Baroda

વડોદરા: હાથકડી ખોલતાં જ દુષ્કર્મનો આરોપી પોલીસને ધક્કો મારી ફરાર, બિલ્ડિંગમાં શોધવા ડ્રોનની મદદ લેવાઈ!

By GS Team
6 Aug 20262 mins read
TukuTouch Logo
વડોદરાની સયાજી હોસ્પિટલમાંથી દુષ્કર્મ કેસનો આરોપી ગોવિંદ વિહાતિયા પોલીસને ચકમો આપી ફરાર થયો છે. ત્વચાની સારવાર માટે લાવવામાં આવેલ આરોપીને ઈન્જેક્શન આપતી વખતે હાથકડી ખોલતા, તેણે પોલીસકર્મીને ધક્કો મારી ભાગી છૂટ્યો. પોલીસે નિર્માણાધીન બિલ્ડિંગમાં ડ્રોન કેમેરા અને માઈક એનાઉન્સમેન્ટથી શોધખોળ શરૂ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા: હાથકડી ખોલતાં જ દુષ્કર્મનો આરોપી પોલીસને ધક્કો મારી ફરાર, બિલ્ડિંગમાં શોધવા ડ્રોનની મદદ લેવાઈ!

Vadodara News: વડોદરાની સયાજી હોસ્પિટલમાંથી સારવાર અર્થે લાવવામાં આવેલો દુષ્કર્મ કેસનો આરોપી પોલીસને ચકમો આપીને ફરાર થઈ જતાં દોડધામ મચી ગઈ છે. ઈન્જેક્શન આપવા માટે હાથકડી ખોલવામાં આવતાં જ આરોપી પોલીસકર્મીને ધક્કો મારીને ભાગી છૂટ્યો હતો. હાલ પોલીસ દ્વારા નજીકની નિર્માણાધીન બિલ્ડિંગમાં ડ્રોન કેમેરા અને માઈક એનાઉન્સમેન્ટની મદદથી આરોપીની શોધોખોળ હાથ ધરવામાં આવી છે.

ઈન્જેક્શન આપતી વખતે હાથકડી ખોલતાં જ તકનો લાભ લીધો

મળતી માહિતી મુજબ, દાહોદ જિલ્લાના દુષ્કર્મ કેસના આરોપી ગોવિંદ વિહાતિયાને ત્વચા (સ્કીન) સંબંધિત તકલીફ હોવાથી સયાજી હોસ્પિટલના વોર્ડ નંબર 5માં સારવાર માટે લાવવામાં આવ્યો હતો. ત્યાં તેને ઈન્જેક્શન આપવા માટે પોલીસે તેની હાથકડી ખોલી હતી. આરોપીને એક ઈન્જેક્શન આપ્યા બાદ થોડા સમય પછી બીજું ઈન્જેક્શન આપવાનું હતું. આ દરમિયાન તકનો લાભ ઉઠાવીને આરોપી ગોવિંદે સાથે રહેલા કોન્સ્ટેબલને જોરદાર ધક્કો માર્યો હતો અને ત્યાંથી ભાગી છૂટ્યો હતો.

પોલીસે પીછો કર્યો પણ આરોપી નિર્માણાધીન બિલ્ડિંગમાં ઘૂસી ગયો

આરોપી ભાગતાં જ સાથે રહેલા પોલીસકર્મીઓએ તેનો પીછો કર્યો હતો, પરંતુ તે હાથ આવ્યો નહોતો. ભાગીને આરોપી સયાજી હોસ્પિટલ નજીક આવેલી એક બહુમાળી નિર્માણાધીન બિલ્ડિંગમાં ઘૂસી ગયો હતો.

બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને આખી બિલ્ડિંગને કોર્ડન કરી લીધી હતી. આરોપી કયા ફ્લોર પર છુપાયો છે તેની ચોક્કસ માહિતી મેળવવા માટે પોલીસ દ્વારા ડ્રોન કેમેરાની મદદથી બિલ્ડિંગનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત, કોઈ પણ અપ્રિય ઘટના વગર આરોપી સલામત રીતે નીચે આવીને આત્મસમર્પણ કરી દે તે માટે પોલીસ દ્વારા માઈક વડે સતત એનાઉન્સમેન્ટ પણ કરવામાં આવી રહ્યું છે.