Baroda

મ્યુનિ.કોર્પોરેશનમાં એકસાથે પાંચ અધિકારીઓના રાજીનામાથી ખળભળાટ

By GS Team
2 Jul 20262 mins read
TukuTouch Logo
મ્યુનિ. કોર્પોરેશનમાં 5 અધિકારીઓએ સ્વૈચ્છિક નિવૃત્તિ (VRS) જાહેર કરતા ખળભળાટ મચ્યો છે. સામાન્ય વહીવટ વિભાગના વડા દેવાંગ ભટ્ટ સહિત 2 વોર્ડ ઓફિસર અને 2 રેવન્યુ ઓફિસરે રાજીનામા આપ્યા છે. આ નિર્ણય પાછળ પારિવારિક કારણો અને બદલાતી કાર્યપદ્ધતિ સાથે તાલમેલ બેસાડવાની મુશ્કેલીઓ ચર્ચાઈ રહી છે. આ ઘટનાથી વહીવટી આલમમાં અનેક તર્ક-વિતર્ક શરૂ થયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મ્યુનિ.કોર્પોરેશનમાં એકસાથે પાંચ અધિકારીઓના રાજીનામાથી ખળભળાટ

મ્યુનિ.કોર્પોરેશનમાં એકસાથે પાંચ અધિકારીઓએ સ્વૈચ્છિક નિવૃત્તિ (વીઆરએસ) જાહેર કરતા વહીવટી તંત્રમાં ભારે ખળભળાટ મચી ગયો છે. સામાન્ય વહીવટ વિભાગના ખાતાકીય વડા દેવાંગ ભટ્ટ સહિત બે વોર્ડ ઓફિસર અને બે રેવન્યૂ ઓફિસરોએ પોતાના પદ પરથી રાજીનામા આપી દીધા છે. એકસાથે પાંચ અધિકારીઓની એક્ઝિટને લઈને મ્યનિ.કોર્પોરેશનના વહીવટી આલમમાં અનેક તર્ક-વિતર્ક શરૃ થયા છે.

રાજીનામું આપનાર અધિકારીઓમાં દેવાંગ ભટ્ટ (ખાતાકીય વડા, સામાન્ય વહીવટ વિભાગ), પરાગ મોદી (વોર્ડ ઓફિસર, વોર્ડ નં. ૧૬), મહેશ પટેલ (વોર્ડ ઓફિસર, વોર્ડ નં. ૧૭), મનોજ ક્રિશ્વિયન (રેવન્યૂ ઓફિસર) અને પ્રકાશ પરમાર (રેવન્યૂ ઓફિસર)નો સમાવેશ થાય છે. જો કે  રાજીનામા અંગે મ્યુનિ.કમિશ્નર અને ડે.મ્યુનિ.કમિશ્નર નિર્ણય કરશે.

મળતી માહિતી મુજબ પાંચેય અધિકારીઓ વર્ષ ૨૦૦૦ની ભરતીના હોવાથી તેઓ પેન્શનપાત્ર સેવા ધરાવે છે અને તેમની નિયમિત નિવૃત્તિને હજુ ચારથી પાંચ વર્ષનો સમય બાકી છે. તેમ છતાં સ્વૈચ્છિક નિવૃત્તિનો નિર્ણય લેતાં અનેક ચર્ચાઓએ જોર પકડયું છે. રાજીનામા પાછળ પારિવારિક અને અંગત કારણો ઉપરાંત બદલાતી કાર્યપદ્ધતિ અને આધુનિક ટેકનોલોજી સાથે તાલમેલ બેસાડવામાં પડતી મુશ્કેલીઓ પણ કારણભૂત હોવાનું ચર્ચાઈ રહ્યું છે. મ્યુનિ.કોર્પોરેશનમાં હજુ પણ ૬૦ ટકા પેન્શનપાત્ર કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા હોવાથી આગામી સમયમાં વધુ અધિકારીઓ અને કર્મચારીઓ પણ સ્વૈચ્છિક નિવૃત્તિનો માર્ગ અપનાવે તેવી અટકળો વ્યક્ત થઈ રહી છે.

૫૧૨ક્લાર્કની ભરતી, ૨૯૨એ નોકરી છોડી

તાજેતરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ૫૧૨ ક્લાર્કની ભરતી કરવામાં આવી હતી. જોકે ભરતી થયેલા કર્મચારીઓમાંથી ૨૯૨ ક્લાર્કે રાજીનામું આપી દીધું છે અને હાલ માત્ર ૨૨૦ કર્મચારીઓ જ ફરજ પર છે. રાજ્ય સરકારમાં વધુ સારી નોકરી અને કારકિર્દીની તકો મળતાં અનેક ક્લાર્ક મ્યુનિ.કોર્પોરેશનની નોકરી છોડી ગયા છે. બીજી તરફ વોર્ડ કક્ષાએ સ્ટાફની અછત અને કામનું વધુ ભારણ હોવાને કારણે પણ કર્મચારીઓ લાંબા સમય સુધી ટકી શકતા નથી તેવી ચર્ચા છે.

વેરા વસૂલાત કામગીરી પર અસરની આશંકા

મ્યુનિ. કોર્પોરેશનની મુખ્ય આવકનો સ્ત્રોત મિલકતવેરો છે. જોકે કર્મચારીઓની અછતને કારણે વેરા વસૂલાતની કામગીરી પર અસર થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. અગાઉ જન્મ-મરણ શાખા, ગાર્ડન શાખા તેમજ તમામ વોર્ડ કચેરીઓમાં અનુભવ ધરાવતી થર્ડ પાર્ટી એજન્સીને વેરા વસૂલાતની કામગીરી સોંપાઈ હતી. હવે કેશિયરની કામગીરી ક્લાર્કને સોંપાઈ છે. ક્લાર્કને કામગીરીની તાલીમ આપવાની ફરજ પડતાં વોર્ડ કક્ષાએ કામનું ભારણ વધી રહ્યું છે, જેના કારણે મિલકત વેરાની વસૂલાતના લક્ષ્યાંક પર પણ અસર પડી શકે તેવી ચર્ચા છે.