વડોદરા : ચકચારી પ્રેમિકાની ઘાતકી હત્યા કેસમાં પ્રેમીને આજીવન કેદની સજા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Court : વડોદરા શહેરમાં પ્રેમ સંબંધનો અંત લાવવા માંગતી યુવતીની ઘાતકી હત્યા કરવાના કેસમાં સાતમા એડિશનલ સેશન્સ જજ પ્રશાંત નરેન્દ્રકુમાર રાવલની કોર્ટે આરોપી સોમનાથ કૈલાસ પાટીલ (રહે. મહેશ કોમ્પ્લેક્સ, ન્યૂ સમા રોડ, વડોદરા, મૂળ રહે. મહારાષ્ટ્ર)ને આજીવન કેદની સજા ફટકારી છે. કોર્ટે આ કેસને 'રેરેસ્ટ ઓફ રેર' ગણવાનો ઇનકાર કરતાં ફાંસીની સજાની માંગણી નામંજૂર કરી હતી.
કેસની વિગતો મુજબ, આરોપી સોમનાથ પાટીલને ફરિયાદીની પત્ની સાથે પ્રેમ સંબંધ હતો. જોકે યુવતી આ સંબંધનો અંત લાવવા માંગતી હતી અને તેણે આરોપી સાથે વાતચીત બંધ કરી દીધી હતી. ત્યારબાદ આરોપીને વહેમ થયો હતો કે યુવતી અન્ય કોઈ યુવક સાથે પણ પ્રેમ સંબંધમાં છે અને તેણે પોતાની સાથે દગો કર્યો છે. આ વહેમને આધારે આરોપીએ યુવતીની હત્યા કરવાનો નિર્ણય લીધો હતો.
આરોપીએ 2 જુલાઈ, 2019ના રોજ નવાયાર્ડ રોડ પર આવેલા ડી-માર્ટ મોલમાંથી ચાકુ ખરીદ્યું હતું. બીજા દિવસે યુવતી પોતાના ઘરે એકલી હતી ત્યારે આરોપીએ તેના પર ઉપરાછાપરી અસંખ્ય ઘા ઝીંકી તેની નિર્દયી હત્યા કરી હતી. આ બનાવ અંગે સમા પોલીસ મથકે હત્યાનો ગુનો નોંધાયો હતો અને તપાસ દરમિયાન આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
ફાંસીની સજાની માંગણી, કોર્ટે નામંજૂર કરી
ફરિયાદ પક્ષે દલીલ કરી હતી કે આરોપીએ પોતાની પ્રેમિકાની કોલ્ડ બ્લડેડ મર્ડર કરી છે. તેથી હાલનો કેસ 'રેરેસ્ટ ઓફ રેર' ગણી આરોપીને ફાંસીની સજા ફટકારવામાં આવે. જોકે કોર્ટે નોંધ્યું હતું કે આ બનાવ 'રેરેસ્ટ ઓફ રેર'ની શ્રેણીમાં આવતો નથી. કોર્ટે અવલોકન કર્યું હતું કે એગ્રેવેટિંગ સંજોગોનું પલડું મિટીગેટિંગ સંજોગો કરતાં એટલું ભારે નથી કે ફાંસીની સજા યોગ્ય ઠરે. પરિણામે આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી.
પ્રેમપત્રો અને વૈજ્ઞાનિક પુરાવાથી પ્રેમ સંબંધ સાબિત થયો
ફરિયાદ પક્ષ તરફેથી એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર (એ.પી.પી.) આર.એમ.ગ્યાનચંદાનીએ દલીલ કરી હતી કે સમગ્ર કેસ સંજોગીક પુરાવા આધારિત હતો અને બનાવને નજરે જોનાર કોઈ પ્રત્યક્ષ સાક્ષી નહોતો. છતાં તપાસ દરમિયાન મળેલા તમામ પુરાવાઓ એકબીજા સાથે જોડાઈ મજબૂત સાંકળ રચતા હોવાનું રજૂ કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન યુવતીએ આરોપીને લખેલા પ્રેમપત્રો કબજે કરવામાં આવ્યા હતા. વૈજ્ઞાનિક તપાસમાં તે પ્રેમપત્રો યુવતીએ જ લખ્યા હોવાનું પુરવાર થયું હતું, જેના આધારે મૃતક અને આરોપી વચ્ચે પ્રેમ સંબંધ હોવાનું સાબિત થયું હતું.
ડી-માર્ટના CCTV, બિલ અને FSL રિપોર્ટ બન્યા મહત્વના પુરાવા
તપાસમાં સામે આવ્યું હતું કે આરોપીએ હત્યા માટે વપરાયેલ ચાકુ ડી-માર્ટમાંથી ખરીદ્યું હતું. તે સમયના સીસીટીવી ફૂટેજમાં દેખાતી વ્યક્તિ આરોપી સાથે સામ્યતા ધરાવતી હોવાનું એફએસએલ રિપોર્ટમાં નોંધાયું હતું. ઉપરાંત ચાકુ ખરીદવાનું ડી-માર્ટનું બિલ પણ તપાસમાં રજૂ કરવામાં આવ્યું હતું. સીસીટીવી ફૂટેજથી આરોપીની ડી-માર્ટમાં હાજરી પણ પ્રસ્થાપિત થઈ હતી. હત્યા બાદ આરોપીએ લોહી લાગેલા પોતાના કપડાં અને બૂટ અવાવરું સ્થળે ફેંકી દીધા હતા. પોલીસ દ્વારા આરોપીની કબૂલાતના આધારે તે કપડાં, ચાકુ સહિતની વસ્તુઓ કબજે કરવામાં આવી હતી. એફએસએલ તપાસમાં ચાકુ તથા કપડાં પર મૃતકના બ્લડ ગ્રુપના લોહીના ડાઘ મળી આવ્યા હતા.
સંજોગીક પુરાવાની સાંકળ પૂરતી મજબૂત : કોર્ટ
ચુકાદામાં કોર્ટે નોંધ્યું હતું કે આરોપીની કબૂલાતના આધારે પોલીસે મૃતકના બ્લડ ગ્રુપના લોહી લાગેલા કપડાં, ચાકુ સહિતની વસ્તુઓ અવાવરું જગ્યાએથી કબજે કરી હતી. સંજોગીક પુરાવાના કેસોમાં દરેક લિંક સ્વતંત્ર રીતે મજબૂત હોવી જરૂરી નથી, પરંતુ દરેક કડી એવી હોવી જોઈએ કે જે એકબીજાને જોડીને સમગ્ર ઘટનાક્રમ સ્પષ્ટ કરે. કોર્ટે વધુમાં નોંધ્યું હતું કે જ્યારે આરોપીની સંડોવણી દર્શાવતા એકથી વધુ સંજોગીક પુરાવા ઉપલબ્ધ હોય ત્યારે માત્ર આરોપીના લાભમાં વધુ પડતું અર્થઘટન કરવું સમાજની સુરક્ષા માટે ઘાતક બની શકે છે અને તે આરોપીને ભવિષ્યમાં વધુ ગુના કરવા માટે પ્રોત્સાહન સમાન બની શકે છે.









