Baroda

શેરબજારમાં ઊંચા નફાની લાલચે વેપારીએ રૂ.1.03 કરોડ ગુમાવ્યા

By GS Team
12 Sep 20262 mins read
TukuTouch Logo
વડોદરામાં સાયબર ઠગોએ શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપી સેવાસી ગામના વેપારી પાસેથી રૂ. 1.03 કરોડથી વધુ પડાવ્યા છે. વિપુલ મકવાણાને અજાણ્યા શખ્સે ફોન કરી, શેરખાન એકાઉન્ટમાં નુકસાન થયું હોવાનું જણાવી, 10 થી 25 ટકા નફાની લાલચ આપી હતી. 'ABBOTT WELTH MANAGENT' એપ ડાઉનલોડ કરાવી, અલગ-અલગ ખાતામાં પૈસા જમા કરાવ્યા બાદ, નફો ઉપાડવા ન દેતા છેતરપિંડીનો ભોગ બન્યા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

શેરબજારમાં ઊંચા નફાની લાલચે વેપારીએ રૂ.1.03 કરોડ ગુમાવ્યા

Vadodara Fraud Case : શેરબજારમાં રોકાણ કરાવી ઊંચું વળતર આપવાની લાલચ આપી સાયબર ઠગોએ વડોદરાના સેવાસી ગામના વેપારી પાસેથી રૂ.1.03 કરોડથી વધુ પડાવી લીધા છે.
સેવા સીમા વેરાઈ માતાના મંદિર પાસે રહેતા વિપુલ શાંતિલાલ મકવાણાએ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું લોનનું કામ કરું છું અને શેર માર્કેટમાં ટ્રેડિંગ પણ કરું છું. માર્ચ-2025 દરમિયાન હું ઘેર હતો ત્યારે મોબાઇલ પર અજાણ્યા શખ્સનો ફોન આવ્યો હતો. ફોન કરનારે જણાવ્યું હતુ કે તમારા શેરખાન ટ્રેડિંગ ડિબેટ એકાઉન્ટમાં સાત લાખનું નુકસાન થયું છે તમે અમારા ગ્રુપમાં ટ્રેડિંગ કરશો તો રોજ 10 થી 25 ટકા નફો કરી તમારું નુકસાન કવર કરી આપીશું. તમો દ્વારા જે એકાઉન્ટમાં પૈસા જમા કરાશે તે તમામ એકાઉન્ટ સેબી રજીસ્ટર છે અને 37 વર્ષ જૂની તેમજ ભરોસાપાત્ર છે.
શેરબજારમાં રોકાણથી મોટો નફો મેળવવાની વાત કરી વિશ્વાસમાં લીધા હતા. ત્યારબાદ વોટ્સએપ મારફતે શેરબજારની માહિતી આપતા ગ્રૂપમાં જોડવામાં આવ્યા હતા. શરૂઆતમાં વિશ્વાસ બેસે તે રીતે શેરબજારના વ્યવહારો અને નફાની વિગતો દર્શાવવામાં આવી હતી. આ પછી મને ‘ABBOTT WELTH MANAGENT’ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવી તેમાં KYC સહિતની પ્રક્રિયા કરાવવામાં આવી હતી. એપમાં રોકાણની રકમ અને નફો દેખાતો હોવાથી વધુ પૈસા રોકવા પ્રેરિત કરવામાં આવ્યા હતા. ભેજાબાજોએ અલગ-અલગ બેંક ખાતામાં રકમ જમા કરાવવા સૂચના આપી હતી. વિશ્વાસમાં આવી એપ્રિલથી મે-2025 દરમિયાન અનેક વખત ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કરી કુલ રૂ.1,03,35,000 જમા કરાવ્યા હતા.
એપમાં નફાની રકમ દેખાતી હોવા છતાં તે ઉપાડવામાં આવતી નહોતી. વધુ રકમ જમા કરાવવા આરોપીઓ તરફથી દબાણ કરવામાં આવ્યું હતું. અંતે પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાયુ હતું. ફરિયાદીએ પોલીસનો સંપર્ક કર્યો હતો.