વડોદરા કોર્પોરેશનમાં ભરતીના નિયમો અને કાર્યવાહીની દરખાસ્તથી સરકારના નિયમો અને "લોકલ ફોર વોકલ"નો અભિગમ અભરાઇ પર ચડાવ્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Corporation : વડોદરા કોર્પોરેશનમાં ભરતીના નિયમો અને ભરતીની કાર્યવાહી રાજ્ય સરકારના આયોગ અથવા ઇન્સ્ટિટયૂટ, યુનિવર્સિટી કે એજન્સી દ્વારા કરવામાં આવશે તે અંગેની દરખાસ્તથી રાજ્ય સરકારના નિયમોનું ઉલ્લંઘન અને મોદી સરકારનો "લોકલ ફોર વોકલ" ના અભિગમને અભરાઈ પર ચડાવી દેવાની પેરવી થઈ રહી છે.
વડોદરા કોર્પોરેશનના વર્ગ એક થી ત્રણ સુધીના અધિકારી અને કર્મચારીની ભરતી અંગે તાજેતરમાં આવેલી દરખાસ્તમાં રાજ્યના આયોગ દ્વારા ભરતી કરવા અને ભરતીના નિયમો અંગે કાર્યવાહી કરવા સમગ્ર સભામાં દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. હવે તેમાં ફેરફાર કરી નવેસરથી પુરવણી દરખાસ્ત કમિશનર દ્વારા રજૂ કરવામાં આવી છે જેમાં રાજ્યના આયોગ ઉપરાંત અન્ય માન્ય ઇન્સ્ટિટયૂટ, યુનિવર્સિટી કે એજન્સી દ્વારા પણ ભરતીની પ્રક્રિયા થઈ શકશે તેવી દરખાસ્ત રજૂ થતા ફરી એકવાર ભરતીના નિયમો અંગેનો વિવાદ સર્જાયો છે. એટલું જ નહીં ખાલી પડેલી જગ્યાઓ ઉપર છેલ્લા 20થી 25 વર્ષથી ઈજનેરો હોય કે રેવન્યુ ઓફિસરો હોય તેઓને બઢતી આપવામાં આવી નથી જેને કારણે તેઓને ભરતીમાં અન્યાય થશે તેમ માનવામાં આવે છે. ત્યારે સમગ્ર સભાએ વર્ષોથી ફરજ બજાવતા અધિકારી અને કર્મચારીઓના લાભમાં યોગ્ય ઠરાવ થાય તે માટે નવી ચૂંટાયેલી પાંખે પ્રયત્ન કરવા જોઈએ તેમ કર્મચારી મંડળોનું માનવું છે.
વડોદરા કોર્પોરેશનના વર્ગ-1 અને વર્ગ-2ની જગ્યાઓની સીધી ભરતી ગુજરાત જાહેર સેવા આયોગ અથવા નામાંકિત ઇન્સ્ટિટ્યૂટ, યુનિવર્સિટી,કે એજન્સી મારફતે કરાવવા અને વર્ગ ત્રણના ટેકનિકલ તથા નોન ટેકનીકલ જગ્યાઓમાં કર્મચારીઓની સીધી ભરતી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ અથવા અન્ય ઇન્સ્ટિટયૂટ યુનિવર્સિટી કે એજન્સી મારફતે કરાવવા અંગે સમગ્ર સભામાં દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.
દરખાસ્તમાં જણાવવામાં આવ્યું છે કે,વડોદરા કોર્પોરેશનના વર્ગ-1થી3ની જગ્યાઓની સીધી ભરતી ગુજરાત જાહેર સેવા આયોગ અને ગુજરાતગૌણ સેવા પસંદગી મંડળ મારફતે કરાવવા અંગે મ્યુનિ. કમિશ્નરને અધિકૃત કરવા "કોર્પોરેશન"ની મંજૂરી મળવા તા.13-11-2025ના રોજ દરખાસ્ત મોકલવામાં આવી હતી. જેમાં ફેરફાર કરતી દરખાસ્ત માં જણાવ્યું છે કે વડોદરા કોર્પોરેશનની તા.20-11-25 ના રોજ યોજાયેલી સામાન્ય સભાની જૂની દરખાસ્ત સાથે પુરવણી દરખાસ્ત સમાવેશ કરી "કોર્પોરેશન"ની સભામાં રજૂ કરવામાં આવી હતી.
વર્ગ-1 તથા વર્ગ-2 ની ટેકનિકલ તથા નોન-ટેકનિકલ જગ્યાઓમાં સીધી ભરતીની જગ્યાઓ ગુજરાત જાહેર સેવા આયોગ મારફતે કરાવવા સુચવેલ છે. પરંતુ વર્ગ-1 અને વર્ગ-2 ની ટેકનિકલ તથા નોન-ટેકનિકલ જગ્યાઓ માટેની ભરતી પ્રક્રિયા ગુજરાત જાહેર સેવા આયોગ અને વર્ગ-3 ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળને બદલે નામાંકિત ઇન્સ્ટિટ્યૂટ ,યુનિવર્સિટી,કે એજન્સી મારફત કરાવવાનો વિકલ્પ રાખવો વહીવટી દ્રષ્ટીએ ઉચિત જણાય છે. આ પુરવણી દરખાસ્ત રજૂ થતાં જૂની દરખાસ્ત માં જે જગ્યાઓ ભરવાની છે તેની ભરતીના નિયમો અને ઉમેદવારોની લાયકાતો રજૂ કરવામાં આવી છે. ત્યારે જૂની દરખાસ્ત પ્રમાણે ભરતીની જગ્યાઓ અંગે સમગ્ર સભા મંજૂરી આપશે તો વર્ષોથી કોર્પોરેશનમાં ફરજ બજાવનારા અધિકારીઓ ઇજનેરો અને કર્મચારીઓને અન્યાય થશે ત્યારે કોર્પોરેશનના વિવિધ મંડળો દ્વારા આ અંગે સ્થાનિક કોર્પોરેશનમાં ફરજ બજાવનારા અને વર્ષોથી જેઓને બઢતી મળી નથી તેવા અધિકારીઓ કર્મચારીઓને ન્યાય મળે તે પ્રમાણેનો ઠરાવ કરાવવામાં આવે તેવી લાગણી પ્રવૃત્તિ રહી છે.
ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગે સ્પષ્ટ જણાવી દીધું છે કે ભરતી સમયે અનુભવનો જે નિયમ છે તે રાખવો નહીં તેમ છતાં સમગ્ર સભામાં રજૂ થયેલી દરખાસ્તમાં વિવિધ જગ્યાઓની ભરતી માટે અનુભવના નિયમને યથાવત રાખ્યો છે એટલું જ નહીં કેટલાકમાં તો ફેરફાર કરવામાં આવ્યો છે એ જ રીતે ભરતી પ્રક્રિયામાં મોદી સરકારનો અભિગમ "લોકલ ફોર વોકલ નો રહેલો છે તેનો પણ છેદ ઉડાડી દેવામાં આવ્યો છે જેથી કર્મચારીઓમાં ચર્ચાનો વિષય બન્યો છે.
વર્ગ એક માટે પાંચ વર્ષ અને વર્ગ-2 માટે ત્રણ વર્ષનો અનુભવનો નિયમ હટાવી દેવા અધિક મુખ્ય સચિવે સૂચના આપી હતી
ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ અંજુ શર્માએ તમામ વિભાગોને પત્ર પાઠવી વહીવટી અધિકારી, વર્ગ-1 અને વહીવટી અધિકારી, વર્ગ-2 સંવર્ગના પ્રવર્તમાન ભરતી નિયમોમાં અનુભવનો નિયમ હટાવી જરૂરી સુધારો કરી ભરતી કરવા સૂચના આપી છે ત્યારે વડોદરા કોર્પોરેશન પણ સરકારના આદેશ મુજબ ચાલતી સંસ્થા છે તેમ છતાં ભરતી અંગેના નિયમોમાં ફેરફાર કર્યા વિનાની દરખાસ્ત સમગ્ર સભામાં રજૂ કરવામાં આવતા વિવાદ સર્જાયો છે.
અંજુ શર્માએ તમામ વિભાગોને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, આપના વિભાગ હસ્તકના વહીવટી અધિકારી, વર્ગ-1 અને વહીવટી અધિકારી, વર્ગ-2 સંવર્ગ તથા તે મુજબની લાયકાત અને અનુભવ ધરાવતા અલગ નામાભિધાનવાળા સમકક્ષ વહીવટી સંવર્ગના પ્રવર્તમાન ભરતી નિયમોમાં સીધી ભરતીમાંથી અનુભવની જોગવાઈ વર્ગ-1 માટે પાંચ વર્ષ અને વર્ગ-2 માટે ત્રણ વર્ષનો અનુભવ દૂર કરી કોઈ પણ વિષયના સ્નાતકની લાયકાત સાથે રાખવાથી આ સંવર્ગની ભરતી ગુજરાત જાહેર સેવા આયોગની વર્ગ-1 અને 2 ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષામાં સમાવી શકાય. જેથી કરીને ભરતી સંસ્થા ઉપરના ભારણ ઉપર ઘટાડો થશે અને નિયમિત ભરતી આયોજીત થવાથી પ્રસ્તુત જગ્યા સરળતાથી ભરી શકાશે.
આ બાબતને ધ્યાને લઈ વર્ગ એક અને બે સંવર્ગોના પ્રવર્તમાન ભરતી નિયમોમાં જરૂરી સુધારા કરવા અંગેની દરખાસ્ત સામાન્ય વહીવટ વિભાગને મોકલીઆપવાની રહેશે.
રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ તરફથી અનુભવ અંગેનો નિયમ કાઢી નાખવા જણાવ્યું છે તેમ છતાં કોર્પોરેશન દ્વારા અનુભવના નિયમો અને ખાસ કરીને જે અગાઉના નિયમ હતા તેમાં ફેરફાર કરી વધુ વર્ષનો અનુભવ હોય તેવા નિયમો રજૂ કરવામાં આવતા વિવાદ સર્જાયો છે.
આસિ.મ્યુનિ. કમિશનરના હોદ્દા માટે વ્હાલા દવલાની નીતિ : સીધી ભરતી માટે પાંચ વર્ષ આંતરિક માટે આઠ વર્ષ
વડોદરા કોર્પોરેશનમાં આસિસ્ટન્ટ કમિશનરોની કુલ છ જગ્યામાંથી પાંચ જગ્યા ખાલી છે ભરતીના નિયમો અને લાયકાતમાં જે ફેરફારો કરવામાં આવ્યા છે તેમાં સીધી ભરતીના નિયમોમાં પાંચ વર્ષનો અનુભવ જ્યારે આંતરિક ભરતી માટેના નિયમોમાં આઠ વર્ષનો અનુભવ કરવામાં આવનાર છે. જેથી કોઈ ચોક્કસ અધિકારીઓને લાભ અપાવવા માટે આવા ફેરફારો કરવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળે છે.
આસિસ્ટન્ટ કમિશનરની ભરતી માટેના નિયમોમાં વહાલા દવલાની નીતિ અપનાવવામાં આવી છે. આંતરિક ભરતીના નિયમોની ફેરફારો વર્ષ 2018માં કરવામાં આવ્યા હતા તે પછી કોઈ ભરતી થઈ નથી ત્યારે સમગ્ર સભામાં આસિસ્ટન્ટ કમિશનરની ભરતી માટેના નિયમોમાં સીધી ભરતી માટે પાંચ વર્ષનો અનુભવ અને આંતરિક ભરતીથી આઠ વર્ષના અનુભવ હોય તેવાની નિમણૂક કરવા અંગેની દરખાસ્તથી વિવાદ સર્જાયો છે. આસિસ્ટન્ટ કમિશનરની ભરતી માટે આર્ટસ કોમર્સ અથવા સાયન્સ ગ્રેજ્યુએટ 50% અથવા લોગ ગ્રેજ્યુએટ હોય તેની ભરતી કરી શકાશે તેમ જણાવ્યું છે. ત્યારે સમગ્ર સભામાં આવા વિવાદ હોય તો તેમાં ફેરફાર કરવાની આવશ્યકતા રહેલી છે.
સેનેટરી ઇન્સ્પેક્ટરોને સમયસર બઢતી ઇજનેરો-રેવન્યુ ઓફિસરોને 15 થી 20 વર્ષથી બઢતી જ નહીં
વોર્ડ ઓફિસરમાં આંતરીક ભરતી તથા બહારની ભરતી કરતા કર્મચારીઓને બઢતી સંખ્યા માત્ર 21ને આપી અન્યાય કરવામાં આવ્યો છે.
વડોદરા કોર્પોરેશનમાં ભરતીનું પ્રમાણ એક જગ્યા બહારથી,એક જગ્યા આંતરિક ભરતીથી અને એક જગ્યા બઢતીથી એટલેકે, 1:1:1 રેશિયો જાળવવાનો હોય છે. પરંતુ કોર્પોરેશન તે રેશિયો જાળવવામાં નિષ્ફળ નીવડ્યું હોવાથી રેવન્યુ ઓફિસરોને બઢતી આપવામાં નહીં આવતા તેઓ હવે આસી. કમિશનરની સીધી ભરતીમાં લાભ લઈ શકશે નહીં.
વોર્ડ ઓફિસરની જગ્યા માટે સીધી ભરતી-31 અને આંતરિક પસંદગી-33 અને બઢતી માત્ર-21 જગ્યા પર આપી છે.
કોર્પોરેશન દ્વારા ભુતકાળના વર્ષોમાં ભરતી પ્રક્રિયાઓમાં કેટેગરી બદલીને ખોટી નિમણુંકો કરવામાં આવી હતી જે અંગે વિવાદ સર્જાયો હતો. વોર્ડ ઓફિસર જેવી જગ્યાઓ ભરવા માટે ભરતીનું પ્રમાણ 1:1:1 એટલે કે 1 જગ્યા સીધી ભરતીથી, 1 જગ્યા ખાતાકીય પસંદગીથી અને 1 જગ્યા બઢતીથી ભરવામાં આવે છે. આ પ્રમાણ જળવાય કારણકે પ્રાપ્ત માહિતી અનુસાર વોર્ડ ઓફિસર કેડરમાં વધુ પડતી ભરતી બહારથી તેમજ આંતરીક કરવામાં આવેલ છે. પંરતુ બઢતી ખૂબ જ ઓછી આપી છે. આંતરીક તથા બહારથી ભરતીનું પ્રમાણ કરતા બઢતીનું પ્રમાણ ઘણુ ઓછુ છે. તમામ કેટેગરીના ઉમેદવારોને યોગ્ય અને પુરતી તકો આપવાને બદલે વર્ષ 2000ની ભરતીના રેવન્યુ ઓફિસરોને 26 વર્ષ થયા હોવા છતાં વોર્ડ ઓફિસરમાં બઢતી ન આપવાના કારણે આજે તેઓને ઘણું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. સામાન્ય વહિવટ વિભાગે વોર્ડ ઓફિસર તરીકે બઢતી ન આપવાથી તેઓ માટે આંતરિક ભરતી આસી. મ્યુનિસિપલ કમિશ્નર ભરતીથી વંચિત રહ્યા છે. આટલો બહોળો અનુભવ હોવા છતાં તેઓ એલિજિબલ થઇ શકશે નહિ. સામાન્ય વહિવટ વિભાગે સેનેટરી ઇન્સ્પેકટર માંથી માત્ર ૩ વર્ષના જ ટુંકા ગાળામાં સીની. સેનટરી ઇન્સ્પેકટર તરીકે બઢતી આપવામાં આવી તેમજ 26 વર્ષથી રેવન્યુ ઓફિસરની ફરજો બજાવતા અધિકારીઓને વોર્ડ ઓફિસરમાં બઢતી આપવામાં નીરસતા દાખવી છે. જે આંખે ઉડીને વળગે છે. વોર્ડ ઓફિસરમાં 1:1:1 ભરતીનું પ્રમાણ જાળવેલ નથી જેનુ યોગ્ય વર્ગીકરણ કરવું તથા સામાન્ય વહિવટ શાખા દ્વારા વોર્ડ ઓફિસરમાં ઓછા પ્રમોશન આપવાથી આર્થિક રીતે સંસ્થાને તથા કર્મચારીઓને પણ નુકસાન થાય છે. જેથી પ્રમોશન તાત્કાલીક આપવા જોઇએ તેવી માંગણી કર્મચારી મંડળ દ્વારા અવાર નવાર કરવામાં આવી હતી.
ક્લાર્કની ભરતીમાં વીજ કંપનીઓના નિયમ મુજબ ભરતી જરૂરી: ટેક્નિકલ સ્નાતકની લાયકાત હટાવી દેવી જોઈએ
વડોદરા કોર્પોરેશનમાં જુનિયર ક્લાર્કની હાલ 600 જગ્યામાંથી 350 થી 400 જગ્યા ખાલી પડી છે ત્યારે કોર્પોરેશનમાં સીધી ભરતીના નિયમમાં કોઈપણ વિષયના 50% મેળવનાર સ્નાતક ક્લાર્કમાં ભરતી માટે અરજી કરી શકશે જેને કારણે નોન ટેકનીકલ ક્લાર્કની જગ્યા પર ટેકનિકલ સ્નાતક હોય તેવા ઉમેદવારો પણ અરજી કરતા હોય છે અને તેઓની નિમણૂક થયા બાદ અન્ય કોઈ જગ્યાએ સારી તક મળે છે તો નોકરી છોડીને ચાલ્યા જાય છે. ત્યારે કોર્પોરેશનમાં જે રીતે આસિસ્ટન્ટ કમિશનર માટે આર્ટસ, કોમર્સ અને સાયન્સ ફેકલ્ટીમાંથી સ્નાતક થયા હોય તેવા ઉમેદવાર અરજી કરી શકશે તેઓ નિયમ બનાવ્યો છે. તે જ પ્રમાણે ક્લાર્કની ભરતી માટે પણ આ નિયમ બનાવવો જરૂરી છે. કોર્પોરેશનની ક્લાર્કની જગ્યા માટે 550 જુનિયર ક્લાર્કની ભરતી કરવામાં આવી હતી. તેમાંથી 350 જેટલા ક્લાર્કને અન્ય જગ્યાએ સારી તક મળતા નોકરી છોડીને ચાલ્યા ગયા છે ત્યારે જુનિયર ક્લાર્ક માટે આર્ટસ કોમર્સ અથવા સાયન્સ ફેકલ્ટીમાંથી પાસ થયા હોય તેવાને તક આપવામાં આવે તે જરૂરી છે. એટલા માટે કે વડોદરા શહેર આર્ટસ, કોમર્સ, સાયન્સ ત્રણેય ફેકલ્ટીનું હબ ગણવામાં આવે છે એટલું જ નહીં ગુજરાત સરકાર સંચાલિત 6 વીજ કંપનીઓ હોય કે અન્ય નિગમો હોય તેમાં નોન ટેકનિકલ સ્ટાફ અર્થાત ક્લાર્કની ભરતીના નિયમોમાં પણ આર્ટસ, કોમર્સ અને સાયન્સ ફેકલ્ટીના સ્નાતકની ભરતી થાય છે. વડોદરા કોર્પોરેશનમાંથી ક્લાર્કની ભરતી માટે તથા અન્ય જગ્યાઓ માટે સુરત કોર્પોરેશન દ્વારા જે રીતે પરીક્ષાના પેપર મુદ્દાસર તૈયાર કરવામાં આવે છે તે રીતે વડોદરા કોર્પોરેશન દ્વારા પણ સુરત પેટર્ન પ્રમાણે પરીક્ષાના પેપરો તૈયાર કરવામાં આવે તે જરૂરી છે તેમ કર્મચારીઓનું માનવું છે.









