Baroda

રીક્ષામાં ગેસ ભરવા મુદ્દે ચાલક અને ફિલર વચ્ચે મારામારીમાં ત્રણ ઘાયલ

By GS Team
18 Oct 20262 mins read
TukuTouch Logo
વડોદરાના આજવા રોડ પર ગેસ પંપ પર ગઈકાલે રાત્રે 9 વાગ્યે રીક્ષામાં ગેસ ભરવા મુદ્દે ફીલર અને રીક્ષાચાલક વચ્ચે મારામારી થઈ હતી. જેમાં 3 વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. કપુરાઈ પોલીસે બંને પક્ષની ફરિયાદના આધારે સાજીદ પઠાણ અને આકાશ પરમાર સહિત 5 સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રીક્ષામાં ગેસ ભરવા મુદ્દે ચાલક અને ફિલર વચ્ચે મારામારીમાં ત્રણ ઘાયલ

આજવા રોડ પર આવેલા ગેસ પંપ ખાતે ગઈકાલે રાત્રે ૯ વાગ્યે રીક્ષામાં ગેસ ભરવાની બાબતે ફીલર અને રીક્ષાચાલક વચ્ચે થયેલી મારામારીમાં ત્રણ વ્યક્તિઓને ઈજા પહોંચતા કપુરાઈ પોલીસે બંને પક્ષની ફરિયાદના આધારે પાંચ સામે ગુનો નોંધ્યો છે.

રીક્ષા ચલાવતા સાજીદ પઠાણે (૪૬)પોલીસ ફરિયાદમાં કહ્યું કે આજવા રોડ પર પાયોનિયર કોલેજ પાસે આવેલા એચ.પી. ગેસ પંપ પર ફીલીંગ પોઈન્ટ પાસે હાજર ફીલર નિખિલએ મને કહ્યું કે ' તું ગેસ પંપના મેનેજરને મળવા માટે ગયો હતો, જેથી તારી રીક્ષામાં ગેસ નહીં ભરાય'. તેમ કહી મારી સાથે ઝઘડો કર્યો હતો. નિખિલ અને તેની સાથે હાજર અન્ય એક શખ્સે મને ગાળો આપી ઝપાઝપી કરી હતી. મેં મારા પુત્ર અયાઝને બોલાવ્યો હતો. નિખિલ સાથેના શખ્સે તેના હાથમાં પહેરેલું કડું મારા પુત્રને માથામાં મારી દેતા લોહી નીકળવા લાગ્યું હતું. આ દરમિયાન મારા કાકાનો પુત્ર મોઈન અને મારો ભત્રીજો એઝાઝ આવી પહોંચતા મારામારી થઈ હતી.

સામાપક્ષે  આયશર ટ્રક ચલાવતા આકાશ પરમારે ફરિયાદમાં કહ્યું કે રીક્ષામાં ગેસ ભરવા બાબતે એક રીક્ષા ચાલકને, નિખિલે કહ્યું હતું કે ગેસ બોટલના ટેસ્ટિંગ વગર રીક્ષામાં ગેસ નહીં ભરાય, જેથી રીક્ષા ચાલકે નિખિલ અને મારી સાથે ઝઘડો કર્યો હતો. રીક્ષાચાલકે કોઈને ફોન કરતા અન્ય ત્રણ ઈસમો ધસી આવ્યા હતા અને કમર પટ્ટો, દંડો તથા પાઈપ વડે અમારી પર હુમલો કર્યો હતો. પેટ્રોલપંપની ઓફિસના દરવાજાનું લોક તોડી અમને બહાર કાઢી માર માર્યો હતો. મને માથાના ભાગે ઈજા પહોંચી છે.