અમેરિકાની ફાર્મા કંપની ટેકઓવર કરવાના નામે વડોદરાના ઉદ્યોગપતિ સાથે 16 કરોડની ઠગાઈ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara: અમેરિકાની ફાર્મા કંપનીને ટેક ઓવર કરવાની લાલચ આપી વડોદરા જિલ્લાના પાદરા તાલુકાની ઈલીજીયમ ફાર્માસ્યુટિકલ કંપનીના માલિક સાથે ત્રણ એનઆરઆઈ સહિત ચાર ભેજા બાજુએ રૂપિયા 16 કરોડની છેતરપિંડી કરી હતી.
વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલી મોનાલી પાર્ક સોસાયટીમાં રહેતા યશવંતભાઈ ચુનીભાઈ પટેલે પાદરા પોલીસ મથકમાં ડો. હેમંત કનુભાઈ પટેલ, કિશન હેમંતભાઈ પટેલ (બંને રહે.BPH ફાર્મા, LLC માધવબાગ, ઉત્તરસંડા,જિલ્લો નડિયાદ, હાલ વર્કસહામ રોડ, યુક્રેન, ન્યૂયોર્ક), નિલેશ એમ. પટેલ (રહે. અલીન્દ્રા, તા.વસો, હાલ કોટર્સ લેન સ્યુટ, એ ઈસ્ટ બુન્સ વિક usa)અને હર્ષ દીપકભાઈ ડોલીયા (રહે.ફેલીશિયા, પ્રગતિનગર, નારણપુરા અમદાવાદ) સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે પાદરા તાલુકાના ડભાસા ગામે આવેલી ઇલીઝીયમ ફાર્માસ્યુટિકલ લિમિટેડ કંપનીમાં હું સીએમડી છું. મારો નિલેશ પટેલ સાથે વર્ષોથી દવાઓના વેચાણનો વ્યવસાયિક સંબંધ હતો. દરમિયાન નિલેશ પટેલે પોતાની માલિકીની અમેરિકાની ઇન્વાટેક કંપની વેચવાની વાત કરી હતી. ત્યારબાદ તા.15 ફેબ્રુઆરી 2024ના રોજ ડો. હેમંત પટેલ, કિશન પટેલ અને તેમના CA હર્ષ ડોલીયા ઇલીઝીયમ કંપની ખાતે આવ્યા હતા. આ સમયે ઇન્વાટેક કંપનીની કિંમત 10.5 મિલિયન અમેરિકન ડોલર હોવાનું અને તેના 51 ટકા શેર ઇલીઝીયમ કંપનીના નામે ટ્રાન્સફર કરવાની વાત કરવામાં આવી હતી.
ફરિયાદમાં વધુ જણાવ્યા મુજબ, ઇન્વાટેક કંપનીના સંચાલન માટે વર્કિંગ કેપિટલની જરૂરિયાત ઊભી થતાં ડો. હેમંત પટેલે 20 લાખ અમેરિકન ડોલરની લોન આપવાની ખાતરી આપી હતી. તેના બદલામાં સિક્યુરિટી પેટે ઇલીઝીયમ કંપનીના શેર માગવામાં આવ્યા હતા. જેથી તા.1 અને 20 ઓગસ્ટ 2024ના રોજ કુલ 3.20 લાખ શેર, પ્રતિ શેર આશરે રૂ.500 મુજબ કુલ રૂ.16 કરોડની કિંમતના શેર, ડો. હેમંત પટેલના ડીમેટ ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા.
જોકે, ત્યારબાદ ન તો 51 ટકા શેર ઇલીઝીયમના નામે ટ્રાન્સફર કરાયા, ન 20 લાખ અમેરિકન ડોલરની લોન આપવામાં આવી કે ન ઇન્વાટેક કંપનીનું ટેકઓવર કરાવી આપવામાં આવ્યું. શેર અને નાણાં પરત આપવા વારંવાર માંગણી છતાં પરત ન મળતાં અંતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.




