અલકાપુરીમાં તિરૂપતિ ઇમિગ્રેશનના જીજ્ઞાસુ પટવા અને પુત્રએ કેનેડાના નામે 16 જણા પાસે 1.23 કરોડ ઠગી લીધા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Fraud Case : વડોદરાના અલકાપુરી વિસ્તારમાં આવેલી ઈમિગ્રેશન ઓફિસના સંચાલક પિતા-પુત્રએ વિદેશ મોકલવાના નામે સંખ્યાબંધ લોકો સાથે છેતરપિંડી કરી હોવાનો કિસ્સો બહાર આવ્યો છે. આ અંગે નોંધાયેલી પોલીસ ફરિયાદમાં 16 જણાએ 1.23 કરોડ ગુમાવ્યા હોવાનું જણાવ્યું છે.
જિજ્ઞાસુ વિશ્વાસ સંપાદન કરવા કરાર કરી આપતો હતો, પુત્ર એક્ઝામની તૈયારી કરાવતો હતો
નડિયાદના સંતરામ રોડ પર શાંતિ સોસાયટીમાં રહેતા મુદ્રણ પટેલે પોલીસને કહ્યું છે કે વર્ષ 20 23 માં મારે કેનેડા જવું હોવાથી વડોદરાના પ્રોડક્ટિવિટી રોડ પર નેપ્ચ્યુન ટાવર ખાતે અરાઈઝ કોમ્પ્લેક્સમાં આવેલી તિરૂપતિ ઈમિગ્રેશન નામની ઓફિસના સંચાલક જીજ્ઞાસુ પટવાનો સંપર્ક કર્યો હતો. તેણે 9.50 લાખમાં કેનેડાના વર્ક પરમીટ અપાવવાની વાત કરી હતી અને કરાર પણ કર્યો હતો. ત્યારબાદ એક્ઝામની તૈયારી માટે તેના પુત્ર કશ્યપ પટવા પાસે મોકલ્યો હતો તેણે અલગથી 50000 રૂપિયા લીધા હતા. મેં કુલ 11 લાખ આપ્યા હોવા છતાં મને વકૅ પરમિટ મળી ન હતી.
કેનેડા ઉપરાંત ફીનલેન્ડ અને પોલેન્ડના નામે પણ લોકોને ફસાવ્યા, કેટલાકની તો પ્રોસેસ જ ન કરી
જીજ્ઞાસુ પટવા માત્ર કેનેડા જ નહીં પણ પોલેન્ડ અને ફિનલેન્ડ જેવા દેશોમાં સેટ કરી આપવાના નામે પણ અનેક લોકોને ફસાવ્યા હોવાની વિગતો બહાર આવી છે. અન્ય દેશોમાં જવા માંગતા યુવક યુવતીઓને પણ આવી જ રીતે મોટી મોટી વાતોમાં ફસાવતો હતો અને રૂપિયા પડાવી લેતો હોવાની વિગતો પોલીસને જાણવા મળી છે. જિજ્ઞાસુએ પૈસા પડાવ્યા બાદ કેટલાક ની તો પ્રોસેસ પણ નહીં કરી હોવાની વિગતો જાણવા મળી છે .
વિદેશ જવા ઈચ્છુક કુલ 16 જણાએ 1.23 કરોડ ગુમાવ્યા, ઠગાયેલાઓની સંખ્યા વધશે
કેનેડા તેમજ અન્ય દેશોમાં જવા માટે જિજ્ઞાસુ તેમજ તેના પુત્ર કશ્યપ દ્વારા કુલ 16 જણા સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાની પ્રાથમિક વિગતો પોલીસને મળી છે. જેની કુલ રકમ 1.23 કરોડ જેટલી થાય છે. અકોટા પોલીસના પીઆઇ ડી.બી.બલદાણીયાએ આ અંગે ગુનો નોંધી બંને પિતા પુત્રની તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા તેમની ઓફિસમાં પણ સર્ચ કરવાની તજવીજ કરવામાં આવનાર છે. જેથી બંને આરોપીની જાળમાં ફસાયેલા બીજા લોકોની પણ વિગતો બહાર આવશે.









