્ષેપ
તપાસ દરમિયાન હિસાબના તમામ ચોપડા, બિલો અને કોમ્પ્યુટરની એન્ટ્રીઓમાં ખોટી વિગતો દર્શાવવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. ઓનલાઈન પેમેન્ટની એન્ટ્રી વધુ બતાવી રોજની આવતી રોકડમાંથી ઉચાપત કરવામાં આવી હતી. એટલું જ નહીં, બોગસ કંપનીઓના ઇન્વૉઇસ ઉભા કરી પેટ્રોલ પંપના માલિકની ડિજિટલ સહીનો પણ પરવાનગી વિના ઉપયોગ કરીને ખોટા હિસાબો રજૂ કરવામાં આવ્યા હોવાનો ફરિયાદમાં ગંભીર આક્ષેપ કરાયો છે.




