Baroda

એનઆરઆઈ દંપતીનો સંપર્ક તૂટતા વડોદરાનું પરિવાર ચિંતિત

By GS Team
27 Aug 20264 mins read
TukuTouch Logo
નેપાળ-તિબેટ સરહદે તિમુરે વિસ્તારમાં ભયાવહ પૂર-ભૂસ્ખલનથી કૈલાસ માનસરોવર યાત્રાએ ગયેલા અનેક યાત્રીઓના જીવ જોખમમાં મુકાયા છે. વડોદરાના 12 સહિત 34 યાત્રીઓનું એક ગ્રુપ 18 દિવસની યાત્રા પૂર્ણ કરી સુરક્ષિત પરત ફર્યું છે. જોકે, વડોદરાના કિન્નરી પટેલ અને અમદાવાદના મિહિર પટેલનો સંપર્ક ન થતાં પરિવાર ચિંતિત છે.

Summarized by AI; it may make mistakes. Check important info

એનઆરઆઈ દંપતીનો સંપર્ક તૂટતા વડોદરાનું પરિવાર ચિંતિત

નેપાળ-તિબેટ સરહદના તિમુરે વિસ્તારમાં આવેલા વિનાશક પૂર અને ભૂસ્ખલનની ઘટનાએ કૈલાસ માનસરોવર યાત્રાએ ગયેલા ગુજરાતીઓ સહિત અનેક લોકોના જીવ જોખમમાં મૂક્યા છે. દરમિયાન ૯ ઓગસ્ટે કૈલાસ માનસરોવર યાત્રાએ ગયેલું ગુજરાત સહિતના રાજ્યોમાંથી ૩૪ લોકોનું ગુ્રપ ૧૮ દિવસની યાત્રા પૂર્ણ કરી સુખરૃપ પરત ફર્યું છે. આ ગુ્રપમાં વડોદરાના ૧૨ પ્રવાસીઓ પણ સામેલ હતા.

પરત ફરેલા વડોદરાના આરવીદેસાઈ રોડ ખાતે રહેતા ત્રણ પરિવારના ચાર સભ્યો તબાહીભર્યા દ્રશ્યો યાદ કરી ભાવુક બન્યા છે. તેઓને ઘટનાની જાણ થતા હાલ ભારે ભારે આઘાત અનુભવી રહ્યાં છે. આ ઉપરાંત, કૈલાશ માનસરોવર યાત્રાએ ગયેલા વડોદરાના કિન્નરી પટેલ અને તેમના પતિ મિહિર પટેલનો સંપર્ક ન થતાં પરિવારજનોમાં ચિંતા વ્યાપી છે.

કિન્નરી પટેલ પતિ મિહિર સાથે છેલ્લા ૨૫ વર્ષથી ન્યૂઝિલેન્ડમાં સ્થાયી હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે તેમના પતિ મિહિર પટેલ અમદાવાદના મણિનગર વિસ્તારના છે. દંપતી મુંબઈની હિલ્સ એન્ડ થ્રિલ્સ ટ્રાવેલ્સ મારફતે કૈલાશ માનસરોવર યાત્રા માટે નેપાળ પહોંચ્યું હતું. બંને કાઠમંડુની હોટલ શંકરમાં ત્રણ દિવસથી રોકાયા હતા.

દંપતી સાથે પરિવારની છેલ્લી વાતચીત આશરે એક અઠવાડિયા પહેલા થઈ હતી. તેઓ તા.૨૬મીએ કાઠમંડુથી નેપાળી બોર્ડર તરફ જવાના હતા. દરમિયાન સરહદી વિસ્તારમાં પૂર આવતાં તેઓ પણ તે વિસ્તારમાં હોવાની આશંકા છે. દંપતીના બે પુત્રો હાલ ન્યૂઝિલેન્ડમાં અભ્યાસ કરી રહ્યા હોઈ માતા-પિતા યાત્રા પૂર્ણ કરીને પરત ફરે તેની રાહ જોઈ રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે વિનાશક પૂર અને ભૂસ્ખલનના પગલે કૈલાશ માનસરોવર યાત્રા તથા પ્રવાસે ગયેલા મોટી સંખ્યામાં પ્રવાસીઓ મુશ્કેલીમાં મૂકાયા છે, જેમાં વિદેશી પ્રવાસીઓ પણ સામેલ છે.  સંપર્ક વિહોણા બનેલા નાગરિકોની શોધખોળ કરી તેમની સુરક્ષા સુનિશ્વિત કરવા માટે તંત્ર સક્રિય બન્યું છે. પૂર અને ભૂસ્ખલનને કારણે અનેક વિસ્તારોમાં સંપર્ક વ્યવસ્થા ખોરવાઈ જતાં યાત્રીઓના પરિવારજનોમાં ચિંતા વ્યાપી છે.

વડોદરાની કિન્નરી, અમદાવાદના મિહિર પટેલ સંપર્ક વિહોણા

દંપતી સંપર્ક વિહોણું બનતા કિન્નરીના ભાઈ અને વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા ચિરાગ પટેલે કહ્યું કે તંત્ર દ્વારા શોધખોળ કરાઈ રહી છે અને પ્રશાસને અમારી પાસેથી પણ જરૃરી માહિતી મેળવી છે. કિન્નરી જ્યારે પણ ભારત આવે ત્યારે પરિવાર અને સ્વજનોને ભેગા કરી પાર્ટી આપતી હોય છે. આ વખતે પણ કૈલાશ માનસરોવરની યાત્રા સંપન્ન કરી પરત આવીને પરિવાર સાથે ખુશી વહેંચવાની છે એમ એણે કહ્યું છે.

હાલ પરિવાર મુશ્કેલીના સમયમાં છે અને મારા બહેન તથા બનેવી સલામત રીતે પરત ફરે તેવી આશા રાખી રહ્યો છે. એમણે વધુમાં કહ્યું કે  કુદરતી હોનારતને ટાળી શકાતી નથી અને કુદરત સામે મનુષ્ય લાચાર છે. હાલ પરિવારને તંત્રની શોધખોળની સફળતાના પગલે બંનેની સલામત વાપસીની આશા છે.

વડોદરાથી ટ્રાવેલ્સનું એક પણ વાહન નેપાળ ગયું નથી

ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ એસોસિએશન, વડોદરાના પ્રમુખ અનુપભાઈએ કહ્યું કે વડોદરાથી નેપાળ તરફ કોઈ ગાડી ગઈ નથી. એસોસિએશનના ગુ્રપમાં બે વખત મેસેજ કરીને જો કોઈ ગાડી નેપાળ ગઈ હોય, કોઈ પેસેન્જર ગયો હોય અથવા કોઈ પ્રવાસીને મુશ્કેલી પડી હોય તો રિપ્લાય આપવા જણાવાયું છે. જોકે, હજુ સુધી કોઈ સભ્ય તરફથી કોઈ રિપ્લાય મળ્યો નથી. હાલની માહિતી મુજબ વડોદરાથી કોઈ ટુરિસ્ટ નેપાળમાં હોવાની જાણકારી નથી.

ત્યાંના દ્રશ્યો યાદ કરીને આઘાત લાગે છે ઃ તુષાર ભટ્ટ

પ્રવાસી તુષાર ભટ્ટે કહ્યું કે અમારી યાત્રા દરમિયાન તિમુરે બોર્ડર બે વખત ક્રોસ કરી હતી. અમે ૨૬મીએ કાઠમંડુથી પરત આવવા નીકળ્યા હતા. શરૃઆતમાં ટૂર ઓપરેટરે પેનિક ફેલાય નહી તે માટે ઘટનાની ગંભીરતા અંગે અમને જાણ કરી ન હતી. ઘટના સમયે ઈમિગ્રેશન બિલ્ડિંગ ખાતે મોટી સંખ્યામાં લોકો હાજર હતા. યાત્રા દરમિયાન મદદ કરનારા તિબેટ અને નેપાળના સહાયક પણ ગુમ છે. તેઓ અમારી સાથે આગળ રહી યાત્રાને સરળ બનાવતા હતા. ભગવાનને પ્રાર્થના કરીએ કે અસરગ્રસ્ત અન્ય તમામ લોકો પણ સલામત રીતે પરત આવે.

ઘટના સ્થળના દ્રશ્યો ઊંઘવા દેતા નથી ઃ સુધા ગોસ્વામી

પ્રવાસી સુધા ગોસ્વામીએ કહ્યું કે અમે તિમુરે પહોંચ્યા ત્યારે વરસાદ ચાલુ હતો. તિમુરે પહોંચ્યા બાદ વાહન જઈ શકે તેવી પણ પરિસ્થિતિ નહોતી. આ દરમિયાન પહાડ પરથી એક મોટો પથ્થર ધસી આવ્યો હતો અને મારા પગ નજીકથી પસાર થયો હતો. તે સમયે એટલી ગભરાઈ નહોતી, પરંતુ  સમાચાર મળ્યા બાદ હું ઊંઘી શકી નથી. ભોજન પણ ભાવતું નથી. કારણ કે ત્યાંના દ્રશ્યો વારંવાર મારી નજર સામે તરવરી રહ્યા છે. અમે જ્યાં ઊભા હતા અને જ્યાં લોકો સાથે હતા ત્યાં આવી હોનારત સર્જાઈ હોવાની વાતથી મનમાં ભારે આઘાત છે.