વડોદરા શહેરમાં ઈ-બસની સંખ્યા 50 થઈ, પરંતુ ઈન્ફ્રાસ્ટ્રક્ચર હજુ અધૂરું : વધુ 20 ઈ-બસનું લોકાર્પણ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara News : વડોદરા શહેરમાં પ્રદૂષણમુક્ત જાહેર પરિવહન તરફ વધુ એક પગલું ભરાયું છે. ગોત્રી વિસ્તારમાં કોલાબેરા પાછળ આવેલા ગોત્રી ઈ-બસ ડેપો ખાતેથી આજે વધુ 20 ઈલેક્ટ્રિક બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સાથે શહેરમાં ઈ-બસોની કુલ સંખ્યા 50 થઈ છે. જોકે, ઈ-બસોની સંખ્યા વધારવામાં આવી રહી છે ત્યારે તેની સાથે જરૂરી ચાર્જિંગ અને અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં થઈ રહેલા વિલંબને કારણે તંત્ર સામે પડકાર યથાવત્ છે.
ક્લીન સિટી-ગ્રીન સિટીના સંકલ્પ સાથે પ્રદૂષણમુક્ત પરિવહન સેવા પૂરી પાડવા માટે કેન્દ્ર સરકાર દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનને ઈલેક્ટ્રિક બસો ફાળવવામાં આવી રહી છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેર માટે કુલ 200 ઈ-બસોની ડિમાન્ડ સાથેનું પ્રપોઝલ પણ સબમિટ કરવામાં આવ્યું છે.
200 ઈ-બસના સંચાલનને ધ્યાનમાં રાખીને બસ પાર્કિંગ માટેની જગ્યા, ચાર્જિંગ સ્ટેશન, જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રિયલ ટાઈમ મોનિટરિંગ માટેની ટેકનિકલ સુવિધા તેમજ ડેપો સહિતની કામગીરી તબક્કાવાર હાથ ધરવામાં આવી રહી છે. વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાનમાં લેતાં તાજેતરમાં ઈંધણની કટોકટી જેવી સ્થિતિ સર્જાઈ હતી. પેટ્રોલ-ડીઝલ આધારિત પરિવહન પરની નિર્ભરતા ઘટાડવા ઈલેક્ટ્રિક જાહેર પરિવહનને ઝડપથી વિસ્તૃત કરવાની જરૂરિયાત ઊભી થઈ છે. આવી સ્થિતિમાં ઈ-બસો વધારવાની સાથે ચાર્જિંગ અને ડેપોનું મજબૂત નેટવર્ક ઊભું કરવું પણ એટલું જ જરૂરી છે.
શહેરમાં ઈ-બસોની સંખ્યા આગામી સમયમાં 200 સુધી પહોંચાડવાની હોય તો માત્ર એકાદ ડેપોના આધારે સંચાલન કરવું મુશ્કેલ બની શકે છે. શહેરની ચારેય દિશામાં ઈલેક્ટ્રિક બસ ડેપો કાર્યરત કરવાની જરૂરિયાત છે, જેથી બસોના સંચાલનનો સમય અને ખર્ચ ઘટાડી શકાય.
સરકારી કચેરીઓ ખાતે પણ ઈલેક્ટ્રિક વાહનો માટે ચાર્જિંગ સ્ટેશન ઊભા કરવાનું આયોજન કરવામાં આવ્યું છે, પરંતુ આ આયોજન હજુ કાગળ પર જ હોવાનું ચિત્ર સામે આવી રહ્યું છે. બીજી તરફ અગાઉ PPP ધોરણે શરૂ કરવામાં આવેલા ચાર્જિંગ સ્ટેશનો પૈકીના મોટાભાગના સ્ટેશન બંધ હાલતમાં હોવાના કારણે નવા સ્ટેશનોની કામગીરી અને જાળવણી અંગે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે.
ઈ-બસોની સંખ્યા વધારવા સાથે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર સમયસર ઊભું કરવામાં નહીં આવે તો ઈલેક્ટ્રિક જાહેર પરિવહનના વિસ્તરણની ગતિ પર અસર પડી શકે છે. તેથી બસોની ફાળવણી સાથે ચાર્જિંગ સ્ટેશન, ડેપો અને ટેકનિકલ સુવિધાઓ સમયમર્યાદામાં કાર્યરત થાય તે અંગે તંત્રએ ચોકસાઈ દાખવવી જરૂરી બની છે.









