ભારતમાલા હાઇવે પર LPG ટેન્કર પલટી મારતા વડોદરાથી કરજણ વચ્ચેનો રોડ ૨૪ કલાક બંધ રહ્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા નજીક પાદરા તાલુકાની હદમાંથી પસાર થતા દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ વે પર ગઇ સાંજે એલપીજી ભરેલું એક ટેન્કર પલટી મારતાં એક તરફનો રોડ બંધ કરવાની ફરજ પડી હતી. આ અકસ્માતના કારણે હાઇવે પર ટ્રાફિકજામની પણ સમસ્યા સર્જાઇ હતી. આજે સાંજે ટેન્કર દૂર કરાતા આખરે ટ્રાફિક ૨૪ કલાકે પૂર્વવત્ત થયો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ ભારતમાલા એક્સપ્રેસ હાઇવે વડોદરાથી કરજણ તરફના માર્ગ પર ગઇકાલે સાંજે સાત વાગ્યાની આસપાસ એક ટ્રેલર તેમજ એલપીજી ટેન્કર વચ્ચે અકસ્માત થતા એલપીજી ભરેલું ટેન્કર પલટી જતાં અફરાતફરી મચી ગઇ હતી. એલપીજી ટેન્કરમાંથી ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાય તેવી શક્યતાના કારણે તાત્કાલિક વડોદરાથી ભરૃચ તરફનો માર્ગ બંધ કરાવવાની ફરજ પડી હતી. આ સાથે જ પાદરા પોલીસ પણ સ્થળ પર પહોંચી ગઇ હતી.
કોઇ મોટી દુર્ઘટના ના બને તે માટે પાદરા તેમજ કરજણથી ફાયર બ્રિગેડની ટીમને બોલાવી લેવાઇ હતી. લાશ્કરો દ્વારા એલપીજી ટેન્કર પર કુલીંંગ જળવાઇ રહે તે માટે સતત પ્રોસેસ કરવામાં આવતી હતી. પાદરા ૧૧૨ પોલીસની વાનના એક કર્મચારીએ પણ સમયસૂચકતા વાપરી તમામ એજન્સીઓને જાણ કરી હતી. એલપીજી ટેન્કર તામિલનાડુનું હોવાથી પોલીસ દ્વારા તાત્કાલિક કંપનીનો સંપર્ક કરવામાં આવ્યો હતો.
જીવતા બોમ્બ સમાન આ ટેન્કરના કારણે લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો જ્યારે સાવચેતીના પગલા માટે આખી રાત અને આજે આખો દિવસ પોલીસ સ્થળ પર રહી હતી. એલપીજી ટેન્કરમાંથી ગેસ ટ્રાન્સફર કરવા માટેનું ટેન્કર સ્થળ પર આવી ગયું હતું પરંતુ રિફિલિંગ માટેની વાન સાણંદથી આવ્યા બાદ ગેસ ટ્રાન્સફરની પ્રક્રિયા હાથ ધરાઇ હતી અને આખરે આજે સાંજે પાંચ વાગ્યાની આસપાસ રોડ ખૂલ્લો થતાં વડોદરાથી કરજણ તરફનો ટ્રાફિક પૂર્વવત્ત થયો હતો.




