સ્માર્ટ સિટીમાં છેલ્લા કેટલાક દિવસથી ડહોળું અને ગંદા પાણીની સમસ્યા યથાવત : લોકો પરેશાન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Corporation : સ્માર્ટ સિટીની ઓળખ ધરાવતા વડોદરામાં આજે પણ અનેક વિસ્તારોમાં ડહોળું અને ગંદુ પાણી આવવાની ફરિયાદો યથાવત રહેતાં મ્યુનિસિપલ કોર્પોરેશનની પાણી પુરવઠાની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. અગાઉથી અનેક વિસ્તારોમાં ગટરમિશ્રિત પાણી આવતું હોવાની ફરિયાદો વચ્ચે હવે ફરી ડહોળા પાણીના મુદ્દે નાગરિકો પરેશાન બન્યા છે. પીવાનું સ્વચ્છ પાણી ઉપલબ્ધ ન થતાં લોકોને પાણીના જગ ખરીદવાની અને કેટલાક વિસ્તારોમાં ટેન્કર મંગાવવાની ફરજ પડી રહી છે.
ગંદા પાણીના કારણે અનેક પરિવારોને ઘરના પાણીના ટાંકા સાફ કરાવવા માટે વધારાનો ખર્ચ કરવો પડી રહ્યો છે. પીવાના પાણીની ગુણવત્તા અંગે લોકોમાં ચિંતા વધી રહી છે. નાગરિકોનું કહેવું છે કે પાણી માટે વેરો ભરવા છતાં સ્વચ્છ અને સુરક્ષિત પાણી મળતું નથી, જેના કારણે રોજિંદા જીવનમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
વિપક્ષ અને જાગૃત નાગરિકોનો આક્ષેપ છે કે પાણી શુદ્ધિકરણ પ્લાન્ટો, નવી પાઇપલાઇન અને પાણી પુરવઠાના નેટવર્ક પાછળ વર્ષોથી કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. છતાં શહેરના અનેક વિસ્તારોમાં ડહોળું પાણી, ગટરમિશ્રિત પાણી અને પાણી પુરવઠાની સમસ્યાઓ યથાવત રહેવી ગંભીર બાબત છે. સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે લોકોને હજુ પણ ચોખ્ખા પીવાના પાણી માટે સંઘર્ષ કરવો પડે છે તે તંત્રની નિષ્ફળતા દર્શાવે છે.
નાગરિકોનું કહેવું છે કે વર્ષો સુધી યોજનાઓ ઘડવા, નવા પ્રોજેક્ટ અમલમાં મૂકવા અને કરોડો રૂપિયાનો ખર્ચ કરવા છતાં જો લોકોને સ્વચ્છ પીવાનું પાણી જ ન મળે તો આવી યોજનાઓનો હેતુ શું? શહેરના પાણીના નેટવર્કમાં રહેલી ખામીઓને કાયમી ધોરણે દૂર કરીને દરેક વિસ્તારમાં નિયમિત અને શુદ્ધ પાણી પહોંચાડવાની માંગ ઉઠી રહી છે. લોકોનું માનવું છે કે પાણી જેવી મૂળભૂત સુવિધામાં વારંવારની ફરિયાદો હવે બંધ થવી જોઈએ અને તંત્રે કાગળ પર નહીં પરંતુ જમીન પર પરિણામ દેખાડવાની જરૂર છે.









