વડોદરા: વિશ્વામિત્રી નદીમાં મગરના હુમલામાં 43 વર્ષીય આધેડનું મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara: વડોદરા નજીક તલસટ ગામે વિશ્વામિત્રી નદીમાં મગરના હુમલાની કરુણ ઘટના બની હતી. ગામમાં રહેતા 43 વર્ષીય રણછોડભાઈ મોતીભાઈ રાઠોડ ગઈકાલે રાત્રે આશરે 9:30 વાગ્યાના સમયે લઘુશંકા કરવા માટે જતા હતા. દરમિયાન અંધારામાં તેમનો પગ લપસતાં તેઓ નજીકથી પસાર થતી વિશ્વામિત્રી નદીના પાણીમાં પડી ગયા હતા.
રણછોડભાઈ નદીમાં પડ્યા બાદ પાણીમાં રહેલા એક મહાકાય મગરે તેમના પર હુમલો કર્યો હતો અને તેમને ખેંચીને નદીમાં લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. મગરના હુમલાથી રણછોડભાઈએ બૂમાબૂમ કરતાં આસપાસના ગ્રામજનો દોડી આવ્યા હતા.
ઘટનાની જાણ થતાં ગામના કેટલાક યુવાનો હિંમત કરીને લાકડીઓ અને દંડા સાથે નદી પાસે પહોંચ્યા હતા. તેમણે મગરને ભગાડવાનો પ્રયાસ કરી ભારે જહેમત બાદ રણછોડભાઈને મગરના જડબામાંથી છોડાવ્યા હતા. જોકે, ત્યાં સુધીમાં રણછોડભાઈનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું.
ઘટનાને પગલે તલસટ ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગોત્રી હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે. બનાવ અંગે અટલાદરા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
વિશ્વામિત્રી નદીમાં મગરોની સંખ્યા વધુ હોવાથી નદી કાંઠાના ગામોમાં અગાઉ પણ મગરના હુમલાની ઘટનાઓ સામે આવી છે. આ ઘટનાએ ફરી એકવાર નદી કાંઠે વસતા ગ્રામજનોની સુરક્ષા અંગે ગંભીર સવાલો ઉભા કર્યા છે.









