Baroda

ખાદ્યસામગ્રી માટે પ્રતિબંધિત પ્લાસ્ટિકનો બેફામ થતો ઉપયોગ

By GS Team
22 Aug 20262 mins read
TukuTouch Logo
શહેરમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો બેરોકટોક ઉપયોગ પર્યાવરણ માટે ચિંતાજનક બન્યો છે. ખંડેરાવ માર્કેટ, ગાંધીનગર ગૃહ જેવા વિસ્તારોમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક થેલીઓનું ખુલ્લેઆમ વેચાણ થાય છે. તંત્રની ઢીલાશને કારણે ઉત્પાદકો અને વેપારીઓને પ્રોત્સાહન મળી રહ્યું છે. જુલાઈ-ઓગસ્ટમાં રૂ. 7.46 લાખ દંડ અને 100 કિલોથી વધુ પ્લાસ્ટિક જપ્ત કરાયું, છતાં સ્થિતિ યથાવત્ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ખાદ્યસામગ્રી માટે પ્રતિબંધિત પ્લાસ્ટિકનો બેફામ થતો ઉપયોગ

પર્યાવરણ બચાવવાની વાતો વચ્ચે શહેરમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ યથાવત્ રહેતા કાયદાના અમલીકરણ અંગે અનેક સવાલો ઊભા થયા છે. શહેરમાં ઉત્પન્ન થઈ રહેલા કચરામાં પણ સિંગલ યુઝ પ્લાસ્ટિકનું પ્રમાણ નોંધપાત્ર જોવા મળી રહ્યું છે.

અત્રેની બજારો અને દુકાનોમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓનો ઉપયોગ અટકી રહ્યો નથી. પાતળી થેલીઓ એક વખત ઉપયોગમાં લીધા બાદ સીધી કચરામાં ફેંકાઈ જતી હોવાથી પર્યાવરણ પર તેનો બોજ વધે છે.

સિંગલ યુઝ પ્લાસ્ટિક મુદ્દે પ્રતિબંધિત થેલીઓ જપ્ત કરી દંડ કરવાની સાથે આવી થેલીઓનું ઉત્પાદન કે વેચાણ કરતા યુનિટ સામે પણ કાર્યવાહી કરી તેને સીલ કરવાની જોગવાઈ છે. જોકે આ દિશામાં કાર્યવાહી અંગે તંત્રની ઢીલાશથી ઉત્પાદન અને વેચાણ કરતા વેપારીઓને પીઠબળ મળી રહ્યું હોવાની ચર્ચા છે.

શાકભાજી-ફ્રુટ માર્કેટ, વિવિધ દુકાનો અને સ્ટોલ પરથી ગ્રાહકોને ખુલ્લેઆમ પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓ આપી રહ્યાં છે. ઉપયોગ બાદ આ થેલીઓ રસ્તા, ગટર અને ખુલ્લી જગ્યાઓ પર ફેંકી દેવાય છે. વરસાદ પડતાં આ પ્લાસ્ટિકનો કચરો ગટરમાં પહોંચી ગટર લાઈનો જામ કરે છે.

ખંડેરાવ માર્કેટ, ગાંધીનગર ગૃહ, હાથીખાના, ફતેપુરા સહિતના વિસ્તારોમાં પ્રતિબંધિત થેલી સહિતની સામગ્રીનું વેચાણ થઈ રહ્યું હોવાનું જાણવા મળે છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, ૧૨૦ માઇક્રોન કે તેથી વધુ જાડાઈ ધરાવતી પ્લાસ્ટિક કેરી બેગ જ કાયદેસર છે. ૧૨૦ માઇક્રોનથી ઓછી જાડાઈ ધરાવતી તમામ પ્રકારની કેરી બેગ પર પ્રતિબંધ છે. છતા ૧૦થી ૩૦ માઈક્રોનની થેલીઓ મોટા પ્રમાણમાં ઉપયોગમાં લેવાય છે.

સિંગલ યુઝ પ્લાસ્ટિક મુદ્દે રૃા. ૭.૪૬ લાખનો દંડ

મ્યુનિ.કોર્પોરેશન દ્વારા જૂલાઈ મહિનામાં રૃા.૫.૦૧લાખનો દંડ કરી ૨૩ નોટિસો આપી ૬૪.૯૦ કિલોગ્રામ તેમજ ઓગસ્ટ મહિનામાં રૃા.૨.૪૫ લાખનો દંડ કરી ૩૫.૭૦ કિલોગ્રામ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરાયો છે.

પ્રતિબંધિત થેલીનો બજારોમાં વધતો ઉપયોગ

ચ્હાના સ્ટોલ, સિંગ-ચણાની લારીઓ, પાનના ગલ્લા, ફ્રૂટ- શાકભાજી માર્કેટ, ફૂલ બજાર તેમજ કરિયાણાની દુકાનો ખાતે પ્લાસ્ટિકની થેલીઓનો મોટા પ્રમાણમાં ઉપયોગ થઈ રહ્યો છે. ખાસ કરીને શાકભાજી, ફળ-ફૂલ, કરિયાણા સહિતની ચીજવસ્તુઓના વેચાણમાં  થેલીઓનો ઉપયોગ વધુ થાય છે.

કાર્યવાહીમાં તંત્રની ઢીલાશ

સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ મોટા પ્રમાણમાં થઈ રહ્યો હોવા છતાં તેના વેચાણ અને ઉત્પાદન અંગે અત્યાર સુધીમાં શું કાર્યવાહી કરવામાં આવી તે સ્પષ્ટ માહિતી ન મળતાં મ્યુનિ. કોર્પોરેશન અને જીપીસીબીની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે.