ડભોઇ તેમજ પલાસવાડા પાસે ઝેરી કેમિકલ ડમ્પરમાંથી ફેંકાયું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકામાં રેતી લેવા જતા ડમ્પરમાંથી બારોબાર ઝેરી કેમિકલ ભરેલા થેલાઓ અજાણ્યા શખ્સોએ નાંખતા સમગ્ર વિસ્તારમાં રોષ ફેલાયો છે. સ્ટેટ હાઇવે પર પલાસવાડા ફાટક તેમજ ડભોઇ પાસે ત્રણ સ્થળે ઝેરી કેમિકલ નાંખતા જીપીસીબી પણ દોડતું થયું છે.
પ્રાપ્ત માહિતી મુજબ ડભોઇ તાલુકાના વેગા ગામ પાસેના સંખેડા તરફ જતા બ્રિજથી ટીંબી ફાટક સુધીના હાઇવે પર રોડની બંને બાજુએ પ્લાસ્ટિકની મોટી થેલીમાં ભરીને લિક્વિડ ઝેરી કાળા રંગનું કેમિકલ અજાણ્યા શખ્સોએ નાંખ્યું હતું. આ કેમિકલના કારણે સખત દુર્ગધ ફેલાતી હતી. એટલું જ નહી પરંતુ રાહદારીઓ તેમજ આજુબાજુમાં વસતા લોકોને ગંભીર બીમારી થવાની પણ શક્યતાઓ વધી ગઇ હતી.
ડભોઇ નજીકના આ હાઇવે પર ત્રણ સ્થળોએ ઝેરી કેમિકલ કોઇ ફેંકી ગયું હોવાનું જણાયું હતું. આ અંગેની જાણ થતાં જ ડભોઇ નગરપાલિકાના ચીફ સેનેટરી ઇન્સ્પેક્ટર સહિતનો સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો અને પોલીસ તેમજ જીપીસીબીને પણ જાણ કરી હતી. દરમિયાન પલાસવાડા ફાટક પાસે પણ આ પ્રકારનું ઝેરી કેમિકલ કોઇ નાંખી ગયું હોવાનું જાણવા મળ્યું હતું.
દરમિયાન આજે પોલીસ તેમજ જીપીસીબીની ટીમ સ્થળ પર આવી હતી અને ઝેરી કેમિકલના નમૂના લઇને તેનું પૃથક્કરણ કરવા મોકલ્યા છે. હાઇવે પરના કેટલાંક સીસીટીવી ચેક કરતાં બોડેલી તરફની લીઝ પર રેતી લેવા જતા ડમ્પરમાંથી આ ઝેરી કેમિકલ ફેંકવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. જો કે આ કેમિકલ કેટલું ઝેરી છે તેની જાણ તેના રિપોર્ટ બાદ થશે.




