વડોદરા: એટીએમમાં પૈસા જમા કરાવવા ગયેલા યુવક સામે હોસ્પિટલનું બહાનું કાઢી છેતરપિંડી કરનાર ઝડપાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara: ગોરવા હાઉસિંગ બોર્ડમાં રહેતા અને કુરિયર કંપનીમાં નોકરી કરતા નરેન્દ્રસિંહ દિલીપસિંહ તનવરે ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત 14 સપ્ટેમ્બર 2026ના રોજ બપોરે આશરે 4:20 વાગ્યે હું અમરકાર શોરૂમ સામે આવેલા એસ.બી.આઈ. (SBI) એટીએમ ખાતે રૂ. 10,000 મારા ખાતામાં જમા કરાવવા ગયો હતો.
એ જ સમયે એટીએમમાં બ્લ્યુ ટી-શર્ટ અને કાળી ટોપી પહેરેલો આશરે 30 વર્ષનો એક જાડો શખ્સ આવ્યો. તેણે મને કહ્યું કે, “મારે દવાખાનાનું કામ છે અને એટીએમમાંથી પૈસા ઊપડતા નથી. જો તમારે રોકડા જમા કરાવવાના હોય તો મને આપી દો, હું તમને ઓનલાઈન ટ્રાન્સફર કરી દઉં છું.” મેં પહેલાં ના પાડી, પરંતુ તેણે હોસ્પિટલની કટોકટી દર્શાવતા મેં તેને રૂ. 10,000 રોકડા આપ્યા અને મારો UPI QR કોડ સ્કેન કરાવ્યો. તેણે સ્કેન કરી રૂ. 10,000 ટ્રાન્સફર સફળ થયાનો મેસેજ તેના મોબાઈલમાં બતાવ્યો હતો.
પરંતુ મારા ખાતામાં પૈસા જમા ન થતાં મેં પૂછપરછ કરી. તેણે પોતાનું નામ વિશાલ સોલંકી બતાવી, એક મોબાઈલ નંબર આપી “દવાખાને જવાની ઉતાવળ છે” કહી ત્યાંથી નીકળી ગયો. બાદમાં તપાસ કરતા તેણે આપેલો નંબર બંધ આવતો હતો અને આપેલું સરનામું પણ ખોટું નીકળ્યું હતું.
બાદમાં મને જાણવા મળ્યું કે ગત 23 સપ્ટેમ્બરના રોજ આ જ શખ્સે વિંકેશ રાજપૂત નામના અન્ય એક નાગરિક સાથે પણ આ જ રીતે રૂ. 5,500ની છેતરપિંડી કરી હતી. અમે બંને મળીને કુલ રૂ. 15,500 ગુમાવ્યા છે.
ગોરવા પોલીસે તપાસ હાથ ધરી આરોપી સાહિલ જાફરભાઈ શેખ(રહે મોટી વોરવાડ વાડી) ને ઝડપી પાડ્યો છે. પોલીસે તેની પાસેથી 15,500 કબજે કર્યા છે આરોપી સામે અગાઉ વારસિયામાં પણ ગુનો દાખલ થયેલો છે.




