વડોદરામાં સાંજે વાતાવરણ બદલાયું, ધોધમાર ૧ ઇંચ વરસાદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં લાંબા સમયના વિરામ બાદ આખરે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ઉકળાટ અને બફારાથી તોબા પોકારી ગયેલા વડોદરાવાસીઓને આજે વહેલી સવારથી શરૃ થયેલા વરસાદી માહોલને કારણે મોટી રાહત મળી છે.
શહેરમાં આજે સવારે વરસાદી ઝાપટા પડયા બાદ સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને સાંજથી જ કાળા ડિબાંગ વાદળો ઘેરાયા બાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો. સાર્વત્રિક રીતે એક ઇંચ જેટલો વરસાદ ખાબકતા જ નીચાણવાળા કેટલાંક વિસ્તારોમાં પાણી ભરાયા હતા તેમજ સાંજે ઓફિસથી ઘર તરફ પ્રયાણ કરનારા કેટલાંક લોકો અટવાઇ ગયા હતાં.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વરસાદી ઝાપટાંને કારણે વડોદરાના મહત્તમ તાપમાનમાં ૨.૧ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થયો છે. તાપમાન ગગડતા જ લોકોએ ગરમીમાંથી મુક્તિ અનુભવી હતી. શહેરના અલકાપુરી, સયાજીગંજ, રાવપુરા, મકરપુરા અને વાઘોડિયા રોડ સહિતના વિવિધ વિસ્તારોમાં ધીમી ધારે શરૃ થયેલો વરસાદ બાદમાં ધોધમાર સ્વરૃપમાં ફેરવાયો હતો.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ મહત્તમ તાપમાન ૨.૧ ડિગ્રી ઘટીને ૩૩.૫ ડિગ્રી તેમજ મહત્તમ તાપમાન સાધારણ ૦.૮ ડિગ્રી વધીને ૨૭.૬ ડિગ્રી નોંધાયું છે. જ્યારે હવામાં ભેજનું પ્રમાણ સવારે ૮૫ અને સાંજે ૮૧ ટકા નોંધાયું છે. આ ઉપરાંત દક્ષિણ દિશાના પવનોની ગતિ ૧૧ કિલોમીટર પ્રતિ કલાક નોંધાઇ છે. આગામી દિવસોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. પૂર નિયંત્રણ કક્ષના જણાવ્યા મુજબ વડોદરા શહેર ઉપરાંત જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. વાઘોડિયા અને ડભોઇમાં પણ એક ઇંચ વરસાદ નોંધાયો છે.




