કૃત્રિમ તળાવ પર ઉઘરાણીના આક્ષેપ બાદ બે ફાયર કર્મચારીઓની તાત્કાલિક બદલી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Corporation : વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસના કર્મચારીઓની કામગીરી સામે ગણેશ વિસર્જન દરમિયાન ગંભીર આક્ષેપો થયા છે. માંજલપુરના કૃત્રિમ તળાવ ખાતે ગણેશ વિસર્જન માટે આવેલા લોકો પાસેથી ફાયર બ્રિગેડના કાયમી કર્મચારીઓએ પોતાના મોબાઇલ ફોનથી ઓનલાઇન નાણાં ઉઘરાવ્યાં હોવાની ફરિયાદ સામે આવી છે. આ વિવાદ વચ્ચે જીઆઈડીસી ફાયર સ્ટેશનના બે કર્મચારીઓની તાત્કાલિક બદલી કરીને દરજીપુરા ખાતેના ઈઆરસી ફાયર સ્ટેશનમાં મૂકવામાં આવ્યા છે.
માંજલપુર કૃત્રિમ તળાવ ખાતે ગણેશ વિસર્જન દરમિયાન તરવૈયાઓની સાથે ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસના કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓએ પણ લોકો પાસે પૈસાની માગણી કરી હોવાના આક્ષેપ થયા છે. કર્મચારીઓએ પોતાના મોબાઇલ ફોનથી ઓનલાઇન નાણાં લીધાં હોવાની ફરિયાદને પગલે સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે. ગઈકાલે તરવૈયાઓ વચ્ચે નાણાંના હિસાબને લઈને માથાકૂટ થતાં બદામડી બાગ ખાતે આવેલા ફાયર બ્રિગેડના મુખ્ય કંટ્રોલરૂમમાં હોબાળો મચ્યો હતો. તરવૈયાઓના હોબાળાને પગલે ઉઘરાણીનો સમગ્ર મામલો બહાર આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
આ પ્રકરણમાં જીઆઈડીસી ફાયર સ્ટેશનના સબ ફાયર ઓફિસર દીપક રાઠવા અને ફાયરમેન રાહુલ પઢિયારનાં નામ સામે આવ્યાં છે. ઉઘરાણીના આક્ષેપો વચ્ચે બંને કર્મચારીઓની તાત્કાલિક બદલી કરીને દરજીપુરા ખાતેના ઈઆરસી ફાયર સ્ટેશનમાં મૂકવામાં આવ્યા છે. જોકે, આક્ષેપોને લઈને સત્તાવાર તપાસ અને જવાબદારી નક્કી થવાની બાકી છે.
બીજી તરફ, ફાયર બ્રિગેડના કેટલાક કર્મચારીઓએ ગણેશ વિસર્જન માટે ક્રેન પૂરી પાડતા સંચાલકો પાસેથી પણ નાણાંની માગણી કરી હોવાની ચર્ચા છે. શહેરનાં અન્ય કૃત્રિમ તળાવો પર પણ આ પ્રકારની ઘટનાઓ બની હોવાની વાતો સામે આવી રહી છે. આથી સમગ્ર વિસર્જન વ્યવસ્થા દરમિયાન થયેલી નાણાંની લેવડદેવડ સામે પણ સવાલો ઊઠ્યા છે.
મહાનગરપાલિકા દ્વારા ગણેશ વિસર્જન માટે કોઈએ નાણાં આપવાનાં નથી તેવો સ્પષ્ટ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો. તેમ છતાં જો ફાયર બ્રિગેડના કર્મચારીઓ દ્વારા જ ઓનલાઇન નાણાંની ઉઘરાણી કરવામાં આવી હોય તો તે ગંભીર બાબત છે. એક તરફ કર્મચારીઓની તાત્કાલિક બદલી કરવામાં આવી છે, તો બીજી તરફ સમગ્ર મામલે પડદો પાડવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાની પણ ચર્ચા છે. હવે આક્ષેપોની તપાસ કરીને જવાબદાર સામે કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ તે જોવું રહ્યું.




