વડોદરા કોર્પોરેશનને વિકાસ કામોની ગુણવત્તા ચકાસવાની વ્યવસ્થા છ મહિના બાદ યાદ આવી!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Corporation : વડોદરા શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાથ ધરાતા વિવિધ વિકાસ કામોની ગુણવત્તા સામે અવારનવાર સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે બીજી તરફ વિકાસ કામોની ગુણવત્તાની ચકાસણી માટેની થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શનની જવાબદારી સંભાળતી ત્રણ સરકારી એજન્સીઓની સેવા મુદત ફેબ્રુઆરી 2026માં પૂર્ણ થઈ ગઈ હોવા છતાં નવી એજન્સીઓની નિમણૂકની પ્રક્રિયા હવે હાથ ધરવામાં આવી છે. એટલે કે, ઇજારો પૂર્ણ થયાના આશરે છ મહિના બાદ તંત્ર દ્વારા નવી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
વડોદરા મહાનગરપાલિકાના વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવતા વિકાસ કામોમાં ગુણવત્તાનું ઉચ્ચ ધોરણ જળવાઈ રહે અને ભાવપત્રકમાં નક્કી કરાયેલા સ્પેસિફિકેશન તથા ધારાધોરણ મુજબ કામગીરી થાય તે માટે રૂ.10 લાખથી વધુ રકમના કામોમાં સરકારની રજિસ્ટર્ડ કંપનીઓ અને સંસ્થાઓ મારફતે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરાવવાની વ્યવસ્થા વર્ષ 2006થી અમલમાં છે.
આ વ્યવસ્થાના આધારે સર્ટિફિકેશન એન્જિનિયર્સ ઇન્ટરનેશનલ લિમિટેડ (CEIL) પાસેથી થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરાવવા માટે વર્ષ 2007માં સમગ્ર સભાની મંજૂરી આપવામાં આવી હતી. CEILને થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન માટે પ્રોજેક્ટ કોસ્ટના 0.69 ટકા મુજબ ચાર્જ ચૂકવવામાં આવે છે.
ત્યારબાદ વર્ષ 2014થી વોટર એન્ડ પાવર કન્સલ્ટન્સી સર્વિસિસ લિમિટેડ (WAPCOS) અને રેઇલ ઇન્ડિયા ટેકનિકલ એન્ડ ઇકોનોમિકલ સર્વિસિસ (RITES) જેવી સરકારી એજન્સીઓને પણ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શનની કામગીરી સોંપવા માટે મંજૂરી આપવામાં આવી હતી. હાલમાં CEIL, WAPCOS અને RITES એમ ત્રણ સરકારી એજન્સીઓ પાસેથી મહાપાલિકાના વિકાસ કામોનું થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરાવવામાં આવી રહ્યું હતું. જોકે આ ત્રણેય એજન્સીઓની થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન સર્વિસની સમયમર્યાદા ફેબ્રુઆરી 2026માં પૂર્ણ થઈ ગઈ છે.
નવી એજન્સીઓની નિમણૂક માટે હવે મ્યુનિસિપલ કમિશનર તરફથી દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી છે. દરખાસ્તમાં નવી સરકારી એજન્સીઓને પેનલમાં સામેલ કરવા માટે નવા ભાવપત્રકો અને Expression of Interest (EOI) મંગાવવા તેમજ નવી એજન્સીઓની નિમણૂક ન થાય ત્યાં સુધી હાલની એજન્સીઓ પાસે જ કામગીરી કરાવવાની જોગવાઈ કરવાની માંગ કરવામાં આવી છે.
નવી એજન્સીઓની પસંદગી પ્રક્રિયા ઉપરાંત જરૂરિયાત મુજબ ટેન્ડરની શરતોમાં ફેરફાર કરવા, જરૂરી નાણાકીય જોગવાઈ કરવા અને એજન્સીઓ સાથેની આનુષંગિક કાર્યવાહી કરવાની સત્તા મ્યુનિસિપલ કમિશનરને આપવા પણ દરખાસ્ત કરવામાં આવી છે.









